આવી ગઈ ‘રાજીનામાં ચેલેન્જ’ની ડેડલાઈન: કાંતિ અમૃતિયા વાજતે ગાજતે પહોંચ્યા ગાંધીનગર, AAPના ગોપાલ ઈટાલિયાના નથી કોઈ સમાચાર

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાને (Gopal Italia) રાજીનામાંની ચેલેન્જ આપનાર મોરબીના (Morbi MLA) વર્તમાન ધારાસભ્ય કાંતિ અમૃતિયા (Kanti Amrutiya) સોમાવારે (14 જુલાઈ) ગાંધીનગર પહોંચ્યા છે. ભાજપ નેતા કાંતિ અમૃતિયાએ આપ નેતા ગોપાલ ઈટાલિયાને સોમવાર સુધી રાજીનામું આપી, મોરબીમાં તેમની સામે ચૂંટણી લડી અને જીતી દેખાડવાની ચેલેન્જ આપી હતી. જે પછી આ મામલો સતત ચર્ચામાં છે.

ગુજરાતમાં ચાલી રહેલા આ રાજકીય ડ્રામામાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી કે, તેઓ સોમવારે (14 જુલાઈ) 150 ગાડીઓના કાફલા સાથે ગાંધીનગર વિધાનસભામાં રાજીનામું આપવા પહોંચશે. જ્યાં તેઓ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની રાહ જોશે. નોંધનીય છે કે ગોપાલ ઈટાલિયાએ પણ ચેલેન્જ સ્વીકારી રાજીનામું આપવાની વાત કરી હતી.

આ સમગ્ર ઘટનાક્રમ પર નજર મારીએ તો, સૌપ્રથમ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિસાવદરમાં નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાને તેમની સામે મોરબીમાં ચૂંટણી લડી, જીતી બતાવે તો ₹2 કરોડ આપવાની ચેલેન્જ આપી હતી. જે પછી ગોપાલ ઈટાલિયાએ પણ વિડીયોના માધ્યમથી જાહેર કર્યું હતું કે, તેઓ ચેલેન્જ સ્વીકારે છે, પરંતુ એ પહેલા કાંતિ અમૃતિયા મોરબીના ધારસભ્ય પદેથી રાજીનામું આપે. ત્યાર બાદ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પણ વળતો પડકાર ફેકતા જણાવ્યું હતું કે, જો તેઓ ચેલેન્જ સ્વીકારતા હોય તો સોમવાર સુધીમાં બંને ગાંધીનગર પહોંચી એકસાથે રાજીનામું આપે.

ત્યારે હવે કહ્યા પ્રમાણે ભાજપ નેતા પોતાના સમર્થકો સાથે ગાંધીનગર જવા રવાના થઈ ગયા છે, પરંતુ ચેલેન્જ સ્વીકારવાની વાત કરનાર આપ નેતા ગોપાલ ઈટાલિયાની હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.