ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ: પીએમ મોદી અને ન્યૂઝીલેન્ડ પીએમ વચ્ચે ટેલિફોનિક વાતચીત બાદ સત્તાવાર ઘોષણા

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વ્યાપાર કરાર (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) પર હસ્તાક્ષર થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન વચ્ચે સોમવારે (22 ડિસેમ્બર) એક ટેલિફોનિક વાતચીત થઈ, જેમાં આ વ્યાપાર કરારને અંતિમ અને ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું. બંને દેશોનું કહેવું છે કે આ કરાર ઐતિહાસિક છે, બંને પક્ષોને લાભદાયી નીવડે એ પ્રકારનો છે.

આ કરારને માત્ર નવ મહિનાના ટૂંકા ગાળામાં અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું. ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન માર્ચ 2025માં ભારતની યાત્રાએ આવ્યા હતા, ત્યારે વાતચીત શરૂ થઈ હતી, વર્ષના અંત સુધીમાં તેની ઉપર બંને દેશોએ મહોર મારી દીધી. બે દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર કરવામાં અનેક અડચણો અને પડકારો આવતાં હોય છે, પણ ભારત-ન્યૂઝીલેન્ડે નવ મહિનાના ટૂંકાગાળામાં કામ પર પાડ્યું.

પીએમ મોદીએ એક પોસ્ટમાં આ વિષયની જાણકારી આપી અને કહ્યું કે આ ઐતિહાસિક માઈલસ્ટોન બંને દેશોની મજબૂત રાજનીતિક ઈચ્છાશક્તિ અને બંને વચ્ચેની વ્યાપારિક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટેના સહિયારા પ્રયાસોને દર્શાવે છે.

પીએમ મોદીએ કહ્યું કે આ ડિલથી રોકાણ પણ વધશે અને ઇનોવેટર, ખેડૂતો, લઘુ ઉદ્યોગો, યુવાનો અને વિદ્યાર્થીઓ માટે નવી તકો પણ ખુલશે.