ઉત્તર પ્રદેશમાં વિવાદિત માળખા ‘જ્ઞાનવાપી’ ખાતે શિવલિંગ મળી આવ્યા બાદ સતત આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. એક તરફ હિંદુઓ શિવલિંગ મળી આવ્યા બાદ ઉજવણી કરી રહ્યા છે તો બીજી તરફ ઇસ્લામવાદીઓ જાણીજોઈને તેમને નીચા દેખાડવા મથી રહ્યા છે. એક તરફ ધ વાયરના વરિષ્ઠ સંપાદક અરફા ખાનમ શેરવાની જેવા અમુક પત્રકારોએ સર્વેક્ષણના આદેશ મામલે કોર્ટને પણ પ્રશ્નો કર્યા છે. બીજી તરફ, આ મામલે કોર્ટમાં અરજી કરનાર પાંચ હિંદુ મહિલાઓ અંગે પણ ચર્ચા થઇ રહી છે.
આરફા ખાનમે કોર્ટમાં થયેલી અરજીને પૂજા સ્થળ અધિનિયમ 1991નું ઉલ્લંઘન ગણાવી હતી અને કોર્ટને સવાલ કરતા કહ્યું હતું કે, પૂજા સ્થળ અધિનિયમ સ્પષ્ટ રીતે 15 ઓગસ્ટ, 1947ની સ્થિતિએ પૂજાસ્થળોના રૂપાંતરણ ઉપર રોક લગાવે છે, જેથી અરજી પર સુનાવણીની મંજૂરી આપવી ન જોઈએ. વિવાદિત માળખાના સરવે દરમિયાન જ્યાં મુસ્લિમો નમાઝ અદા કરતા પહેલાં હાથ-પગ ધુએ છે તે સ્થળેથી શિવલિંગ મળી આવ્યા બાદ આરફા ખાનમે ટ્વિટ કરીને કહ્યું હતું કે, “ઇતિહાસને વર્તમાન પેઢી ઉપર અત્યાચાર કરવા માટેના એક સાધન તરીકે ઉપયોગમાં ન લેવો જોઈએ. કોર્ટે પૂજા સ્થળ અધિનિયમની અવગણના કરતી અરજીઓને અનુમતિ જ શા માટે આપવી જોઈએ?”
The Places of Worship Act, 1991, clearly prohibits conversion of places of worship as they existed on 15th August 1947.
— Arfa Khanum Sherwani (@khanumarfa) May 16, 2022
History should not be used as instrument to oppress the present generation.
Why should courts allow petitions that defy Places of Worship Act?
તદુપરાંત, એઆઈએમએએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને ફંડના નામે પૈસાની હેરાફેરીનો જેમની ઉપર આરોપ લાગ્યો છે એ પત્રકાર રાણા અયુબ જેવા લોકોએ કોર્ટના આદેશોનો અનાદર કરીને મુસ્લિમોને કોઈ પણ કિંમતે વિવાદિત ઢાંચાને ન ગુમાવવા માટે ઉશ્કેર્યા હતા. ઓવૈસીએ કહ્યું હતું, “તેમને ખબર હોવી જોઈએ કે હવે અમે વધુ મસ્જિદો નહીં ગુમાવીએ. અમે તમારી બધી રણનીતિ જાણીએ છીએ.” જયારે રાણા અયૂબે પણ બાબરીને ટાંકીને એક ટ્વિટ કર્યું હતું. જ્ઞાનવાપીમાંથી શિવલિંગ મળી આવ્યા બાદ અનેક લોકો અકળાઈ ગયા છે અને કોર્ટના આદેશ અને અરજી પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
હાલ જે અરજી પર વારાણસીની કોર્ટમાં જ્ઞાનવાપી મામલે કેસ ચાલી રહ્યો છે, તે પાંચ હિંદુ મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી. 18 ઓગસ્ટ 2021 ના રોજ લક્ષ્મી દેવી, રાખી સિંઘ, સીતા સાહુ, મંજુ વ્યાસ અને રેખા પાઠક દ્વારા વારાણસીની કોર્ટમાં અરજી કરીને જ્ઞાનવાપી માળખાની અંદર સ્થિત શૃંગાર ગૌરી, ભગવાન ગણેશ, હનુમાનજી અને નંદીની નિયમિત પૂજાની માંગ કરતી અરજી કરવામાં આવી હતી. આ કેસ પર સુનાવણી કરતા વારાણસીના સિવિલ જજ રવિ કુમાર દિવાકરે 26 એપ્રિલ, 2022 ના રોજ કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી પરિસર અને તેની આસપાસના સ્થળોના સરવે અને વીડિયોગ્રાફીનો આદેશ આપ્યો હતો.
