Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘તમે અમારા અનંત પટેલને હરાવવા માંગો છો’ કહીને વાંસદાના ભાજપ ઉમેદવાર પિયુષ...

    ‘તમે અમારા અનંત પટેલને હરાવવા માંગો છો’ કહીને વાંસદાના ભાજપ ઉમેદવાર પિયુષ પટેલ પર હુમલો, કોંગ્રેસ કાર્યકરો પર આરોપ

    ફરિયાદમાં ભાજપ નેતાએ જણાવ્યું છે કે, ઝરી ગામે કોંગ્રેસના કાર્યકર ધનજી પટેલ, ઠાકોર પટેલ, જયેશ પટેલ અને અન્ય 15-20 માણસોએ તેમને રોકી લીધા હતા અને તેમની પાસે લાકડી, ધોકા, બેટ વગેરે હથિયારો હતાં. 

    - Advertisement -

    નવસારીની વાંસદા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પિયુષ પટેલ પર મોડી રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાનો આરોપ વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલના સમર્થકો પર લાગ્યો છે. પિયુષ પટેલ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. 

    પ્રાપ્ત જાણકારી અનુસાર, ભાજપ ઉમેદવાર પિયુષ પટેલ ચીખલીથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ઝરી ગામ પાસે અજાણ્યા ઈસમોએ તેમને રોકીને ‘તમે અનંત પટેલને હરાવવા માંગો છો’ તેમ કહીને હુમલો કરી દીધો હતો. જેમાં તેમને માથાના ભાગે ઇજા પહોંચી હતી. અહીં ઉલ્લેખનીય છે કે અનંત પટેલ વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય છે.

    આ ઘટનાની FIR કૉપી ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. જેમાં જણાવ્યા અનુસાર, ભાજપ નેતા પિયુષ પટેલ તેમના સમર્થકો સાથે ચીખલીથી વાંસદાના મનપુર પરત ફરી રહ્યા હતા તે દરમિયાન વાંસદા તાલુકાના ઝરી ગામે રાત્રે 2 વાગ્યાના અરસામાં 15થી 20 ઈસમોએ તેમની કાર રોકીને પૂછપરછ કરી હતી. 

    - Advertisement -

    ફરિયાદમાં ભાજપ નેતાએ જણાવ્યું છે કે, ઝરી ગામે કોંગ્રેસના કાર્યકર ધનજી પટેલ, ઠાકોર પટેલ, જયેશ પટેલ અને અન્ય 15-20 માણસોએ તેમને રોકી લીધા હતા અને તેમની પાસે લાકડી, ધોકા, બેટ વગેરે હથિયારો હતાં. 

    ત્યારબાદ હુમલો કરનારાઓએ ‘આ આપણા દુશ્મન છે’ તેમ કહીને લાકડી-દંડા વડે હુમલો કરી દીધો હતો, જેના કારણે ગાડીમાં બેઠેલા પિયુષ પટેલ તેમજ અન્ય વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ભાજપ નેતાને કાચ તૂટીને માથાના ભાગે વાગતા ઇજા પહોંચી હતી. આ ઉપરાંત, તેમની સાથેની ચાર ગાડીઓ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. 

    હુમલા બાદ ભાજપ કાર્યકરો તેમજ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત ભાજપ નેતાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ તેમને હાલ રજા આપવામાં આવી છે. 

    ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતાં વાંસદાના ભાજપ ઉમેદવાર પિયુષ પટેલે જણાવ્યું હતું કે, “ઝરી ગામે 25-30 ઈસમો ઉભા હતા અને તેમણે મારી ગાડી ઉભી રાખીને પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? મેં કહ્યું કે, હું વાંદરવેલા જાઉં છું. તેમણે કહ્યું કે, તમે એ જ માણસ છો જે અમારા અનંત પટેલને હરાવવા માંગો છો, ત્યારબાદ ફટાફટ તેમણે તેમના માણસોને ફોન કરીને બોલાવી લીધા અને 200થી 300 માણસોનું ટોળું ભેગું થઇ ગયું અને પથ્થર વડે મારા પર હુમલો કરવામાં આવ્યો.”

    હુમલા પાછળના કારણને લઈને તેમણે કહ્યું કે, અનંત પટેલ અને તેમના કાર્યકર્તાઓને પણ લાગી રહ્યું છે કે જે રીતે મને લોકોનો પ્રેમ મળી રહ્યો છે તેને જોતાં તેમની હાર નિશ્ચિત છે. 

    આ મામલે વાંસદા પોલીસ મથકે ધનજી પટેલ, ઠાકોર પટેલ, જયેશ પટેલ સહિત સહિત અન્ય 15થી 20ના ટોળા સામે આઇપીસીની કલમ 143, 147, 149, 323 અને 427 અને જીપીએની કલમ 135 હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે અનંત પટેલ વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય છે, જેમને પાર્ટીએ આ ચૂંટણીમાં રિપીટ કર્યા છે. તેમના જ સમર્થકોએ મતદાનની આગલી રાત્રે અદાવત રાખીને હુમલો કર્યો હોવાનો ભાજપનો આરોપ છે. 

    આજે વાંસદા વિધાનસભા બેઠક સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની 89 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. બાકીની બેઠકો પર પાંચમી ડિસેમ્બરે મતદાન યોજાયા બાદ પરિણામો 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં