પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કોંગ્રેસ નેતા કેપ્ટન અમરિન્દર સિંઘ બાદલ આખરે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આજે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રીઓ નરેન્દ્રસિંહ તોમર, કિરણ રિજિજૂ, ભાજપ નેતા સુનિલ જાખડ અને પંજાબ ભાજપ અધ્યક્ષ અશ્વિની શર્મા વગેરેની ઉપસ્થિતિમાં કેપ્ટન ભાજપમાં જોડાયા હતા. જેની સાથે તેમણે તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસનો પણ ભાજપમાં વિલય કરી દીધો છે.
Former Punjab CM Capt Amarinder Singh joined BJP in the presence of Union Ministers Narendra Singh Tomar, Kiren Rijiju, BJP leader Sunil Jakhar & BJP Punjab chief Ashwani Sharma. pic.twitter.com/kXatMlvPVP
— ANI (@ANI) September 19, 2022
ભાજપમાં જોડાયા બાદ કેપ્ટન અમરિન્દર સિંઘે કહ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ પ્રમુખ જે. પી નડ્ડાના આભારી છે. તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી દેશની રક્ષા માટે કામ કરી રહી છે. આશા વ્યક્ત કરતાં કેપ્ટન અમરિન્દર સિંઘે કહ્યું કે, પાડોશી રાજ્યોમાં આવનારી ચૂંટણીમાં અમે વધુ સારું પ્રદર્શન કરી શકીશું.
કેપ્ટન અમરિન્દર સિંઘે સુરક્ષા અંગે ઉલ્લેખ કરતાં કહ્યું કે, પંજાબમાં પાકિસ્તાનથી મોટું જોખમ છે. બીજી તરફ, ચીન પણ સતત જોખમ સર્જી રહ્યું છે. તેમણે કોંગ્રેસ શાસન દરમિયાન રક્ષા મંત્રી રહેલા એકે એન્ટની પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે તેમણે હથિયારોની ખરીદીમાં યોગ્ય પગલાં લીધાં ન હતાં.
કેપ્ટન અમરિન્દર સિંઘને ભાજપમાં આવકારતાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે, અમારી વિચારધારા છે કે દેશ એકજૂટ થવો જોઈએ. પંજાબ જેવા સંવેદનશીલ રાજ્યનો ખ્યાલ રાખવો બહુ જરૂરી છે. તેમણે કેપ્ટન અમરિન્દર સિંઘનાં વખાણ કરતાં કહ્યું કે તેમણે દેશની સુરક્ષા આગળ રાજકારણને મહત્વ આપ્યું ન હતું.
We think that right thinking people of the country should be united. A sensitive state like Punjab should be handled carefully. During his tenure as CM, he never kept politics before national security: Union minister Kiren Rijiju on Capt Amarinder Singh joining BJP pic.twitter.com/B0IHTYzH4j
— ANI (@ANI) September 19, 2022
રાજીનામું આપ્યું તે પહેલાં સુધી કેપ્ટન અમરિન્દર સિંઘની ગણતરી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં થતી હતી. તેઓ 2002થી 2007 દરમિયાન પંજાબના મુખ્યમંત્રી રહ્યા હતા. ત્યારબાદ 2017માં કોંગ્રેસ પાર્ટીએ વિજય મેળવતાં ફરી તેમને રાજ્યનું સુકાન સોંપવામાં આવ્યું હતું. જોકે, ટર્મ પૂર્ણ થાય તે પહેલાં જ તેમણે કોંગ્રેસ સાથેના સબંધોનો અંત આણ્યો હતો.
18 સપ્ટેમ્બર 2021ના રોજ તેમણે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારબાદ 2 નવેમ્બર 2021ના રોજ તેમણે પાર્ટી પણ છોડી દીધી હતી. ત્યારબાદ તેમણે નવી પાર્ટી બનાવવાની ઘોષણા કરી હતી.
કેપ્ટન અમરિન્દર સિંઘે પંજાબ લોક કોંગ્રેસ નામથી નવી પાર્ટીની રચના કરી હતી અને ભારતીય જનતા સાથે ગઠબંધન કરીને પંજાબ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. જોકે, તેમની પાર્ટી ચૂંટણીમાં ખાતું ખોલાવી શકી ન હતી.
બે દિવસ પહેલાં જ કેપ્ટન દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આજે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે, તેમજ તેમની પાર્ટીનો પણ ભાજપમાં વિલય કરી નાંખ્યો છે.
કેપ્ટન અમરિન્દર સિંઘના ભાજપમાં જોડાવાથી પાર્ટીને પંજાબમાં એક નવો શીખ ચહેરો મળ્યો છે, જેઓ રાજ્યના રાજકારણમાં દાયકાઓનો અનુભવ ધરાવે છે તો લોકપ્રિય પણ છે.