
દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત AI ઇમ્પેક્ટ સમિટ દરમિયાન નગ્ન પ્રદર્શન કરવાના કેસમાં દિલ્હીની એક કોર્ટે ઇન્ડિયન યૂથ કોંગ્રેસ (IYC) સાથે જોડાયેલા 9 આરોપીઓને જામીન આપી દીધા છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે આરોપીઓની હરકતો ‘રાજકીય અસહમતિ’ની શ્રેણીમાં આવે છે, ‘પુનરાવૃત્ત હિંસા કે સંગઠિત અપરાધ’ની શ્રેણીમાં નહીં.
રવિવારે (1 માર્ચ) અપાયેલા આદેશમાં કોર્ટે કહ્યું કે સંબંધિત વિરોધ મહત્તમ એક જાહેર કાર્યક્રમ દરમિયાન કરાયેલી ‘પ્રતીકાત્મક રાજકીય ટીકા’ હતી. કોર્ટે ઉલ્લેખ કર્યો કે આરોપીઓએ નેતૃત્વની તસવીરોવાળી ટી-શર્ટ પહેરી હતી, ઉશ્કેરણીજનક નારા લગાવ્યા હતા જેમાં કોઈ સાંપ્રદાયિક કે પ્રાદેશિક એંગલ નહોતો અને તેમનું એકત્રીકરણ પણ ક્ષણિક હતું.
કોર્ટે એ પણ કહ્યું કે રેકોર્ડમાં કોઈ સંપત્તિને નુકસાન પહોંચાડવાનો પુરાવો નથી અને ન તો પ્રતિનિધિઓમાં અફરાતફરી કે ભયનો કોઈ પુરાવો છે. કોર્ટ અનુસાર આરોપીઓને સુરક્ષા કર્મચારીઓની નજર હેઠળ વ્યવસ્થિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
કોર્ટે એ પણ ટિપ્પણી કરી કે ‘તપાસની જરૂરિયાત’ વિના આરોપીઓને લાંબા સમય સુધી કસ્ટડીમાં રાખવા ભારતીય બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવેલા વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન થશે. આદેશમાં કહેવાયું કે જો કેસ પૂર્વેની કસ્ટડી કોઈ આવશ્યક તપાસની જરૂરિયાત વિના રહે અને માત્ર દંડાત્મક સ્વરૂપ લે તો તે ફોજદારી ન્યાયવ્યવસ્થાના મૂળ સિદ્ધાંતોની વિરુદ્ધ છે, જ્યાં સ્વતંત્રતા સામાન્ય નિયમ છે અને કેદ અપવાદ.

