
મધ્ય પૂર્વમાંથી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) લઈને નીકળેલું ટેન્કર શિવાલિક હોર્મુઝની ખાડી પાર કરીને આગળ વધી ગયું છે અને સોમવારે (16 માર્ચ) ગુજરાતના મુન્દ્રા બંદરે આવી પહોંચે તેવી શક્યતાઓ છે.
તાજેતરમાં જ ઈરાને ભારતનાં બે LPG ટેન્કરોને સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી પસાર થવા દીધાં હતાં. જેમાંથી એક શિવાલિક છે. બીજું નંદાદેવી પણ ટૂંક સમયમાં કંડલા બંદરે પહોંચશે તેવી શક્યતાઓ છે. બંને જહાજની સુરક્ષા માટે ભારતીય સેનાનાં યુદ્ધ જહાજો પણ આરબ સાગરમાં તહેનાત છે.
અત્યારે હોર્મુઝની પશ્ચિમમાં લગભગ 24 ભારતીય જહાજો છે, જેમાંથી બે ખાડી પાર કરીને રવાના થઈ ચૂક્યાં છે. બંને લગભગ 92,700 મેટ્રિક ટન LPG લઈને આવી રહ્યાં છે અને મુન્દ્રા અને કંડલા આવી પહોંચશે. જ્યારે બાકીનાં જહાજોની સુરક્ષિત વાપસી માટે હાલ ઈરાન સાથે વાતચીત ચાલી રહી છે.
વિદેશ મંત્રી એસ જયશંકર અને તેમની ટીમ સતત ઈરાન અને અન્ય દેશો સાથે વાતચીત કરી રહી છે. તાજેતરમાં ભારતમાં ઈરાનના સુપ્રીમ લીડરના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે સંઘર્ષના સમયમાં પણ ભારતીય જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા દેવામાં આવશે. જોકે હાલ સરકાર કેસ બાય કેસ આધાર પર જ કામ લઈ રહી છે.

