કમલા હેરિસને (Kamala Harris) ઐતિહાસિક રીતે હરાવ્યા બાદ હવે અમેરિકાની (USA) કમાન ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) હાથમાં આવી છે. વિશ્વભરમાં આ પરિવર્તનની ચર્ચા ચાલી રહી છે. તેવામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાં થઈ રહેલી નવી નિયુક્તિઓ પણ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની રહી છે. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરી, 2025માં પોતાનો પદભાર સાંભળવાં જઈ રહ્યા છે. તે પહેલાં તેમણે નિયુક્તિ પણ શરૂ કરી દીધી છે. ટ્રમ્પે ફ્લોરિડાથી સાંસદ તરીકે ચૂંટાયેલા માઈક વોલ્ટ્ઝને (Mike Waltz) રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) નિયુક્ત કર્યા છે. નોંધવા જેવું છે કે, વોલ્ટ્ઝ અમેરિકી સેનામાં કર્નલ તરીકે સેવા આપી ચૂક્યા છે અને તેમની નીતિ પણ ભારત તરફી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના NSA (National Security Advisor) તરીકે માઈક વોલ્ટ્ઝને નિયુક્ત કર્યા બાદ ચર્ચાએ જોર પકડયું છે. વોલ્ટ્ઝ ‘ઇન્ડિયા કોક્સ’ના પ્રમુખ તરીકે પણ કાર્યરત છે. સાથે એ નોંધવું પણ જરૂરી છે કે, ‘ઇન્ડિયા કોક્સ’ એક એવું ગ્રુપ છે, જે ભારત અને અમેરિકાના સંબંધોને ખૂબ મજબૂત કરવા માટે કામ કરી રહ્યું છે. ઉપરાંત સૌથી મહત્વની બાબત તે છે કે, વોલ્ટ્ઝ સ્પષ્ટ દક્ષિણપંથી નેતા ગણવામાં આવે છે.
માઈક વોલ્ટ્ઝ 2019થી અમેરિકી પ્રતિનિધિ સભાના સભ્ય રહ્યા છે. તેઓ રાષ્ટ્રપતિ જો બાયડનની વિદેશનીતિના પ્રબળ ટીકાકાર પણ રહ્યા છે. તેઓ 2021માં બાયડન સરકારની અફઘાનિસ્તાનથી વાપસીની નીતિની પણ ખૂબ ટીકા કરી ચૂક્યા છે. તેઓ પહેલાંથી ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓના પ્રશંસક રહ્યા છે. ગયા અઠવાડિયે ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પણ વાઇટ હાઉસ સ્ટાફની નિયુક્તિ ઝડપથી કરી રહ્યા છે. જેમાં માઈક વોલ્ટ્ઝને NSA તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ચીન અને પાકિસ્તાન પર કડકાઈના રહ્યા છે પક્ષધર
સાથે એ પણ નોંધવા જેવું છે કે, માઈક વોલ્ટ્ઝ ચીન અને પાકિસ્તાન પ્રત્યે કડક વલણ અપનાવવા માટે પણ જાણીતા છે. તેમણે વર્ષ 2023માં એક ઇન્ટરવ્યુ દરમિયાન પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે પાકિસ્તાનની આતંકને વિદેશનીતિ તરીકે પ્રોત્સાહિત કરવાની પદ્ધતિની જાહેરમાં ટીકા પણ કરી હતી. આ ઉપરાંત તેઓ ચીનની તાનાશાહ કોમ્યુનિસ્ટ પાર્ટી પર પણ વારંવાર પ્રહાર કરતાં રહ્યા છે. તેવામાં NSA તરીકેની તેમની નિયુક્તિ ભારત માટે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
વર્ષ 2023માં જ માઈક વોલ્ટ્ઝે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના પીડિત તરીકે ભારતને ગણાવ્યું હતું. તેઓ 2023માં સ્વતંત્રતા દિવસ સમારોહ માટે ભારત આવ્યા હતા. તેઓ દેશમાં આવી રહેલા અમેરિકી ગ્રુપનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. ઉપરાંત મહત્વની વાત એ છે કે, ભારત સતત તેમના સંપર્કમાં રહ્યું હતું.