
છેલ્લા ઘણા સમયથી સુરક્ષાબળોથી ભાગતા ફરતા નક્સલવાદી કમાન્ડર માડવી હિડમાને આખરે ઠાર મરાયો છે. મંગળવારે (18 નવેમ્બર) આ જાણકારી સામે આવી. જે અનુસાર આંધ્ર પ્રદેશના અલ્લુરી સીતારામારાજુ જિલ્લામાં સુરક્ષાબળોએ એક ઑપરેશન લૉન્ચ કર્યું હતું. દરમ્યાન કુલ છ નક્સલીઓ માર્યા ગયા, જેમાં હિડમા પણ સામેલ છે તેમ કહેવામાં આવી રહ્યું છે. તેની ઉપર પચાસ લાખ રૂપિયાનું ઇનામ ઘોષિત કરવામાં આવ્યું હતું અને મોસ્ટ વૉન્ટેડ નક્સલી કમાન્ડરો પૈકીનો એક હતો.
ઑપરેશન મારુડ પલ્લી વિસ્તારના ઘનઘોર જંગલમાં વહેલી સવારે લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ વિસ્તાર આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા– ત્રણ રાજ્યોની સરહદ પર આવેલો છે. ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોએ કોમ્બિંગ ઑપરેશન શરૂ કર્યું હતું, જે દરમિયાન માઓવાદીઓએ અચાનક ગોળીબાર કર્યો હતો.
ત્યારબાદ સુરક્ષા દળોએ પણ વળતો જવાબ આપ્યો, જેમાં હિડમા સહિત તેની પત્ની રાજે ઉર્ફે રાજક્કા અને અન્ય ચાર માઓવાદીઓ માર્યા ગયા. અત્યાર સુધીમાં કુલ 6 માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે અને ઑપરેશન હજુ ચાલુ છે.
માડવી હિડમા 1981માં છત્તીસગઢના સુકમા જિલ્લામાં જન્મ્યો હતો. માત્ર 15 વર્ષની ઉંમરે તેણે પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મીની (PLGA) એક બટાલિયનનું નેતૃત્વ સંભાળ્યું હતું. તે CPI(M)ની સેન્ટ્રલ કમિટીનો સૌથી યુવા સભ્ય બન્યો હતો. છેલ્લા બે દાયકાથી તે બસ્તર વિસ્તારમાં માઓવાદીઓનો સૌથી મોટો કમાન્ડર ગણાતો હતો. હિડમા ઓછામાં ઓછા 26 મોટા નક્સલી હુમલાઓનો માસ્ટરમાઈન્ડ હતો, જેમાં એપ્રિલ 2021માં છત્તીસગઢના બીજાપુરમાં 22 જવાનોની હત્યાનો મામલો પણ સામેલ છે. આ સિવાય પણ સુકમા અને આસપાસના વિસ્તારોમાં અનેક મોટા હુમલાને નક્સલીઓએ અંજામ આપ્યો, તેની પાછળ હિડમાનો મોટો હાથ હતો.

