શુક્રવારે (8 નવેમ્બર) એક અગત્યનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટની (Supreme Court) 7 ન્યાયાધીશોની ખંડપીઠે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના (Aligarh Muslim University) લઘુમતીના દરજ્જા મામલે વર્ષ 1967નો કોર્ટનો એક ચુકાદો પલટાવી દીધો હતો. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતામાં 4:3થી આ નિર્ણય પસાર કરવામાં આવ્યો.
કોર્ટે કહ્યું કે, કોઈ સંસ્થા કાયદાથી સ્થાપિત કરવામાં આવી હોય તેટલા માત્રથી તે લઘુમતીનો દરજ્જો મેળવવા માટે સક્ષમ નથી તેમ ન કહી શકાય. હવે આ મામલે ત્રણ ન્યાયાધીશોની એક બેન્ચ નિર્ણય કરશે કે AMUને લઘુમતીનો દરજ્જો આપી શકાય કે નહીં અને આ માટે આધાર સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાનો લેવામાં આવશે.
આ મામલે કુલ ચાર અલગ-અલગ અભિપ્રાય આપવામાં આવ્યા. જેમાંથી એક ચુકાદો CJI ચંદ્રચૂડે તેમના અને અન્ય ત્રણ ન્યાયાધીશો જસ્ટિસ સંજીવ ખન્ના, જેબી પારડીવાલા અને મનોજ મિશ્રા વતી લખ્યો છે. જ્યારે જસ્ટિસ સૂર્યકાંત, દીપાંકર દત્તા અને સતીશ ચંદ્ર શર્માએ અસહમતિ દર્શાવી હતી.
આ સમગ્ર કેસ શું છે અને 1967નો એ ચુકાદો શું હતો એ સમજીએ અને એ પણ જાણીએ કે બંધારણનો આર્ટિકલ 30 શું છે, જેની ચર્ચા થઈ રહી છે.
પહેલાં AMUનો ઇતિહાસ જોઈએ. તેની સ્થાપના સૈયદ અહેમદ ખાને કરી હતી. તે સમયે તેનું નામ મુહમ્મદન એંગ્લો-ઓરિએન્ટલ કોલેજ હતું. સ્થાપના પાછળનો ઉદ્દેશ્ય ઇસ્લામિક નિયમોને વળગી રહીને મુસ્લિમોમાં શિક્ષણનું સ્તર સુધારવાનો હતો. પછીથી વર્ષ 1920માં બ્રિટિશ શાસન દરમિયાન અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી એક્ટ બનાવવામાં આવ્યો અને શિક્ષણ સંસ્થાને યુનિવર્સિટીનું સ્વરૂપ મળ્યું.
સ્વતંત્રતા પછી 1951માં આ એકટમાં સુધારો કરવામાં આવ્યો અને તેમાં મુસ્લિમો માટે ફરજિયાત મઝહબી શિક્ષણને દૂર કરી દેવામાં આવ્યું તથા યુનિવર્સિટી કોર્ટમાં વિશેષ મુસ્લિમ પ્રતિનિધિત્વ ખતમ કરીને બિનમુસ્લિમોને પણ સભ્ય બનવાની પરવાનગી આપવામાં આવી.
વર્ષ 1965માં આ કાયદામાં ફરીથી સંશોધન કરવામાં આવ્યું અને યુનિવર્સિટી કોર્ટની સત્તા પર નિયંત્રણ મૂકવામાં આવ્યું. બીજી તરફ, AMU એક્ઝિક્યુટિવ કાઉન્સિલને વધુ શક્તિ આપવામાં આવી. અર્થાત્, ત્યારથી યુનિવર્સિટી કોર્ટ સુપ્રીમ ગવર્નિંગ બોડી ન રહી અને સત્તા કાઉન્સિલ અને કોર્ટમાં વહેંચાઈ ગઈ. જેમાં એક્ઝિક્યુટિવમાં અમુક નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હતી.
