હોમપેજમિડિયાબિહાર ચૂંટણીમાં RJDના પક્ષમાં માહોલ બનાવવા માટે દિલ્હીથી યુટ્યુબરોને લઈ જવાયા હતા:...

બિહાર ચૂંટણીમાં RJDના પક્ષમાં માહોલ બનાવવા માટે દિલ્હીથી યુટ્યુબરોને લઈ જવાયા હતા: આવું ‘પત્રકાર’ ઝાકિર અલી ત્યાગીએ પોતે કબૂલ્યું છે

ગ્રાઉન્ડ રિપોર્ટના નામે વિશેષ પાર્ટીના વિશેષ નેતાઓને જ ફૂટેજ આપવામાં આવે છે. ભૂખનો માર્યો એ નેતા જો જાહેર જગ્યા પર ઊંકરાંટો પણ નાખી દે તો આ જમાત 'ફલાણા નેતાનો હુંકાર', 'ફલાણા નેતાની સિંહગર્જના' જેવા ટાઇટલ સાથે દોડ મૂકી દે છે. 

- Advertisement -

વૈચારિક પવન ફેરવાયા બાદ મેઈનસ્ટ્રીમ મીડિયામાં જેમની દુકાનો ચાલતી બંધ થઈ ગઈ છે તેવા ઘણા સ્વઘોષિત પત્રકારો હવે યુટ્યુબ પર આવી ગયા છે. યુટ્યુબ ચેનલોનો રાફડો ફાટ્યો છે. ચૂંટણી આવે એટલે આવી ચેનલો ભરપૂર જોવા મળે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં પણ મહાગઠબંધનની તરફેણમાં, ખાસ કરીને RJD માટે માહોલ બનાવવા માટે ઘણી યુટ્યુબ ચેનલોને કામ સોંપવામાં આવ્યું હતું. આ બધું ગપ્પાંબાજી નથી, એક ‘પત્રકારે’ જ કહ્યું છે. ઝાકિર અલી ત્યાગી તેનું નામ છે. તેણે હવે ચૂંટણી પૂરી થઈ ગયા બાદ પેમેન્ટ ન મળવાની બળતરા એક્સ પર ઠાલવી છે.

ઝાકિર અલીએ પોતાની પોસ્ટમાં તેજસ્વી યાદવને ટેગ કરીને કહ્યું છે કે દિલ્હીના યુટ્યુબરોએ (માહોલ બનાવવા માટે) ખૂબ મહેનત કરી હતી, તેમ છતાં તેમને પેમેન્ટ આપવામાં આવી રહ્યું નથી અને ‘પાર્ટીમાંથી હજુ પેમેન્ટ આવ્યું નથી’ જેવાં બહાનાં કાઢવામાં આવી રહ્યાં છે. તેણે એવું પણ જણાવ્યું છે કે પેમેન્ટ ન મળ્યાના ‘ગમ’માં ઘણા યુટ્યુબરો તો પાછા દિલ્હીભેગા પણ થઈ ગયા છે.

ઝાકિરનું કહેવું છે કે તેજસ્વીની પાર્ટીએ જે લોકોને સોશિયલ મીડિયા પર (ખાસ કરીને યુટ્યુબ પર) પાર્ટીના સમર્થનમાં માહોલ બનાવવાની જવાબદારી સોંપી હતી તેમણે દિલ્હીમાં યુટ્યુબરો સાથે બેઠકો પણ કરી અને ટ્રકો ભરીભરીને બિહાર લઈ જવામાં આવ્યા, યુટ્યુબર સાથે રાત-દહાડો મહેનત પણ કરાવવામાં અને કામ પણ પૂરું કરાવી લીધું. પરંતુ આવા યુટ્યુબરોને જ્યારે પૈસા આપવાની વાત આવી તો વચેટિયાઓએ એમ કહી દીધું કે પાર્ટી તરફથી પૈસા મળ્યા નથી.

- Advertisement -

આગળ હૈયાવરાળ ઠાલવતાં ઝાકિર કહે છે કે, ઘણા યુટ્યુબરો દિલ્હી પરત પણ ફરી ચૂક્યા છે અને જે વચેટિયાઓને યુટ્યુબરો સાથે ડીલ કરવા માટે કહેવામાં આવ્યું હતું તેઓ પૈસા ખાઈ ગયા અને ચૂંટણી પ્રચાર વચ્ચે જ નવી કાર લઈ આવ્યા. અમુકને પેમેન્ટ કરવામાં આવ્યું તોપણ 15-2૦ ટકા જેટલું.

ઝાકિરનું કહેવું છે કે આનાથી પાર્ટીની છબીને નુકસાન થયું અને સોશિયલ મીડિયા પર પણ ઓછું સ્થાન મળ્યું.

