કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ તાજેતરમાં ગોધરામાં એક સભા યોજી હતી. જોકે, આ સભામાં ધમાલ થતાં તેમણે અધવચ્ચેથી ભાગવાનો વારો આવ્યો હતો. કોંગ્રેસ નેતાએ ચાલુ સભાએ AIMIM ઉપર ટિપ્પણી કરતાં બે પાર્ટીના કાર્યકરો સામસામે આવી ગયા હોવાનું કહેવાય છે. દરમ્યાન, કોંગ્રેસ અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના સમર્થકો વચ્ચે મારપીટની પણ ઘટના બની હતી. જે બાદ ગોધરા ખાતેની સભામાંથી ઇમરાન પ્રતાપગઢીને ભાગવાનો વારો આવ્યો હતો.
गुजरात: गोधरा में इमरान प्रतापगढ़ी की सभा में बवाल #Gujarat | @malhotra_malika @gopimaniar pic.twitter.com/286KQC3nri
— AajTak (@aajtak) December 1, 2022
અહેવાલો અનુસાર ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે કોંગ્રેસ નેતા ઇમરાન પ્રતાપગઢી મુસ્લિમ બહુમત ધરાવતી ગોધરાની બેઠક પર પહોંચ્યા હતા. તેમની જનસભા દરમિયાન મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. સભામાં સંબોધન દરમિયાન પ્રતાપગઢીએ AIMIM પર ટિપ્પણી કરતાંની સાથે જ વિવાદ ઉભો થયો હતો, જે વધીને મારામારી સુધી પહોંચી ગયો હતો. પરિસ્થિતિ વધુ વણસતા ગોધરા સભામાંથી ઇમરાન પ્રતાપગઢીને ભાગવાનો વારો આવ્યો હતો.
સભા દરમિયાન AIMIM પર ટીપ્પણી બાદ લોકોએ આક્રોશમાં કોંગ્રેસ નેતા ઇમરાન પ્રતાપગઢીને ઘેરી લીધા હતા. ત્યારબાદ અચાનક કોંગ્રેસ અને AIMIM સમર્થકોમાં છૂટા હાથની મારામારી શરૂ થઇ ગઇ હતી. જોકે, કોંગ્રેસના સમર્થક અને સ્થાનિક નેતાઓએ ઇમરાન પ્રતાપગઢીને બહાર કાઢ્યા હતા અને તેઓ તાત્કાલિક સભા વચ્ચે છોડીને ઘટનાસ્થળેથી નીકળી ગયા હતા.
કોણ છે ઇમરાન પ્રતાપગઢી
મૂળ ઉત્તર પ્રદેશના ઇમરાન પ્રતાપગઢી કોંગ્રેસના મોટો મુસ્લિમ ચહેરો છે. ઉર્દૂ અને હિન્દી ભાષાના કવિ અને શાયર ઇમરાન 2019 લોકસભા ચૂંટણીમાં મુરાદાબાદ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તે પછી કોંગ્રેસે આ વર્ષે જુલાઇમાં તેમને મહારાષ્ટ્રથી રાજ્યસભા મોકલ્યા હતા.
ગોધરા બેઠક પર ભાજપે વર્તમાન ધારાસભ્ય સી. કે રાઉલજીને ટિકિટ આપી છે. કોંગ્રેસે સ્મિતાબેન ચૌહાણ અને આપના રાજેશ પટેલ અને AIMIMના મુફ્તી હસર કચાબાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. અહીં, મુસ્લિમ મતોની સંખ્યા સારા પ્રમાણમાં હોવાથી AIMIM દ્વારા પણ ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે. જોકે, આ ચતુષ્કોણીય જંગમાં ભાજપના ઉમેદવારની જીત સરળ જણાઈ રહી છે.
ગોધરામાં આગામી 5 ડિસેમ્બરના રોજ મતદાન હાથ ધરવામાં આવશે. જેનાં પરિણામો આગામી 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. આજે પહેલા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે.