બનાસકાંઠાના ડીસામાં હાલમાં જ લવજેહાદ અને ધર્માંતરણનો મામલો સામે આવ્યો હતો ત્યાં આવો વધુ એક કિસ્સો એ જ શહેરમાં જોવા મળતાં સ્થાનિક હિંદુઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. જ્યાં એક મુસ્લિમ યુવકે ઓળખ છુપાવીને હિંદુ સગરાને ફસાવી લગ્નના ઇરાદે ભગાડી લઇ ગયો હતો અને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ડીસામાં રહેતી એક હિંદુ સગીરા રસોઈ ગ્રુપમાં કામ કરતી હતી. જ્યાં તેનો પરિચય બનાસકાંઠાના અમીરગઢના એક ગામનો શોએબ સિંધી સાથે થયો હતો. જે બાદ શોએબે તેને લગ્નની લાલચ આપી મોબાઈલ લઇ આપ્યો હતો અને ઇન્સ્ટાગ્રામ પર ચેટ કરતા પણ શીખવી દીધું હતું.
ગત 10 સપ્ટેમ્બરના રોજ શોએબ સગીરાને લગ્નના ઇરાદે ભગાડી લઇ ગયો હતો. જે બાબતી જાણ સગીરાના પરિજનોને થતાં તેમણે સ્થાનિક ધારાસભ્ય શશીકાંત પંડ્યાનો સંપર્ક કર્યો હતો, જેમણે જિલ્લા પોલીસ વડા અને ડીસા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ એક્શનમાં આવી હતી અને બંનેની શોધખોળ હાથ ધરી હતી.
પોલીસે કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં બંનેને પકડી લીધાં હતાં. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સગીરાએ જણાવ્યું હતું કે, આરોપીએ તેનું અપહરણ કરી બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદ પોલીસે સગીરાને પરિજનોને સોંપી આરોપી સામે આઇપીસી કલમ 363, 366, 376 (2) અને પોક્સોની કલમ (4) અને (6) હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને ધરપકડ કરી લીધી હતી.
રિપોર્ટ અનુસાર, આરોપી શોએબે તેની ઓળખ છુપાવી હતી અને નામ પણ બદલ્યું હતું. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.
આ અંગે પોલીસ અધિકારી એસ. એમ પટણીએ જણાવ્યું હતું કે, જૂના ડીસામાં પરિવાર સાથે રહેતી સગીરાને શોએબ નામનો યુવક મિત્ર બનાવીને ભગાડી ગયો હોવાની ફરિયાદ મળતાં જ અમે સ્ટાફ સાથે આરોપીને પકડી લીધો હતો અને સગીરાને પણ પરત લાવવામાં આવી છે. આ અંગે આરોપીના રિમાન્ડ મેળવી આગળની પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવશે.
ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે, પરિજનોએ તાત્કાલિક જાણ કરતાં પોલીસ ટીમોએ સતર્કતા દાખવીને યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, યુવકો આવી ચેષ્ટાઓ બંધ કરે નહીં તો પરિણામો ગંભીર આવશે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ ડીસામાં આવો જ એક કેસ સામે આવ્યો હતો. જે બાદ હિંદુ સંગઠનોએ બંધનું એલાન કર્યું હતું તો હજારોની સંખ્યામાં હિંદુઓએ રસ્તા પર ઉતરી આવીને લવજેહાદ અને ધર્માંતરણ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.