કોકરોચ ‘ક્રાંતિવીર’ અભિજીત દીપકે સાથે લાફાવાળી: જયપુરના પ્રદર્શનમાં યુવકે જાહેરમાં ઝીંકી દીધા તમાચા, વિડીયો વાયરલ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ના પ્રદર્શન દરમિયાન તેના સ્થાપક અભિજીત દીપકેને એક યુવકે જાહેરમાં અનેક તમાચા ઝીંક્યાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી મુજબ જયપુરના શહીદ સ્મારક પરિસરમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દીપકે સભાસ્થળ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે ભીડમાં હાજર એક અજાણ્યો યુવક તેની નજીક પહોંચ્યો હતો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર યુવકે પહેલા ધક્કામુક્કી કરી હતી અને ત્યારબાદ દીપકેને સતત અનેક તમાચા મારી દીધા હતા. અચાનક બનેલી ઘટનાને કારણે સ્થળ પર હાજર સમર્થકો અને અન્ય લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સ્થિતિ બગડતી જોઈ પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો હતો અને ભીડને નિયંત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ પ્રદર્શનકારીઓને સ્થળ પરથી હટાવવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી એક વ્યક્તિની અટકાયત કરી હોવાનું જણાવાયું છે. બીજી તરફ તમાચા મારનાર મુખ્ય આરોપીની ઓળખ માટે આસપાસના CCTV કેમેરાની ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

હાલ પોલીસે સમગ્ર ઘટનાક્રમની તપાસ શરૂ કરી છે. આ દરમિયાન ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેને લઈને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે.