રાજકોટમાં હોલિકા દહન સમયે મુસ્લિમ ટોળાનો આતંક: બાઇક પર સ્ટંટ કરતા બે ઇસમોને ઠપકો આપતાં હથિયારો લઈને ધસી આવી ભીડ

ફોટો એન્હાન્સ કરવા માટે AIની મદદ લેવામાં આવી છે.

રાજકોટના ભગવતીપરામાં સોમવારે (2 માર્ચ) હોલિકા દહન સમયે મુસ્લિમોનાં ટોળાંએ જાણીજોઈને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો અને જ્યારે ટકોર કરવામાં આવી તો હાથમાં હથિયારો લઈને ટોળાં ધસી આવ્યાં હતાં અને હોળી પ્રગટાવવા એકઠા થયેલા હિંદુઓ સાથે ધમાલ કરી હતી. આખરે પોલીસ બોલાવીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો.

ઘટના રાજકોટ શહેરના ભગવતીપરાની છે. અહીં હોલિકા દહન માટે સ્થાનિક હિંદુઓ એકઠા થયા હતા. હોળી પ્રહટાવવામાં આવ્યા બાદ પ્રદક્ષિણા અને પૂજન ચાલી રહ્યાં હતાં ત્યારે ભગવતીપરામાં જ રહેતા બે મુસ્લિમ શખ્સો બાઈક લઈને ત્યાં આવી પહોંચ્યા અને સ્ટંટ કરવા માંડ્યા હતા. જેના કારણે હાજર મહિલાઓ-બાળકો ડરી ગયાં હતાં.

સાભાર- દિવ્ય ભાસ્કર, 3 માર્ચ

હોલિકા દહનમાં હાજર લોકોએ આ હરકતના કારણે બંને મુસ્લિમ શખ્સોને ઠપકો આપ્યો હતો, ત્યારબાદ બંને ત્યાંથી ભાગી ગયા હતા. પરંતુ થોડી જ વારમાં બંને ટોળા સાથે ફરી આવ્યા. ટોળામાં આવેલા માણસોના હાથમાં પાઇપ સહિતનાં હથિયારો હતાં અને આવીને હોલિકા દહનમાં સામેલ હિંદુઓ સાથે તેમણે માથાકૂટ શરૂ કરી દીધી હતી અને મહિલાઓને પણ બેફામ ગાળો ભાંડી હતી.

આખરે મામલાની જાણ બી ડિવિઝન પોલીસને કરવામાં આવતાં ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. જાણકારી છે કે મુસ્લિમ ટોળાના અમુક ઇસમોએ પોલીસ સાથે પણ ઉદ્ધતાઈ કરી હતી અને ગાળો ભાંડવાનું ચાલુ રાખ્યું હતું. ત્યારબાદ વધુ સ્ટાફ બોલાવીને પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો.

પોલીસે કાયદો-વ્યવસ્થા સાચવવા માટે અમુક ઇસમોને રાઉન્ડ અપ પણ કર્યા હતા અને હોળીનો તહેવાર શાંતિપૂર્ણ રીતે પૂરો કરાવ્યો હતો. જોકે આ મામલે પોલીસે કોઈ FIR દાખલ કરી હોવાનું જાણવા મળ્યું નથી.