આ સુધારાને પછીથી સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા હતા અને આ જ કેસ છે 1967નો, જેનો ચુકાદો હાલ સુપ્રીમ કોર્ટે પલટાવ્યો છે. અઝીઝ બાશા વર્સીસ યુનિયન ઑફ ઇન્ડિયા કેસમાં સુપ્રીમ કોર્ટે AMU એક્ટમાં 1951 અને 1965માં કરેલાં સંશોધનો પર સમીક્ષા કરી હતી.
સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલ કરવામાં આવી હતી કે, આ સંશોધનોના કારણે મુસ્લિમ સમુદાય, જેણે આ યુનિવર્સિટીની સ્થાપના કરી છે, તેની પાસેથી તેનું સંચાલન કરવાનો હક આંચકી લેવામાં આવ્યો છે. પરંતુ પાંચ જજોની બેન્ચે કાયદામાં થયેલા બંને સુધારાને માન્ય રાખ્યા હતા અને ઠેરવ્યું હતું કે AMU ન તો મુસ્લિમ લઘુમતી દ્વારા સ્થાપવામાં આવી હતી કે ન તેનું સંચાલન મુસ્લિમો કરે છે. કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીની સ્થાપના એક ખરડો પસાર કરીને કરવામાં આવી છે.
પરંતુ ત્યારબાદ દેશભરમાં પ્રદર્શનો થયાં અને મુસ્લિમ સમુદાયે દબાણ બનાવવા માંડ્યું. આખરે વર્ષ 1981માં ઈન્દિરા ગાંધીની સરકાર વખતે કેન્દ્ર સરકારે AMU એક્ટમાં ફરીથી સંશોધન કર્યું અને યુનિવર્સિટીને લઘુમતીનો દરજ્જો આપવામાં આવ્યો.
વર્ષ 2005માં AMUએ સૌપ્રથમ વખત પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ પ્રોગ્રામમાં મુસ્લિમોને 50% અનામત આપ્યું હતું. પરંતુ તેના બીજા જ વર્ષે અલ્હાબાદ હાઈકોર્ટે યુનિવર્સિટીનો આ અનામતનો આદેશ અને 1981માં સરકારે કરેલું સંશોધન- બંને રદ કરી દીધાં અને 1967ના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો આધાર લઈને ઠેરવ્યું કે AMU લઘુમતી સંસ્થા નથી.
ત્યારબાદ હાઇકોર્ટના આ આદેશને તત્કાલીન કેન્દ્ર સરકાર અને યુનિવર્સિટીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જોકે, મોદી સરકાર આવ્યા બાદ 2016માં કેન્દ્રે અપીલ પરત ખેંચી લીધી હતી. પછીથી વર્ષ 2019માં આ મામલો સુપ્રીમ કોર્ટની સાત જજોની બેન્ચ પાસે મોકલવામાં આવ્યો હતો. જે મામલે હવે ચુકાદો આપવામાં આવ્યો છે.
હાલના ચુકાદામાં કોર્ટે શું કહ્યું?
હાલના ચુકાદાને ટૂંકમાં સમજીએ તો સુપ્રીમ કોર્ટે ન તો હજુ AMUને લઘુમતીનો દરજ્જો આપ્યો છે કે ન આ મામલે કોઈ નિર્ણય કર્યો છે. સુપ્રીમે માત્ર વર્ષ 1967નો પોતાનો ચુકાદો પલટાવી દીધો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે AMUની સ્થાપના એક કાયદો પસાર કરીને કરવામાં આવી હોવાથી તેને લઘુમતી સંસ્થા ન ગણી શકાય.
હાલના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, માત્ર કાયદો પસાર કરવામાં આવ્યો છે તેને કારણ ન આપી શકાય અને કોર્ટે એ જોવું પડશે કે જે-તે સમયે તેની સ્થાપના કોણે કરી હતી અને તે પાછળ વિચાર કર્યો હતો. તપાસમાં કોર્ટ સંતુષ્ટ થાય તો બંધારણના આર્ટિકલ 30 હેઠળ AMUને લઘુમતીનો દરજ્જો મળી શકે છે.
હવે આ બાબત નક્કી કરવા માટે એક ત્રણ જજોની બેન્ચ બનાવવામાં આવી છે. જે વર્તમાન ચુકાદાનો આધાર લઈને નક્કી કરશે.
