15 નવેમ્બરના રોજ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ઘોષણા કરી હતી કે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનના (SEC) ભૂતપૂર્વ અધ્યક્ષ જે ક્લેટનને તેમના પ્રશાસન હેઠળ ન્યૂયોર્કના સાઉધર્ન ડિસ્ટ્રિક્ટ માટે ડિસ્ટ્રિક્ટ એટર્ની તરીકે નિયુક્ત કર્યા છે. આ નિર્ણય ચર્ચામાં એટલા માટે છે કે, જે ક્લેટન એ જ ડેમિયન વિલિયમ્સનું સ્થાન લેશે જેમણે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુની હત્યાનું કથિત કાવતરું ઘડવાના કેસમાં ભારતીય વિકાસ યાદવ અને અન્ય સામે આરોપો ઘડ્યા હતા.
તે સમયે ફેડરલ પ્રોસિક્યુટર તરીકે કામ કરતા ડેમિયન વિલિયમ્સે ખાલિસ્તાની આતંકવાદી અને આતંકવાદી સંગઠન ‘શીખ ફોર જસ્ટિસ’ના સ્થાપક ગુરપતવંત સિંઘ પન્નુના કથિત હત્યાના કાવતરામાં ભારતીય વિકાસ યાદવ અને અન્ય બે ભારતીયો સામે આરોપો દાખલ કર્યા હતા. વિકાસને અમેરિકા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (R&AW)ના પૂર્વ અધિકારી ગણાવે છે.
વિલિયમ્સે ભારતના ત્રણ લોકો પર લગાવ્યા હતા આરોપ
ભારત સરકાર આ આ આખા ઘટનાક્રમને લઈને નાની-નાની બાબતો પર ઝીણવટભરી નજર રાખી રહી છે. ભારત સરકારે આવા કાવતરા સાથે કોઈ જોડાણ અથવા સંડોવણી હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. આ કેસના અન્ય આરોપીઓમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા અને એક અનામી ગુપ્તચર અધિકારીનું પણ નામ લેવામ આવ્યું છે. નિખિલ ગુપ્તા એક ઉદ્યોગપતિ છે અને તેમના પર આ મામલે સહ-આરોપી તરીકે આરોપ મૂકવામાં આવ્યો હતો અને ચેગ રિપબ્લિકમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં જૂન 2024માં તેનું પ્રત્યાર્પણ અમેરિકામાં કરવામાં આવ્યું અને ત્યારથી જેલમાં બંધ છે. જોકે ગુપ્તાએ પણ તથાકથિત હત્યાના કાવતરામાં પોતાની કોઈ પણ પ્રકારની સંડોવણી હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
વિલિયમ્સે દાખલ કરેલા આરોપોમાં વિકાસ યાદવને ‘રૉ’ના (RAW) ‘સિનિયર ફિલ્ડ ઓફિસર’ તરીકે વર્ણવવામાં આવ્યા છે. જોકે, તેમની સામે ભારતમાં પણ એક વસૂલી અને અપહરણનો એક કેસ ચાલી રહ્યો છે. ઉપરાંત, તેઓ હાલ અમેરિકન સુરક્ષા એજન્સી FBIના વૉન્ટેડ લિસ્ટમાં પણ છે. તાજેતરમાં જ FBIએ અધિકારિક રીતે વિકાસનું નામ લઈને તેમને વૉન્ટેડ જાહેર કરી દીધા હતા. યાદવ, ગુપ્તા અને અન્ય અનામી સરકારી અધિકારી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે પન્નુની હત્યા કરવા માટે એક પ્રોફેશનલ કિલરને કામ સોંપ્યું હતું, પણ પછી તે સરકારી એજન્સીનો અન્ડરકવર એજન્ટ નીકળ્યો અને ભાંડો ફૂટી ગયો હતો.
ટ્રમ્પે સોશ્યલ મીડિયા પોસ્ટ કરીને જે ક્લેટનની નિમણૂકની આપી માહિતી
બીજી તરફ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં ડોનાલ્ડ ટ્રમ્પે જે ક્લેટનને ‘આદરણીય બિઝનેસ લીડર, સલાહકાર અને લોકસેવક’ તરીકે વર્ણવ્યા હતા. ટ્રમ્પે લખ્યું, “મને એ જાહેર કરતા આનંદ થાય છે કે મારા પ્રથમ કાર્યકાળ દરમિયાન યુ.એસ. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનના અધ્યક્ષ, ન્યૂયોર્કના જે ક્લેટન, જ્યાં તેમણે એક અવિશ્વસનીય કાર્ય કર્યું હતું, તેમને અહીં સધર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ ન્યૂ યોર્ક માટે યુ.એસ. એટર્ની તરીકે નામાંકિત કરવામાં આવે છે. તેઓ ખૂબ જ સન્માનીય બિઝનેસ લીડર, સલાહકાર અને લોકસેવક છે. તેમણે પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ અને લોની ડિગ્રી અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સની ડિગ્રી મેળવી છે.”
પ્રેસિડેન્ટ ટ્રમ્પે આગળ લખ્યું કે, “SECના અધ્યક્ષ બનતાં પહેલાં જે ક્લેટન ‘સુલિવન એન્ડ ક્રોમવેલ’માં ભાગીદાર હતા અને મેનેજમેન્ટ કમિટીમાં સેવા આપતા હતા. હાલમાં તેઓ સુલિવન અને ક્રોમવેલના વરિષ્ઠ નીતિ સલાહકાર, કેટલીક જાહેર અને ખાનગી કંપનીઓના બોર્ડ મેમ્બર અને યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા ખાતે વ્હોર્ટન બિઝનેસ સ્કૂલ અને કેરી લો સ્કૂલમાં એડજક્ટ પ્રોફેસર છે.”
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન જે ક્લેટને 2017થી 2021 સુધી SECના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. ધ સધર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ ન્યૂ યોર્ક મેનહટનને આવરી લે છે અને રોકાણો, શેરબજારના વેપારમાં હેરાફેરી અને છેતરપિંડી સાથે સંકળાયેલા હાઇપ્રોફાઇલ કેસો જુએ છે.
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુનની હત્યાનું તથાકથિત કાવતરું
નવેમ્બર, 2023માં અમેરિકાએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુને મારવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ જૂન, 2023માં થયેલી ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા કરવાનો ભારત પર આરોપ લગાવ્યાના લગભગ દોઢ મહિના પછી અમેરિકાની એજન્સી આ વાત લઈ આવી હતી.
એવો દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકાએ કેનેડાને કહેવાતી ગુપ્ત માહિતી પૂરી પાડી હતી કે નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ છે. પન્નુની હત્યાના કાવતરાની તપાસમાં ભારત સહકાર આપી રહ્યું છે ત્યારે કેનેડાએ હજુ સુધી નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીના કોઇ નક્કર પુરાવા આપ્યા નથી. આરોપો બાદથી ભારત અને કેનેડાના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. તાજેતરમાં જ કેનેડાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર કેનેડામાં થતી ગુનાહિત ગતિવિધિઓમાં સામેલ હોવાના આરોપો લગાવ્યા હતા. આ આખા ઘટનાક્રમ બાદથી જ બંને દેશ વચ્ચેના ખટરાગની ખાઈ વધુ ઊંડી બની છે.