18 મેના રોજ અરજદારોમાંના એક સીતા સાહુએ જણાવ્યું હતું કે, કઈ રીતે નિયમિત રીતે પૂજા કરતા હોવા છતાં તેમને પૂજા કરવા મામલે પરેશાન કરવામાં આવતા હતા. તેમણે કહ્યું, અમે સૌ મા શૃંગાર ગૌરીની નિયમિત પૂજા કરતા હતા. કાયમ સ્થળ પર મળવાના કારણે અમે મિત્રો બની ગયા હતા અને સત્સંગ વગેરે પણ કરવા માંડ્યા હતા. અમે માત્ર દેવતાઓની પૂજા કરવાના અમારા અધિકારનો ઉપયોગ કરવા માંગીએ છીએ પરંતુ તે માટે ભક્તોને હેરાન કરવામાં આવતા હતા. મસ્જિદ સંચાલન કરનારાઓ અમને માત્ર ચેત્ર નવરાત્રિની પૂર્ણિમાના દિવસે માત્ર એક કલાકનો સમય આપતા હતા.
તેમણે ઉમેર્યું કે, જે બાદ પાંચેય હિંદુ મહિલાઓ દ્વારા કાયદાકીય રસ્તે જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ડૉ. સોહનલાલ અને એડવોકેટ હરિશંકર જૈને અમને મસ્જિદ સમિતિ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં મદદ કરી હતી. ડૉ. સોહનલાલ અરજદારો પૈકીના એક લક્ષ્મી દેવીના પતિ છે. તેમણે 1966માં આવા જ એક કેસમાં કામ કર્યું હતું. તેમણે અરજદારોની એડકવોકેટ હરિશંકર જૈન સાથે મુલાકાત કરાવી હતી, જેમણે ત્યારબાદ જ્ઞાનવાપી કેસ મામલે અરજી દાખલ કરવામાં મદદ કરી હતી.
અન્ય અરજદાર મિત્રો અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ તમામ મા શૃંગાર દેવીની શક્તિઓમાં વિશ્વાસ ધરાવે છે અને તેમની નિયમિત આરાધના કરે છે. તેમણે કહ્યું, “અમે અમારા દરરોજ પૂજા કરવાના અધિકારનો ઉપયોગ કરવા માંગીએ છીએ. અમે ચારેય વારાણસીમાં રહીએ છીએ અને તમામની ઉંમર 35 થી 65 વચ્ચેની છે. જ્યારે પાંચમા અરજદાર રેખા પાઠક દિલ્હીમાં રહે છે અને તેમની મુલાકાત ડૉ. સોહનલાલે અમને કરાવી હતી.
વારાણસીમાં રહેતા લક્ષ્મી દેવી, સીતા સાહુ, મંજુ વ્યાસ અને રેખા પાઠકે ઓગસ્ટ 2021 થી તમામ સત્રોમાં હાજરી આપી છે, જ્યારે દિલ્હીમાં રહેતા રાખી સિંઘ હજુ કોર્ટમાં આવ્યા નથી. રિપોર્ટ્સ અનુસાર, રાખી સિંઘ દિલ્હીના હૌઝ ખાસ ખાતે રહે છે અને વિશ્વ વૈદિક સનાતન સંઘના સ્થપક સભ્ય છે. સીતા સાહુ વારાણસીના ચેતગંજ વિસ્તારમાં જનરલ સ્ટોર ચલાવે છે. મંજુ વ્યાસ જ્ઞાનવાપી સંકુલથી દોઢ કિલોમીટર દૂર બ્યુટી પાર્લર ચલાવે છે. રેખા પાઠક એક ગૃહિણી છે અને કાશી વિશ્વનાથ પરિસર નજીક હનુમાન ફાટક વિસ્તારમાં રહે છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ગઈકાલે વિવાદી માળખામાંથી શિવલિંગ મળી આવ્યું હતું તે સ્થળને સુરક્ષિત કરવાનો આદેશ આપ્યો હતો તેમજ વજુખાનામાં મુસ્લિમોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકાયો છે. જોકે, સુપ્રીમ કોર્ટે મુસ્લિમોને ધાર્મિક હેતુસર મસ્જિદનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે.