અમદાવાદને ‘ઓલમ્પિક રેડી સિટી’ તરીકે વિકસાવાશે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે બજેટમાં ₹1278 કરોડની ઘોષણા

2026-27ના વાર્ષિક બજેટમાં ગુજરાત સરકારે અમદાવાદ શહેરને ઓલમ્પિક રેડી સિટી તરીકે વિકસાવવાની ઘોષણા કરી છે.

નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે ગુજરાતને કૉમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળવાથી રાજ્યની વૈશ્વિક ઓળખમાં વધારો થયો છે અને તેનાથી રમતગમત, પ્રવાસન, હોટેલ ઉદ્યોગ, પરિવહન અને અન્ય સેવા ક્ષેત્રોમાં રોકાણ પણ વધશે અને રોજગારીની વિશાળ તકો પણ સર્જાશે. ઉપરાંત આધુનિક સ્ટેડિયમ, માર્ગ, મેટ્રો અને અન્ય શહેરી સુવિધાઓથી સજ્જ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ નિર્માણ કરવામાં આવશે.

આગામી કૉમનવેલ્થ ગેમ્સના આયોજન માટે અમદાવાદ શહેરને ‘ઓલમ્પિક રેડી સિટી’ તરીકે વિકસાવવામાં આવશે તેવી ઘોષણા કરતાં કનુ દેસાઈએ જણાવ્યું કે આના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય કક્ષાનાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ સ્થાપીને તેને આધુનિક જાહેર પરિવહન સેવાઓ સાથે જોડવામાં આવશે.

આ માટે સરકારે ₹1278 કરોડની જોગવાઈ કરી છે.

ઉલ્લેખનીય છે કે 2030માં કૉમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમાશે, જે આ રમત મહોત્સવની શતાબ્દી પણ હશે.  તાજેતરમાં જ ગુજરાતની યજમાની મંજૂર કરવામાં આવી હતી. 2036ના ઓલમ્પિક માટે પણ સરકાર પ્રયાસો કરી રહી છે ત્યારે તે અગાઉ કૉમનવેલ્થ યોજાય તે પહેલાં જ સરકાર ઓલમ્પિક કક્ષાની તૈયારીઓ કરી રહી છે.