ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં જ દક્ષિણ ગુજરાતના વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર ચીખલીના ખેરગામમાં હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો કે તેઓ ખેરગામના સરપંચને મળવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ તેમના સમર્થકોએ રાત્રે ખેરગામમાં હિંસા પણ આચરી હતી તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે, તેમની ઉપર કોઈ હુમલો થયો નથી.
ધારાસભ્ય અનંત પટેલે તેમની ઉપર થયેલ હુમલાનો આરોપ નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઇ આહીર પર લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે, તેઓ ખેરગામના સરપંચને મળવા જઈ રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો. ત્યારબાદ ધારાસભ્યે આંખ પાસે ઇજા થઇ હોવાની તસ્વીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને ગૂગલ લોકેશન શૅર કરી સમર્થકોને ખેરગામ ભેગા થવા માટે કહ્યું હતું.
મોડી રાત્રિ સુધી ખેરગામમાં ચક્કાજામ કરીને બેઠેલા અનંત પટેલના સમર્થકોએ રાત્રે તોફાન પણ મચાવ્યું હતું અને જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહીરની દુકાનમાં આગ લગાડી દીધી હતી તો પોલીસ વાહનો અને ફાયરબ્રિગેડનાં વાહનને પણ નુકસાન કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
Gujarat | Huge crowd of protesters gather in support of Congress MLA & tribal leader Anant Patel who was allegedly attacked by some unknown individuals at Khergam town in Navsari district on Oct 8th
— ANI (@ANI) October 8, 2022
Protestors set ablaze a shop & vandalized the fire tender which reached the spot pic.twitter.com/fFoFTFSEBv
બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ અનંત પટેલ પર આરોપ લગાવી કહ્યું છે કે, તેમની ઉપર કોઈ હુમલો થયો નથી અને આ સહાનુભૂતિ મેળવવાનો સ્ટંટ માત્ર છે.
અનંત પટેલ પર કોઈ હુમલો થયો નથી, સહાનુભૂતિ મેળવવા માટેનાં નાટક છે: ભાજપ પ્રદેશ પ્રમુખ
ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, “અનંત પટેલ પર કોઈ હુમલો નથી થયો. તેમણે જાતે જ નાટક બનાવીને સહાનુભૂતિ મેળવવાના પ્રયાસ કર્યા છે. તેમણે અને તેમના સમર્થકોમાંથી કેટલાક લોકોએ ત્યાં અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભીખુભાઇ આહીરની દુકાન સળગાવી દીધી, આસપાસના લોકોનાં મકાનો સળગાવી દીધા, ફર્નિચર સળગાવી દીધું અને ઘણું નુકસાન તેમણે કર્યું.”
#BREAKING : નવસારીમાં MLA પર હુમલા બાદ #CRPatil એ આપી પ્રતિક્રિયા
— News18Gujarati (@News18Guj) October 9, 2022
કહ્યું, "આનંદ પટેલે સહાનુભૂતિ મેળવવા આવુ કૃત્ય કર્યું છે"#GujaratElections2022 #Gujarat #Video #Congress #Navsari #suratcity pic.twitter.com/gjO2L3e7XH
સીઆર પાટીલે આગળ જણાવ્યું કે, “પોલીસે મર્યાદા રાખીને ન લાઠીચાર્જ કર્યો, ન અશ્રુવાયુનો ઉપયોગ કર્યો. ઘર સળગાવવાં, મકાન સળગાવવાં અને દુકાન સળગાવવી જેવાં ગંભીર કૃત્યો છતાં પણ પોલીસે ગોળીબાર તો દૂરની વાત પણ લાઠીચાર્જ પણ ન કર્યો. તેમને વાંસદામાં હાર દેખાઈ રહી છે, તેથી કોઈને કોઈ મુદ્દો બનાવીને પ્રયત્નો કરી રહ્યા છે. પાર-નર્મદા-તાપીનો પ્રોજેક્ટ અંગે સરકારે સ્પષ્ટતા કરી છતાં તેમણે આદિવાસી ભાઈ-બહેનોને ભડકાવવા અને આંદોલનમાં જોડવાના પ્રયત્નો કરી રહ્યા છે. તેમની પાસે કોઈ મુદ્દો નથી, તેમણે કામ કશું કર્યું નથી એટલે તેમને હારનો ડર લાગી રહ્યો છે.”
સહાનુભૂતિ મેળવવાનો સ્ટંટ છે, સરકારી સંપત્તિને નુકસાન થાય એ ચલાવી ન લેવાય: ગૃહમંત્રી
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા કથિત હુમલાને લઈને કહ્યું કે, “મોટો પ્રશ્ન એ છે કે, દરેક ચૂંટણીમાં ગુજરાતમાં કોઈ બીજા વ્યક્તિ સાથે કશું થતું જ નથી, એક જ વ્યક્તિ સાથે આયોજનબદ્ધ ઘટના બને છે, કે પછી આ સહાનુભૂતિ મેળવવા માટે સ્ટન્ટ કરવામાં આવે એ પણ તપાસનો વિષય છે.”
'સહાનુભૂતિ માટે કરેલા સ્ટંટની તપાસ થવી જોઈએ': અનંત પટેલ પર હુમલા મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન#Gujarat #News #ZEE24Kalak pic.twitter.com/KD2DDSMZaC
— Zee 24 Kalak (@Zee24Kalak) October 9, 2022
તેમણે આગળ કહ્યું કે, “એમ્બ્યુલન્સ સળગાવ્યું, કોઈની દુકાન પણ સળગાવવામાં આવી. કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ માટે પોતાના રાજ્યની સંપત્તિ આ પ્રકારે સળગાવવી કોઈ પણ પ્રકારે યોગ્ય નથી. તેમણે જે અરજી કરી છે એ અરજી પર સંપૂર્ણ તપાસ થશે. જે પ્રકારે સામાન્ય નાગરિકોને બાનમાં લેવાના પ્રયત્નો કર્યા, ફાયર બ્રિગેડના બમ્બાને નુકસાન પહોંચાડ્યું, રાજ્યની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું એ વિષયમાં પણ તપાસ જરૂરથી થશે.”
અગાઉ પણ ચૂંટણી પહેલાં જ થયો હતો હુમલો
જોકે, ધારાસભ્ય અનંત પટેલ પર ચૂંટણી પહેલાં હુમલો થયો હોય તેવી આ પ્રથમ ઘટના નથી. આ પહેલાં ગત વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે પણ પ્રચાર દરમિયાન તેઓ તેમના મતવિસ્તારમાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારે ઉનાઈ ખાતે તેમની કારના કાચ તોડી નાંખવામાં આવ્યા હોવાના આરોપ લાગ્યા હતા. જે બાદ તેમણે મામલતદાર કચેરી અને પોલીસને આવેદન પણ આપ્યું હતું.