પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)ની પેશાવર-દુબઈ ફ્લાઈટમાં એક મુસાફરનો હંગામો મચાવવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ મુસાફર ફ્લાઇટમાં અઝાન વાંચવાની સાથે જ જમીન પર માથું રાખીને સૂવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બાદમાં આ પાકિસ્તાની ફ્લાઈટમાં વ્યક્તિએ વિમાનની બારીના કાચ તોડવાનો પ્રયાસ કરતા ફ્લાઈટમાં જ બાંધી દેવામાં આવ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સની ફ્લાઈટ PK-283એ ઉડાન ભરતાની સાથે જ એક પેસેન્જરે અચાનક સીટો પર મુક્કા મારવાનું શરૂ કરી દીધું હતું. આ પછી તે નીચે બેસી ગયો અને માથા પર કપડું બાંધીને નમાઝ પઢવા લાગ્યો હતો. જ્યારે તેને અઝાન પઢતા અટકાવવામાં આવ્યો ત્યારે આ વ્યક્તિ વધુ ઉશ્કેરાઈ ગયો. અને તે પછી તે વ્યક્તિ જમીન પર માથું રાખીને સૂઈ ગયો હતો.
A passenger created extreme chaos on a #PIA flight for not letting him offer Namaz #Pakistan pic.twitter.com/JqpjEUA7YA
— Zee News English (@ZeeNewsEnglish) September 19, 2022
આ માથા ફરેલ વ્યક્તિની ધમાલ આટલેથી અટકી ન હતી. ઉલટાનું આ પછી તે ઉભો થયો અને સીટો પર જોરથી લાત મારવા લાગ્યો હતો. આ સાથે જ તેણે પોતાના કપડાં પણ ઉતારી નાંખ્યા હતા. અને પછી ફ્લાઈટની વિન્ડો એટલે કે વિમાનમાં રહેલી કાચની બારીના કાચ તોડવાની કોશિશ કરવા લાગ્યો હતો. આ પ્રયાસમાં તેણે અનેક વખત પોતાના હાથથી મુક્કા મારીને અને પગ વડે લાત મારીને કાચની બારીને તોડવાની કોશિશ કરી હતી. જોકે તે બારી તોડવામાં નિષ્ફળ રહ્યો હતો. પરંતુ તેની આવી હરકતો જોઈને અન્ય મુસાફરો ખુબ ડરી ગયા હતા.
વાયરલ વીડિયોમાં પણ પાકિસ્તાની ફ્લાઈટ એટેન્ડન્ટ કહેતા જોવા મળે છે કે આ વ્યક્તિએ ફ્લાઈટ ટેકઓફ થતાંની સાથે જ આ ગાંડપણ શરૂ કરી દીધું હતું. એટેન્ડન્ટે કહ્યું હતું કે, “અહીં હાજર અન્ય મુસાફરો પણ સાક્ષી છે. આનાથી બાકીના મુસાફરો પરેશાન થયા છે. આ બધા લોકો આ જોઈ રહ્યા છે. ક્યારેક તે અઝાન વાંચે છે તો ક્યારેક સૂઈ જાય છે. તેણે પોતાનો બધો સામાન કાઢીને બહાર મૂકી દીધો છે.”
#Video A passenger created extreme trouble on a Pakistan International Airlines (PIA) Peshawar-Dubai PK-283 flight as he suddenly started punching seats and kicking the aircraft’s window. pic.twitter.com/bUZ0ZTVNxw
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) September 19, 2022
આટલું જ નહીં, આ પછી જ્યારે ક્રૂ મેમ્બર્સે તેને સમજાવવાનો અને ધમાલ કરવાની ના પાડવાનો પ્રયાસ કર્યો તો તે ક્રૂ મેમ્બર્સ ઉપર ભડકી ગયો ને ઝપાઝપી કરવા લાગ્યો. આ પછી પરેશાન ક્રૂ મેમ્બરોએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઉડ્ડયન કાયદા મુજબ મુસાફરને તેની પોતાની સીટ પર બાંધી દીધો હતો. પ્રોટોકોલ મુજબ ફ્લાઈટના કેપ્ટને દુબઈના એર ટ્રાફિક કંટ્રોલરનો સંપર્ક કર્યો અને સુરક્ષા માંગી હતી. આ પછી દુબઈ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ સુરક્ષા અધિકારીઓએ તેની ધરપકડ કરી હતી. હાલ એરલાઈન્સ દ્વારા તેને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હોવાની ખબરો મળી રહી છે. આ વ્યક્તિ કોણ છે અને તે શા માટે આવા કૃત્યો કરી રહ્યો હતો તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું.