રાજ ઠાકરેનું નુપુર શર્માને ખુલ્લું સમર્થન આપતું નિવેદન સામે આવ્યું છે. MNS (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના સુપ્રીમો રાજ ઠાકરેએ ભાજપના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્માને સમર્થન આપતા કહ્યું હતું કે “નુપુર શર્માએ જે કહ્યું હતું, ઝાકિર નાઈકે પણ તે જ કહ્યું હતું, પરંતુ તેમની પાસેથી કોઈ માફીની માંગ કેમ નથી કરતું?” રાજ ઠાકરેએ કહ્યું કે જ્યારથી નુપુર શર્માનું નિવેદન આવ્યું છે ત્યારથી ઘણી રાજનીતિ થઈ રહી છે અને કોઈ તેમનું સમર્થન નથી કરી રહ્યું. નોંધનીય છે કે રાજ ઠાકરે થોડા દિવસોથી અસ્વસ્થ હોવાના કારણે આરામ પર હતા.
કાર્યકર્તાઓ સાથે લાંબા સમય બાદ યોજાયેલી બેઠકમાં તેમણે આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે નુપુર શર્મા પર માફી માંગવા માટે ઘણું દબાણ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈએ ઝાકિર નાઈકને માફી માંગવાનું કહ્યું નથી. બીમારીમાંથી સાજા થયા બાદ પાર્ટી કેડરમાં પહોંચેલા રાજ ઠાકરેએ લાંબી લડતનું આહ્વાન કર્યું છે . તેણે હિપ સર્જરી કરાવી હતી. પરંતુ, હવે તેઓ નગરપાલિકાની ચૂંટણી પહેલા સક્રિય થઈ ગયા છે. તેણે હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન પર પણ તેમણે આકરા પ્રહારો કર્યા હતા જેમાં તેણે હિન્દુઓ ઉપર આપેલા નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ દરમિયાન રાજ ઠાકરેએ તેમના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે પર પણ પ્રહારો કર્યા હતા અને તેમને યાદ અપાવ્યું હતું કે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેએ નિયમ બનાવ્યો હતો કે જે પાર્ટીના ગઠબંધનમાં વધુ ધારાસભ્યો હશે, મુખ્યમંત્રી પણ તેમને જ બનાવવામાં આવશે. તેમણે યાદ અપાવ્યું હતું કે 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન સ્વયં નરેન્દ્ર મોદી અને અમિત શાહે કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બનશે, ત્યારે શિવસેનાએ કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો.
मनसे प्रमुख राज ठाकरे ने बीजेपी से निलंबित नूपुर शर्मा के समर्थन का ऐलान किया
— AajTak (@aajtak) August 23, 2022
(@mustafashk ) https://t.co/RcFgt7ntBb
રાજ ઠાકરેની પાર્ટીએ તેમ પણ જાહેરાત કરી છે કે તેઓ હલાલ માંસ વિરુદ્ધ પણ પ્રચાર કરશે. તેને ટેરર ફંડિંગ સાથે જોડીને ઠાકરેએ કહ્યું હતું કે આના કારણે હિંદુઓની આજીવિકા અને આવક પર પણ વિપરીત અસર પડી છે. MNSએ કહ્યું હતું કે હલાલ મીટ આતંકવાદીઓને આર્થિક મદદ પૂરી પાડવાનું સૌથી મોટું મિકેનિઝમ છે, આવી સ્થિતિમાં માત્ર ઝટકા કારોબારને જ અસર નથી થઈ રહી, પરંતુ શાકાહારી લોકો પણ તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. MNSની ‘વ્યાપારી સેના’એ એક ખુલ્લા પત્ર દ્વારા અપીલ કરી છે કે અમારા પૈસા આતંકવાદીઓની મદદમાં ન જવા જોઈએ.