ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ્સ શહેરમાં બે પોલીસ અધિકારીઓને એક અર્ધનગ્ન મુસ્લિમ મહિલાને જમીન પર ઘસડીને ઘરથી બહાર કાઢી મૂકવાના આરોપસર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પોલીસ વિભાગે આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી, જેના રિપોર્ટ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ઘટના 18 નવેમ્બર 2022ની છે.
આ મહિલાને સંપત્તિના માલિકે કાઢી મૂકી હતી, પરંતુ તેમ છતાં તે ઘર ખાલી કરવાનો ઇનકાર કરતી રહી હતી. આખરે કંટાળીને ઘરમાલિકે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ પહોંચી ત્યારે મહિલા જમીન પર બેઠી હતી. રિપોર્ટ્સ અનુસાર, પોલીસે પહેલાં મહિલાને સમજાવી અને જગ્યા છોડી દેવા માટે કહ્યું હતું, પરંતુ મહિલા ન માની. ત્યારબાદ પોલીસે તેને ઘસડીને બહાર મૂકી આવવાની પણ ધમકી આપી હતી.
A Muslim woman who usually wears hijab, was dragged out a Birmingham property without trousers on by police. “We can either do it nice and fairly and you can get up and leave, I can drag you out and then you can complain about me.” 2 officers are suspended https://t.co/D4ICRB4P4q
— Shareefa Energy (@ShareefaEnergy) December 2, 2022
વિડીયોમાં પોલીસ અધિકારી કહેતા સંભળાય છે કે, “કાં તો તમે ઉભા થઈને આ જગ્યા છોડી દો અથવા તો હું તમને અહીંથી બહાર કાઢી મૂકીશ, આપણે બંને કરી શકીએ છીએ. પછી તમે મારી સામે ફરિયાદ કરી શકો છો.”
પોલીસે આખરે જ્યારે તેને પકડવાના પ્રયત્નો કર્યા તો તેણે કહ્યું કે, “મેં પેન્ટ નથી પહેર્યું અને હું એક મુસ્લિમ મહિલા છું અને મેં હિજાબ પહેર્યો છે. ત્યારબાદ બૂમો પાડતી અર્ધનગ્ન મુસ્લિમ મહિલાને હાથકડી પહેરાવીને પોલીસે ઘરની બહાર કાઢી મૂકી હતી. મહિલાએ કહ્યું કે, બંને પોલીસ અધિકારીઓએ તેને પકડી રાખી હતી અને તેણે નીચે કશું જ પહેર્યું ન હતું.
મહિલાએ કહ્યું કે, પોલીસને તેની સામે આંગળી ઉઠાવવાનો પણ અધિકાર નથી. તેણે પોતે અપમાનિત અનુભવ કરી રહી હોવાનું પણ જણાવ્યું હતું. તેણે કહ્યું કે, તેણે પોલીસને જણાવવું પડ્યું કે તે મુસ્લિમ છે તેથી તેને લઇ જવા પહેલાં શરીર આખું ઢાંક્વા દે. મહિલાએ મકાન માલિકની સંપત્તિમાં બેરિકેડ નાંખી દીધું હોવાનું પણ જાણવા મળ્યું છે.
પોલીસ વિભાગે આ અંગે જણાવ્યું કે, ‘મહિલાએ સ્પષ્ટતા કરી હતી કે તે મુસ્લિમ છે. અમે સમજી શકીએ છીએ કે આ કેટલું ચિંતાજનક છે અને ખાસ કરીને મુસ્લિમ સમાજ માટે તે વધુ ચિંતાજનક છે. અમે આ મામલે વધુ તપાસ કરીશું. પોલીસે જણાવ્યું કે, તેઓ મામલાની તપાસ માટે અધિકારીઓના બોડી વોર્ન કેમેરામાં કેદ થયેલ ફૂટેજ પણ તપાસશે ઉપરાંત સાક્ષીઓનાં નિવેદનો પણ નોંધવામાં આવશે.