શું છે લઘુમતી દરજ્જો? કેન્દ્રનું શું સ્ટેન્ડ?
બંધારણના આર્ટિકલ 15(5) હેઠળ લઘુમતી શિક્ષણ સંસ્થાઓને SC/ST અનામતમાંથી બાકાત રાખવામાં આવી છે. પરંતુ AMUના લઘુમતી દરજ્જા મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાથી વર્ષ 2006માં સુપ્રીમ કોર્ટે યથાસ્થિતિ જાળવવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી યુનિવર્સિટીમાં હાલ એસટી/એસસી અનામત ક્વોટા નથી.
હાલની કેન્દ્ર સરકાર 1967ના સુપ્રીમ કોર્ટના ચુકાદાની તરફેણ કરી રહી છે. સરકારે કોર્ટ સમક્ષ દલીલ કરતાં કહ્યું હતું કે, જો AMUને લઘુમતી શિક્ષણ સંસ્થાનો દરજ્જો આપવામાં આવે તો ત્યાં ST, SC, OBC અને EWS માટે અનામત મળી શકશે નહીં અને મુસ્લિમોને 50% કે તેથી વધુ અનામત આપી શકશે. કેન્દ્રનું કહેવું છે કે, આટલી મોટી કક્ષાની શિક્ષણ સંસ્થા સેક્યુલર રહે એ જરૂરી છે.
વધુમાં, દરજ્જો મળવાથી AMUનું એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર પણ બદલાઈ જશે. હાલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ પાસે મોટાભાગની સત્તા છે, જેમાં વિવિધ ક્ષેત્રોમાં નિપુણતા ધરાવતા તજજ્ઞોને સ્થાન આપવામાં આવ્યું છે. ઉપરાંત, પછીથી દેશની અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ કરતાં AMUમાં એડમિશન લેવાની પદ્ધતિ પણ બદલાય જશે.
બીજી તરફ, AMUનું કહેવું છે કે લઘુમતીઓને પ્રાપ્ત વિશેષાધિકારો અનુસાર તેમને દરજ્જો મળવો જોઈએ. યુનિવર્સિટી ઓલ્ડ બોયઝ એસોશિએશન તરફથી એડવોકેટ કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું હતું કે, બંધારણનો આર્ટિકલ 30 જણાવે છે કે લઘુમતીઓના હકોને વિશેષ રક્ષણ પ્રાપ્ત છે. જેથી તેના હેઠળ જો લઘુમતી સંસ્થાનો દરજ્જો આપવામાં આવે તો એને આર્ટિકલ 15(5)ના ઉલ્લંઘન તરીકે ન જોવું જોઈએ.
શું છે બંધારણનો આર્ટિકલ 30?
બંધારણના આર્ટિકલ 30 હેઠળ દેશમાં લઘુમતી સમુદાયોના અધિકારોને રક્ષણ આપવામાં આવ્યું છે. તેના પહેલા ખંડનો ભાગ તૃતીય જણાવે છે કે, “બંધારણ તમામ ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓને પોતાની શિક્ષણ સંસ્થા સ્થાપવાનો અને તેનું સંચાલન કરવાનો અધિકાર આપે છે.”
આર્ટિકલ 30નો ભાગ 2 કહે છે કે, સરકાર કોઈ પણ શિક્ષણ સંસ્થા, જે લઘુમતીઓના સંચાલન હેઠળ હોય, તેને અનુદાન આપતી વખતે તેની સાથે ધર્મ કે ભાષાનો ભેદભાવ કરી શકશે નહીં. જોકે, આ આર્ટિકલમાં તો લઘુમતી કોણ છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પણ નેશનલ કમિશન ઑફ માઈનોરિટીઝ એક્ટના ખંડ 2(સી)માં કુલ છ સમુદાયોને લઘુમતીમાં સમાવવામાં આવ્યા છે- મુસ્લિમ, ખ્રિસ્તી, બૌદ્ધ, શીખ, જૈન અને પારસી.