તાજેતરમાં જ અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાંથી ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓ (Bangladeshis) પકડાયા હતા. આવા કિસ્સાઓ સુરત શહેરમાંથી પણ છાશવારે સામે આવતા રહે છે. તાજેતરના એક કેસમાં સુરત પોલીસે (Surat) એક મહિલાને પકડી હતી, જે બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત SOGને માહિતી મળી હતી કે એક રશીદા બેગમ નામની બાંગ્લાદેશી મહિલા ગેરકાયદેસર રીતે રહી રહી છે. SOGએ તપાસ કરતાં આ મહિલા ચાર વર્ષ પહેલાં બાંગ્લાદેશી એજન્ટને માત્ર 15,000 રૂપિયા આપીને ભારતમાં પ્રવેશી હોવાનું સામે આવ્યું હતું. અહેવાલોમાં જણાવ્યા અનુસાર તે એક વર્ષ મુંબઈમાં રહ્યા બાદ છેલ્લાં ત્રણ વર્ષથી સુરતમાં રહેતી હતી. અહીં જીવનનિર્વાહ કરવા તેણે અલગ-અલગ સ્પામાં નોકરી પણ કરી હતી.
SOGની તપાસમાં ભાંગી પડી રશીદા
સુરત SOGને મહિલા વિશે માહિતી મળતાં જ વિભાગે મહિધરપુરા દિલ્હી ગેટ ચાર રસ્તા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસેથી તેને ઝડપી લીધી હતી. ધરપકડ બાદ ચાલેલી તપાસમાં તેનું નામ રશીદા બેગમ જહાંગીર અલી શેખ હોવાનું સામે આવ્યું છે. કડકાઈથી પૂછપરછ કરવામાં આવતાં તેણે કબૂલ્યું હતું કે, તે ચાર વર્ષ પહેલાં એક એજન્ટની મદદથી પશ્ચિમ બંગાળમાં અને ત્યાંથી ટ્રેન મારફતે સુરત આવી ગઈ હતી. અહીં આવીને તેણે બોગસ ડોક્યુમેન્ટ બનાવી લીધાં હતાં અને તેના આધારે આધારકાર્ડ અને અન્ય ઓળખપત્રો પણ બનાવડાવી લીધાં હતાં.
બાંગ્લાદેશી મહિલા રસીદાબેગમ જહાંગીરઅલી શેખએ ખોટું નામ ધારણ કરી બોગસ ડોક્યુમેન્ટ આધારે બનાવેલા ભારતીય આધારકાર્ડ સાથે સુરત શહેર એસ.ઓ.જી.એ ઝડપી પાડી.#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
— Surat City Police (@CP_SuratCity) November 16, 2024
.
.#surat #safesurat #suratcitypolice #SuratPolice #suratcitypolicesog #SOGPolice pic.twitter.com/6fnAsGWuVr
SOGની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે રશીદા બાંગ્લાદેશના બરંગા ગામની રહેવાસી છે. તે ત્યાંના એક એજન્ટ મારફત જસોર જિલ્લામાં પડતી ભારત-બાંગ્લાદેશ બોર્ડરથી ગેરકાયદેસર રીતે ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના બેંગોન ખાતે પ્રવેશી હતી. ત્યાંથી તેને હાવડા રેલવે સ્ટેશન પહોંચાડી દીવામાં આવી અને ત્યાંથી તે સુરત આવતી રહી હતી. સુરત આવ્યા બાદ તે થોડા સમય માટે મુંબઈ રહેવા ચાલી ગઈ હતી. એક વર્ષ દરમિયાન તેણે બનાવટી દસ્તાવેજો તૈયાર કરાવી લીધા હતા.
ખોટા પુરાવાના આધારે ઓળખપત્રો, નામ નહીં, ઉંમર પણ ખોટી
આ બનાવટી દસ્તાવેજોના આધારે તેણે સુરતમાં આવીને આધારકાર્ડ સહિતના ઓળખપત્રો બનાવી લીધાં હતાં. બીજી તરફ SOGને તેની પાસે બાંગ્લાદેશનું તેનું અસલ ઓળખપત્ર પણ મળી આવ્યું હતું. આ બંને ઓળખપત્રોમાં માહિતી પણ ખોટી હોવાનું સામે આવ્યું હતું. તેની બાંગ્લાદેશી અસલ ઓળખ રશીદા બેગમ જહાંગીર અલી શેખ છે, જ્યારે તે સુરતમાં રસીદા ગાજી બનીને રહેતી હતી. આટલું જ નહીં, બાંગ્લાદેશના ઓળખપત્ર મુજબ તેની જન્મ તારીખ 8 મે, 1988 છે, જ્યારે સુરતમાં બનાવેલા આધારકાર્ડમાં તેની જન્મતારીખ 12 એપ્રિલ, 1992 છે. તે આટલા સમયથી ખોટી ઓળખ ધારણ રહેતી હોવાનું પણ સામે આવ્યું છે.
સુરત SOGનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર, મામલાની તપાસ પીઆઈ એ.પી ચૌધરી કરી રહ્યા છે. વધુ માહિતી મેળવવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ સ્થાપિત થઈ શક્યો ન હતો. પોલીસે આ મામલે ફોરેનર્સ એક્ટ અને પાસપોર્ટ રૂલ્સની સુસંગત કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.