વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા એક હિંદુ પરિવાર પર સ્પીકર પર ચાલતી આરતીનો અવાજ બંધ કરવાનું કહીને પાડોશના મુસ્લિમ પરિવારે હુમલો કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલામાં ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બીજી તરફ, 9 આરોપીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાંથી ચારની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ ઘટના રવિવાર (16 ઓક્ટોબર 2022)ની છે. જે અનુસાર વડોદરા કલ્યાણનગરમાં સાંજની આરતીના સમયે ઘરના મંદિરમાં માતાજીના ભજન વગાડતા હિંદુ વ્યક્તિને મુસ્લિમ પરિવારના શખ્સોએ આવીને સ્પીકર બંધ કરવાનું કહેતાં વ્યક્તિએ ના પાડી દીધી હતી. ત્યારબાદ આરોપીઓ જતા રહ્યા હતા, પરંતુ થોડીવાર પછી મુસ્લિમ પરિવારના એક બાળકે હિંદુ પરિવારના 11 માસના બાળકને બોલ વગાડતાં પરિવારે જઈને કહેતાં ઉશ્કેરાઈને આરોપીઓએ હિંદુ પરિવાર પર હુમલો કરી દીધો હતો.
ઑપઇન્ડિયા પાસે આ બનાવની FIR નકલ ઉપલબ્ધ છે. જેમાં જણાવ્યા અનુસાર, વડોદરાના સયાજીગંજ પોલીસ મથક વિસ્તારમાં આવેલા કલ્યાણનગર વિસ્તારમાં રહેતા ભરતભાઈ ઠાકોર તેમના ઘરના મંદિરમાં સ્પીકર પર ભજન વગાડી રહ્યા હતા. દરમ્યાન, પાડોશમાં રહેતા સાબનબી પઠાણ, મોનુ પઠાણ, નજીમ પઠાણ અને પપ્પુ પઠાણે તેમના ઘરે જઈને સ્પીકર બંધ કરી દેવા માટે કહ્યું હતું. જોકે, ભરતભાઈએ આરતી અને દીવાબત્તીનો સમય થઇ ગયો છે અને હું એક કલાક સ્પીકર વગાડીશ તેમ કહેતાં તેઓ ત્યાંથી જતા રહ્યા હતા.
પરંતુ ત્યારબાદ હિંદુ પરિવારનો 11 માસનો બાળક બહાર બેઠો હતો ત્યારે સાબનબીના ભાણેજે બોલ રમતા-રમતા આવીને બાળકને મારતાં તેને પાછળના ભાગે વાગ્યો હતો. ત્યારબાદ હિંદુ પરિવારે ફરિયાદ કરવા જતાં છ ઈસમોએ ઉશ્કેરાઈ જઈને ગમેતેમ બોલીને વૃદ્ધ અને મહિલાઓ સહિત હિંદુ પરિવારના સભ્યોને પટ્ટા અને દંડા વડે માર માર્યો હતો.
ફરિયાદીએ જણાવ્યું કે, મુસ્લિમ પરિવારના સભ્યોમાંથી એકે તેમની પત્નીને દંડો મારી દીધો હતો અને મોનુ પઠાણે તેમને તલવારની ઉંધી બાજુએ મારતાં તેમને પણ ઇજા પહોંચી હતી. ત્યારબાદ આસપાસના લોકો પણ એકઠા થઇ જતાં એમ્બ્યુલન્સને જાણ કરતાં તેમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.
આ મામલે સયાજીગંજ પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ દાખલ કરી 6 લોકો સામે નામજોગ અને બાકીના ત્રણ અજાણ્યા, એમ કુલ 9 આરોપીઓ સામે આઇપીસીની કલમ 143, 147, 148, 149, 323 અને 324 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ કેસ દાખલ કર્યો હતો. સયાજીગંજ પોલીસ મથકના પીઆઈ આર.જી જાડેજાએ ઑપઇન્ડિયા સાથે વાત કરતાં 9માંથી 4 આરોપીઓની ધરપકડ થઇ હોવાની ષ્ટિ કરી હતી, જ્યારે બાકીનાની શોધખોળ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.