હાલ ગણેશ ચતુર્થીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયા પર એક કથિત અખબાર કટિંગ વાયરલ થઇ રહ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભગવાન ગણેશજીની મૂર્તિની તસ્વીર સાથે દાવો કરવામાં આવ્યો છે કે આ મૂર્તિ સુરતમાં સ્થાપવામાં આવી છે અને જેના કારણે વિવાદ સર્જાયો છે. સાથે લખાણમાં ભાજપ સમર્થકો વિશે આપત્તિજનક ભાષા પણ લખવામાં આવી છે.
આ કથિત અખબાર કટિંગમાં ‘સુરતમાં ગણપતિદાદાને મોદીના સેવક તરીકે દર્શાવાતા વિવાદ’ શીર્ષક હેઠળ સમાચારના સ્વરૂપમાં લખાણ લખવામાં આવ્યું છે. જેમાં નીચે ભાજપ સમર્થકો વિશે આપત્તિજનક ભાષા વાપરીને તેઓ હિંદુવાદી હોવાના દાવા કરતા હોવા છતાં ધર્મનું જ અપમાન કરવા પર ઉતરી આવ્યા હોવાનું અને આ મૂર્તિ સુરતમાં ભાજપ સમર્થકો દ્વારા સ્થાપવામાં આવી હોવાના દાવા કરવામાં આવ્યા છે.
કટિંગમાં આ મૂર્તિઓ સુરતના કોઈ ગણેશ મંડપમાં સ્થાપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમજ એવું પણ લખવામાં આવ્યું છે કે આ પ્રકારની હરકતથી સામાન્ય જનતા ગુસ્સે ભરાઈ છે અને આમ કરનારા પર કાયદાકીય પગલાં લેવાની અને તાત્કાલિક મૂર્તિ હટાવી દેવાની માંગ કરવામાં આવી છે.
જોકે, એક તરફ સોશિયલ મીડિયા પર કટિંગ વાયરલ થયા બાદ બીજી તરફ સવાલો પણ ઉઠી રહ્યા છે. અખબારો ગમે તેવા સમાચારો આપે કે ટીકા કરતા લેખો પણ લખે, છતાં ભાષાનું સ્તર જાળવી રાખીને લખવામાં આવે છે. વાયરલ તસ્વીરમાં જે પ્રકારની ભાષા જોવા મળી રહી છે તે કોઈ અખબાર વાપરતું નથી. જેથી, ફોટો એડિટ કરવામાં આવ્યો હોય તેવી પ્રબળ સંભાવના છે. બીજજી તરફ, આ કટિંગમાં કોઈ અખબારના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
આ ઉપરાંત, કટિંગમાં આ મૂર્તિ સુરતના કોઈ મંડપમાં સ્થાપિત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ સુરતમાં કયા વિસ્તારમાં અને કયા ગણેશ મંડળ દ્વારા સ્થાપના કરવામાં આવી તે જણાવવામાં આવ્યું નથી. એ સવાલ પણ ઉઠી રહ્યા છે કે જો ખરેખર તસ્વીર સુરતના કોઈ ગણેશ મંડળની હોય તો આ સિવાયની તસ્વીરો શા માટે બહાર આવી નથી?
આ તસ્વીરની સત્યતા જાણવાના પ્રયત્નો કરતાં માલૂમ પડ્યું કે, આ મૂર્તિઓ સુરતની કે ગુજરાતની પણ નથી. મૂર્તિ સુરતમાં ક્યાંય પણ સ્થાપવામાં આવી હોવાનાં કોઈ પ્રમાણ મળ્યાં નથી. બીજી તરફ, ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી મુજબ આ મૂર્તિ કર્ણાટકના એક આર્ટિસ્ટ દ્વારા થોડા સમય પહેલાં તૈયાર કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે મૂર્તિ જોવા મળે છે એ કર્ણાટકના મૈસૂરના એક કલાકાર દ્વારા બનાવવામાં આવી હતી. રેવન્ના નામના આ પ્રખ્યાત કલાકાર ભગવાનની તેમજ અન્ય મૂર્તિ બનાવવા માટે જાણીતા છે. 21 જૂનના રોજ પીએમ મોદી વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે મૈસૂર ગયા હતા, જેમના સન્માનમાં કલાકારે મોદીની આ મૂર્તિ બનાવી હતી. તે જ કારણ છે કે પીએમને ધ્યાન કરતા બતાવવામાં આવ્યા છે.
આ કલાકારે માત્ર ગણેશજીની અને પીએમ મોદી જ નહીં, પરંતુ અન્ય પણ ઘણા દેવતાઓ અને વિશિષ્ટ વ્યક્તિઓની મૂર્તિ બનાવી છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના સન્માનમાં તેમની પણ મૂર્તિ બનાવી હતી. આ ઉપરાંત, ભૂતકાળમાં પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદ તેમજ અન્ય નેતાઓની પણ મૂર્તિઓ બનાવીને પ્રદર્શનમાં મૂકી હતી.
ઇન્ટરનેટ પર અન્ય એક તસ્વીર જોવા મળી જેમાં ગણેશજીની બે મૂર્તિઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મૂર્તિઓ રાખેલી જોવા મળી હતી. જેમાં ગણેશજીની બંને મૂર્તિઓ એ જ મૂર્તિઓ છે જે હાલ વાયરલ તસ્વીરમાં પીએમની મૂર્તિની આસપાસ ઉભેલી જોવા મળી રહી છે. જેથી કલાકારની તમામ મૂર્તિઓના પ્રદર્શન દરમિયાન પીએમ મોદી અને ગણેશજીની મૂર્તિઓની તસ્વીર લઇ લેવામાં આવી હોય તેવી શક્યતાઓ નકારી શકાય નહીં.
વધુમાં, એ પણ નોંધવું જોઈએ કે આ મૂર્તિ કે ગણેશજીની મૂર્તિઓની પણ ક્યાંય પણ સ્થાપના કરવામાં આવી નથી. ગણેશોત્સવ દરમિયાન શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે, પરંતુ આ મૂર્તિઓ કોઈ મંડપમાં સ્થાપવામાં આવી નથી.
(આ ફેક્ટચેક કરતો લેખ મેઘલસિંહ પરમાર અને લિંકન સોખડિયા દ્વારા સંયુક્તરૂપે લખવામાં આવ્યો છે.)