
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી ફોન વાતચીત બાદ બંને દેશો વચ્ચે મોટી વેપાર સમજૂતી થઈ છે. ટ્રમ્પે ભારતીય વસ્તુઓ પર લાગુ ટેરિફને 50%થી ઘટાડીને 18% કર્યા છે. ટેરિફને લગતી આ સમજૂતી તાત્કાલિક અમલમાં આવી છે અને નવા દરો લાગુ થયા છે.
ઉલ્લેખનીય છે કે જુલાઈ 2025માં ટ્રમ્પે ભારત પર 25% રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યો હતો, જેમાં પછીથી રશિયન તેલની ખરીદીનું કારણ આપીને વધારાનો 25% પેનલ્ટી ટેરિફ ઉમેરાયો હતો. જેથી કુલ આંકડો 50% થઈ ગયો હતો. ત્યારબાદ અમેરિકા સતત પ્રયાસો કરતું રહ્યું કે ભારત સરકાર આ બાબતે કશુંક પ્રતિક્રિયા આપે, પરંતુ ભારત સરકાર અડગ રહી હતી. આખરે 2 ફેબ્રુઆરીની ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચેની વાતચીતમાં ટેરિફ ઘટાડવાનો નિર્ણય લેવાયો હતો.
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે આ બાબતની જાણકારી આપી હતી, જેમાં વડા પ્રધાન મોદી અને ભારતની પણ તેમણે ભરપૂર પ્રશંસા કરી.
PM મોદીએ પણ આ અંગેની જાહેરાત કરી હતી અને ટેરિફ ઘટાડવા બદલ ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, “જ્યારે બે મોટી અર્થવ્યવસ્થાઓ અને વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશો સાથે મળીને કામ કરે છે ત્યારે તે આપણા લોકો માટે ફાયદાકારક સાબિત થાય છે અને પરસ્પર લાભદાયી સહયોગ માટે અપાર તકોના દ્વાર ખોલે છે.”
Wonderful to speak with my dear friend President Trump today. Delighted that Made in India products will now have a reduced tariff of 18%. Big thanks to President Trump on behalf of the 1.4 billion people of India for this wonderful announcement.
— Narendra Modi (@narendramodi) February 2, 2026
When two large economies and the…
ઉલ્લેખનીય છે કે અમેરિકાના ટેરિફ બાબતે ભારત અન્ય સ્પર્ધક દેશોની સરખામણીએ ઘણી સારી સ્થિતિમાં છે. પાકિસ્તાન પર યુએસ 19% જ્યારે બાંગ્લાદેશ, શ્રીલંકા અને વિયેટનામ પર 20-20% ટેરિફ લાગુ કરે છે. ચીન માટે આ આંકડો 35% જેટલો છે.
સૌથી વધુ લાભ લેનારા ક્ષેત્રોમાં ટેક્સટાઈલ્સ અને એપેરલ (કપાસના કપડાં, હોમ ટેક્સટાઈલ્સ), એન્જિનિયરિંગ ગુડ્સ (ઓટો કોમ્પોનન્ટ્સ, મશીનરી), કેમિકલ્સ (સ્પેશિયાલિટી કેમિકલ્સ), જેમ્સ એન્ડ જ્વેલરી (હીરા અને ગોલ્ડ જ્વેલરી), લેધર, સીફૂડ, ઈલેક્ટ્રોનિક્સ અને કન્ઝ્યુમર ગુડ્સનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રોમાં નિર્યાતકારોને વધુ ઓર્ડર્સ અને સારા માર્જિન મળશે. ‘મેડ ઈન ઈન્ડિયા’ને મોટો બુસ્ટ મળશે અને ભારત-અમેરિકા સંબંધો વધુ મજબૂત થશે. આ સમજૂતીની વિગતો આગામી દિવસોમાં વધુ સ્પષ્ટ થશે, પરંતુ તે ભારતીય અર્થતંત્ર અને નિકાસ માટે મોટી તક છે.

