‘સૌરાષ્ટ્ર આજ તક’ નામ નહીં વાપરી શકે ગુજરાતી અખબાર: દિલ્હી હાઇકોર્ટે લગાવ્યો કાયમી પ્રતિબંધ, Aaj Takની તરફેણમાં ચુકાદો

(પ્રતીકાત્મક તસ્વીર: AI)

દિલ્હી હાઇકોર્ટે ‘આજ તક’ (Aaj Tak) સમાચાર ચેનલ ઓપરેટ કરતી કંપની ટીવી ટુડે નેટવર્કના (TV Today Network) પક્ષમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ મિની પુષ્કર્ણાની બેંચે રાજકોટથી પ્રકાશિત થતા એક સ્થાનિક ગુજરાતી દૈનિકને ‘સૌરાષ્ટ્ર આજ તક’ (Saurashtra Aaj Tak) નામનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ અને કાયમી ધોરણે પ્રતિબંધ મૂકી દીધો છે.

કોર્ટે પોતાના આદેશમાં અખબારના સંચાલકોને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓ તાત્કાલિક ધોરણે પોતાનું નામ બદલી નાખે. હાઇકોર્ટે જણાવ્યું કે અખબારે એવું નવું નામ અપનાવવું પડશે જે ટીવી ટુડેના રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક ‘આજ તક’ સાથે સહેજ પણ મળતું આવતું ન હોય કે ગ્રાહકો તથા વાચકોના મનમાં કોઈ પણ પ્રકારનો ભ્રમ ઊભો ન કરે.

આ કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે મહત્વનું નિરીક્ષણ કરતા જણાવ્યું હતું કે ‘આજ’ અને ‘તક’ ભલે અલગ-અલગ રીતે સામાન્ય કે શબ્દકોશના શબ્દો હોય, પરંતુ જ્યારે આ બે શબ્દોને સાથે જોડવામાં આવે છે અને લાંબા સમય સુધી સતત ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેણે એક ખાસ ઓળખ ધારણ કરી લીધી છે. તેથી, સમાચાર ક્ષેત્રે ‘આજ તક’ બ્રાન્ડ પર ટીવી ટુડે નેટવર્કનો જ અધિકાર રહે છે.

હાઇકોર્ટે પ્રાદેશિક શબ્દોના ઉમેરા અંગે સ્પષ્ટતા કરતા નોંધ્યું કે ‘આજ તક’ આગળ માત્ર ‘સૌરાષ્ટ્ર’ જેવો પ્રાદેશિક શબ્દ ઉમેરી દેવાથી બ્રાન્ડનું ઉલ્લંઘન અટકતું નથી. ઊલટું, આવી રીતે આગળ સ્થાનિક નામ જોડવાથી સામાન્ય વાચકો અને દર્શકોના મનમાં એવો જ સંદેશ જાય છે કે આ ‘આજ તક’ ચેનલનો જ કોઈ પ્રાદેશિક અથવા સ્થાનિક વિભાગ છે. આનાથી સ્થાનિક પત્રિકાને ટીવી ટુડેની વર્ષોની પ્રતિષ્ઠા અને ગુડવિલનો અયોગ્ય લાભ મળે છે.

આ ચુકાદા સાથે દિલ્હી હાઇકોર્ટે ફેબ્રુઆરી 2021ના ટ્રાયલ કોર્ટના એ નિર્ણયને સંપૂર્ણપણે રદ કરી દીધો છે, જેમાં સમાચારપત્રને ડિસ્ક્લેમર છાપીને નામ વાપરવાની છૂટ આપવામાં આવી હતી. જસ્ટિસ મિની પુષ્કર્ણાએ સ્પષ્ટ કર્યું કે ટ્રેડમાર્કના ગંભીર ઉલ્લંઘન અને ગેરમાર્ગે દોરવાના કિસ્સાઓમાં માત્ર એક નાનું ડિસ્ક્લેમર છાપી દેવું એ પૂરતો કે યોગ્ય ઉકેલ નથી.

હાઇકોર્ટે નીચલી અદાલતના વલણની ટીકા કરતા ઉમેર્યું હતું કે સમાચારપત્ર પાસે પોતાના નામના ઉપયોગને ‘પ્રામાણિક’ (Bona fide) સાબિત કરવા માટે કોઈ પુરાવા નહોતા. સમાચારપત્રના સંચાલકોએ કોર્ટમાં આવીને પોતાનો પક્ષ કે પોતાની સ્વતંત્ર પ્રતિષ્ઠા સાબિત કરી નહોતી.

શું હતો સમગ્ર વિવાદ?

આ વિવાદ વર્ષ 2002થી શરૂ થયો હતો, જ્યારે ટીવી ટુડે નેટવર્કને જાણ થઈ કે રાજકોટથી ‘સૌરાષ્ટ્ર આજ તક’ નામનું એક ગુજરાતી અખબાર શરૂ કરવામાં આવ્યું છે. ટીવી ટુડેએ 1995થી ‘આજ તક’ બ્રાન્ડ હેઠળ સમાચાર સેવાઓ આપવાનું શરૂ કર્યું હતું અને 2000માં તે હિન્દી ન્યુઝ ચેનલ બની ગઈ હતી. પોતાના રજિસ્ટર્ડ ટ્રેડમાર્કનો દુરુપયોગ થતો જોઈ ટીવી ટુડેએ 2023માં કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

વર્ષ 2012માં ટ્રાયલ કોર્ટે સ્વીકાર્યું હતું કે ‘આજ તક’ બ્રાન્ડની એક ખાસ ઓળખ છે, છતાં તેણે સમાચારપત્રને એ શરતે ‘સૌરાષ્ટ્ર આજ તક’ નામ ચાલુ રાખવા દીધું હતું કે તેઓ છાપામાં સ્પષ્ટ લખશે કે તેમને ટીવી ટુડેના ‘આજ તક’ સાથે કોઈ લેવાદેવા નથી. ટીવી ટુડેએ આ નિર્ણય સામે હાઇકોર્ટમાં અપીલ કરી હતી, જેનો અંતે 2026માં ચુકાદો આવ્યો અને હાઇકોર્ટે ‘સૌરાષ્ટ્ર આજ તક’ નામના ઉપયોગ પર સંપૂર્ણપણે રોક લગાવી દીધી.