ભ્રષ્ટાચારના આરોપી મનીષ સિસોદિયાને કેબિનેટમાંથી બરતરફ કરવાની માંગ કરવા માટે દિલ્હી BJP ધારાસભ્યો આવતી કાલે (6 સપ્ટેમ્બરે) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે. ગયા નવેમ્બરમાં દિલ્હી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એક્સાઈઝ નીતિના અમલીકરણમાં થયેલા હજારો કરોડોના ભ્રષ્ટાચારના સંબંધમાં નોંધાયેલી એફઆઈઆરમાં સીબીઆઈએ મનીષ સિસોદિયાનું નામ આરોપીમાં શામેલ કર્યાના બાદ ભાજપે કહ્યું હતું કે, ‘લોકોએ આપને દિલ્હીના ભલા માટે પસંદ કર્યું હતું, પણ તેઓ દારૂ માફિયાઓના ભલા માટે કામ કરી રહ્યા છે’
અહેવાલો અનુસાર બીજેપી દિલ્હી પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે જે લોકોને દિલ્હીની ભલાઈ માટે પસંદ કરવામાં આવ્યા હતા, તેઓએ દારૂ માફિયાઓના ભલા માટે કામ કરવાનું શરૂ કર્યું અને દારૂ માફિયાઓ સાથે મળીને કેજરીવાલ સરકારે દારૂનું કૌભાંડ કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે અરવિંદ કેજરીવાલ જે નવી દારૂની નીતિ લાવ્યા અને આ દારૂની નીતિ હેઠળ જે હજારો કરોડનો ભ્રષ્ટાચાર થયો છે તે કોઈનાથી છુપાયેલો નથી. તેમણે કહ્યું કે કેજરીવાલે નવી દારૂની નીતિ લાવીને જનતાના ટેક્સના પૈસા વેડફ્યા છે.
ભાજપના સ્ટીંગ ઓપરેશનના ઘેરામાં ‘આપ’
મનીષ સિસોદિયા પર પ્રહાર કરતા ભાજપે કહ્યું હતું કે જે લોકો સ્ટિંગ પર રાજનીતિ કરતા હતા તેઓનું પોતાનું આજે સ્ટિંગ થઇ ગયું છે તો મનીષ સિસોદિયાને જવાબ આપવા સક્ષમ નથી. તેમણે કહ્યું હતું કે સ્ટિંગમાં ભ્રષ્ટાચારની કબુલાત કરનાર બીજું કોઈ નહિ પરંતુ દારૂ કૌભાંડના આરોપી નંબર 13 સની મારવાહના પિતા કુલવિંદર મારવાહ છે અને આ વીડિયો દ્વારા તેમણે કેજરીવાલ અને સિસોદિયાના દરેક જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે.
This video of Kulvinder Marwah, father of Sunny Marwah, accused number 13 in the AAP Liquor scam, blows the lid off every lie Kejriwal and Sisodia have been peddling. Imagine the amount of black money collected by the two from Liquor mafias and middlemen while Delhi suffered… pic.twitter.com/EIyWNLu0fO
— Amit Malviya (@amitmalviya) September 5, 2022
‘નવી એક્સાઇઝ પોલિસી લાગુ કરીને હજારો કરોડનું કૌભાંડ આચર્યું’
મળતી માહિતી મુજબ દિલ્હી વિધાનસભા વિરોધ પક્ષના નેતા રામવીર સિંહ બિધુરીએ દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર પર આરોપ લગાવતા કહ્યું છે કે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ હજારો કરોડનું દારૂ કૌભાંડ કર્યું છે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આ કૌભાંડમાં સામેલ છે. તેમણે કહ્યું કે વર્તમાન દિલ્હી સરકારે નવી એક્સાઈઝ નીતિ લાગુ કરીને હજારો કરોડનું કૌભાંડ કર્યું છે. સાથે જ તેમણે કહ્યું કે સરકારે શિક્ષણ ક્ષેત્રે પણ કરોડો રૂપિયાના કૌભાંડો કર્યા છે. તેમણે મીડિયાને જણાવ્યું કે સીવીસીનો રિપોર્ટ પણ આવી ગયો છે. ડીટીસીમાં પણ 3200 કરોડના કૌભાંડનો મામલો મીડિયાની સામે રાખ્યો અને એ પણ કહ્યું કે સીબીઆઈ હજુ પણ તેની તપાસ કરી રહી છે. સાથે જ તેમણે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે દિલ્હી જલ બોર્ડ દ્વારા પણ લગભગ 58,000 કરોડનું કૌભાંડ થયું છે.