GIFT સિટી એકમોને 10ની જગ્યાએ હવે 20 વર્ષ સુધી મળશે ટેક્સ હોલીડે, બજેટ-2026માં જાહેરાત

વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે વિકસિત કરવામાં આવેલી GIFT સિટીનાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટરને (IFSC) બજેટ 2026માં મોટું નાણાકીય પ્રોત્સાહન મળ્યું છે. વિદેશી મૂડી પ્રવાહના મહત્વના માધ્યમ તરીકે જોવામાં આવતાં IFSCની સ્પર્ધાત્મકતા વધારવા માટે ટેક્સ પ્રોત્સાહનોને મજબૂત કરવામાં આવ્યા છે.

બજેટની જાહેરાતો અનુસાર હવે GIFT સિટીમાં સ્થાપિત એકમોને 20 વર્ષ સુધી ટેક્સ હોલીડે મળશે, જે અગાઉ 10 વર્ષનો હતો. ટેક્સ હોલીડેની મુદત પૂરી થયા બાદ આ એકમો પર 15 ટકાના દરે કર લાગુ થશે, જેમ કે ફાઇનાન્સ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાનાં બજેટ ભાષણમાં કહ્યું કે, “IFSCની સ્પર્ધાત્મકતા વધારવા માટે એવો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે કે IFSCનાં એકમો માટે કલમ 147 હેઠળ કપાતની મુદતને 25 વર્ષમાંથી સતત 20 વર્ષ સુધી વધારવામાં આવે અને ઑફશોર બેન્કિંગ યુનિટ્સ (OBU) માટે પણ સતત 20 વર્ષ સુધી આ લાભ આપવામાં આવે. સાથે જ કપાતની મુદત પૂરી થયા બાદ IFSCમાંથી મળતી આ એકમોની વ્યાપારિક આવક પર 15 ટકાના દરે કર લાગુ થશે.”

તેનાથી વિપરીત ભારતના અન્ય ભાગોમાં કામગીરી શરૂ કરનારી વિદેશી કંપનીઓ પર લગભગ 35 ટકાનો ન્યૂનતમ ટેક્સ દર લાગુ પડે છે.

સરકારે IFSCમાં સ્થિત ટ્રેઝરી સેન્ટર્સ માટે ‘ડીમ્ડ ડિવિડન્ડ’ની (માનિત લાભાંશ) જોગવાઈઓને પણ તર્કસંગત બનાવવાનો પ્રસ્તાવ કર્યો છે. બજેટ વક્તવ્ય અનુસાર, જો (i) સમૂહની મુખ્ય કંપની અથવા પ્રિન્સિપલ એકમ ભારતની બહાર કોઈ દેશ કે પ્રદેશમાં લિસ્ટેડ હોય અને (ii) તે મુખ્ય અથવા પ્રિન્સિપલ એકમ તથા વ્યવહારમાં સામેલ અન્ય સમૂહ એકમ બંને ભારતની બહાર કોઈ એવા દેશ કે પ્રદેશમાં સ્થિત હોય જેને કેન્દ્ર સરકાર અધિસૂચના દ્વારા નિર્દિષ્ટ કરે તો આવા કિસ્સામાં ડીમ્ડ ડિવિડન્ડના પ્રાવધાનો લાગુ પડશે નહીં.

ગાંધીનગરમાં આવેલી GIFT સિટીને ભારતનાં પહેલા ઑફશોર-શૈલીના નાણાકીય કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવી રહી છે. આ પગલાનું સ્વાગત કરતા GIFT સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ CEO સંજય કૌલે કહ્યું કે બજેટે દેશનાં પહેલા IFSCથી સંચાલિત વ્યવસાયોને દીર્ઘકાલીન ટેક્સ સ્થિરતા આપી છે, જેથી ભારતની ઑફશોર નાણાકીય સ્પર્ધાત્મકતા વધશે. તેમણે કહ્યું કે આ પગલાં GIFT સિટીને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ફાયનાન્શિયલ ડેસ્ટિનેશન તરીકે વધુ મજબૂત કરે છે.