‘તટસ્થતા’ની આડમાં બનાવાય છે માહોલ

આ તો આ લોકોનો આંતરિક કલેશ સપાટી પર આવ્યો એટલે જાણવા મળ્યું. બાકી ચૂંટણી પહેલાં અચાનક કેટલાક યુટ્યુબરો, ઘણા યુટ્યુબ ‘પત્રકારો’ અને કથિત ઇન્ફ્લૂઅન્સર્સ એક્ટિવ થઈ જાય એવું અગાઉ પણ બન્યું છે. બિહારમાં પણ આવું જ થયું છે. હવે સામે આવ્યું કે RJDના પક્ષમાં હવા બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ આ દિલ્હીથી આવેલા યુટ્યુબરોને આપવામાં આવ્યો હતો. જમીન પર ભલે કાગડા ઉડતા હોય પણ વિડીયોમાં તો આ યુટ્યુબરોના પ્રતાપે ‘લહેર’ જોવા મળતી હતી. તેજસ્વી યાદવને ‘યુવા ચહેરા’ સાથે ભારે પ્રમોટ પણ કરવામાં આવ્યા હતા અને વારંવાર જીતના દાવા પણ ઠોકવામાં આવ્યા હતા. પછી શું થયું એ લખવાની જરૂર નથી. 

આ લોકો પાર્ટીના સમર્થકોને ટાર્ગેટ કરીને કાયમ ખોટા દિલાસા આપતા રહેતા હોય છે કે ‘આ વખતે તો જીત પાક્કી છે અને હવે તમારી પાર્ટી બહુ જબરું પ્રદર્શન કરવા જઈ રહી છે.’ જોકે, પરિણામ આવ્યા બાદ તેમને પેમેન્ટ આપવામાં નથી આવતું એ અલગ બાબત છે, પણ તેઓ ‘નિષ્ઠા’થી યુટ્યુબ જેવા શસ્ત્રો દ્વારા પાર્ટી વિશેષનો કિલ્લો ઊભો કરે છે. 

મજાની વાત એ છે કે આ જ યુટ્યુબ પત્રકારોમાંથી ઘણા મેઈનસ્ટ્રીમ મીડિયાના એક વર્ગને કે પછી તેમની વિચારધારામાં સેટ ન થતા હોય તેમને ‘ગોદી મીડિયા’ કહીને ચીડવતા રહે છે, તેમની ઉપર કટાક્ષ કરતા રહે છે અને તેમની ઉપર સરકારને કડક સવાલો ન કરવાનો, સરકારના ખોળામાં બેસી જવાનો આરોપ લગાવતા રહે છે. પરંતુ પછીથી આ જ યુટ્યુબ ગેંગ સોશિયલ મીડિયા પર વિડીયોના માધ્યમથી, પોસ્ટના માધ્યમથી પાર્ટીઓ માટે પ્રચાર કરતી જોવા મળે છે. પ્રચાર કરતાં અમુક પાર્ટીના સમર્થકોને કુત્રિમ આત્મવિશ્વાસ અપાવવામાં વધારે આગળ રહે છે કે આ વખતે તો તેમની પાર્ટી જીતની એકદમ નજીક છે! પરિણામના દિવસે પાર્ટી ક્યાંય દેખાતી હોતી નથી.

ગુજરાતમાં પણ જોવા મળે છે આવી ‘તટસ્થ ગેંગ’ 

ગુજરાતીઓ માટે જોકે આ ‘દેજા વુ’ જેવું થયું. 2022માં આવા ખેલ આપણે પણ જોઈ ચૂક્યા છીએ. અચાનક ફાટી નીકળેલી યુટ્યુબ ચેનલોએ ત્યારથી વિપક્ષ અને ખાસ કરીને આમ આદમી પાર્ટીને હાઈલાઈટ કરવાનું કામ ઉપાડી લીધું છે, જે આજદિન સુધી ચાલે છે. આજે પણ ગુજરાતમાં યુટ્યુબ પત્રકારોનો એક મોટો વર્ગ ‘નિષ્પક્ષ પત્રકારત્વ’ની આડમાં આમ આદમી પાર્ટીના નરેટિવ આગળ ધપાવવાનું કામ કરતી રહે છે. જેને એક્સપોઝ કરવાનું કામ અહીં નિયમિત ધોરણે થતું રહે છે.

ચૂંટણીના મહિનાઓમાં વિડીયોનું પૂર આવી જાય છે અને ‘ગુજરાત બદલાઈ જવાનું’, ‘ક્રાંતિ થવાની’, ‘ભાજપનાં વળતાં પાણી’ જેવા કન્ટેન્ટ પાર્ટી વિશેષ માટે શરૂ થઈ જાય છે. ગ્રાઉન્ડ રિપોર્ટના નામે વિશેષ પાર્ટીના વિશેષ નેતાઓને જ ફૂટેજ આપવામાં આવે છે. ભૂખનો માર્યો એ નેતા જો જાહેર જગ્યા પર ઊંકરાંટો પણ નાખી દે તો આ જમાત ‘ફલાણા નેતાનો હુંકાર’, ‘ફલાણા નેતાની સિંહગર્જના’ જેવા ટાઇટલ સાથે દોડ મૂકી દે છે. 

જોકે જનતા જાગૃત છે. બધું જાણતી રહે છે. ન જાણે તેમને જણાવવા માટે ઝાકિર અલી ત્યાગી જેવા માણસો છે જ!

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં