અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump) ભવ્ય જીત થઈ છે. તેમણે ડેમોક્રેટ ઉમેદવાર અને ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસને હરાવીને ચૂંટણી જીતી. ટ્રમ્પે જીત મેળવ્યા બાદ ફ્લોરિડાના પામ બીચ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં સમર્થકોને સંબોધ્યા હતા. અહીં તેમણે કહ્યું કે, આ અમેરિકા માટે સુવર્ણ યુગ છે. તેમણે આ ચૂંટણીને અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું રાજકીય આંદોલન ગણાવ્યું અને અન્ય અનેક મુદ્દાઓ પર વાત કરી. તેમણે ફરી એક વખત ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’નું સૂત્ર આપ્યું હતું.
જીત મેળવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, “અમેરિકાવાસીઓનો આભાર. આપણે અશક્યને શક્ય બનાવ્યું છે. સેનેટ પર આપણું નિયંત્રણ છે. આ અમેરિકાવાસીઓની જીત છે. હું તમારા પરિવાર અને ભવિષ્ય માટે લડીશ.” આગળ ટ્રમ્પે કહ્યું કે, “આ અમેરિકાનો ‘સુવર્ણ યુગ’ હશે. આ અમેરિકન લોકો માટે એક મોટો વિજય છે અને આપણે અમેરિકાને ફરીથી મહાન બનાવીશું. અમેરિકાના ઇતિહાસની આ સૌથી મોટી ચૂંટણી છે. અમેરિકાના ભવિષ્ય માટે સાથે આપણે મળીને કામ કરીશું.”
‘સૌથી મોટું રાજકીય આંદોલન..’
ઉલ્લેખનીય છે કે જીત મેળવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે સુવર્ણ યુગની શરૂઆત કરવાની પ્રતિજ્ઞા લેતાં કહ્યું કે, “આ એક એવું આંદોલન હતું જે પહેલાં ક્યારેય કોઈએ નહીં જોયું હોય. સાચું કહું તો આ મારું માનવું છે કે આ અત્યાર સુધીનું સૌથી મોટું રાજકીય આંદોલન હતું. આ દેશમાં કદાચ આ પહેલાં આવું ક્યારેય બન્યું નથી.” ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે તેમના ભાષણ દરમિયાન, ટેસ્લાના વડા, એલોન મસ્કની પણ આ જીતમાં યોગદાન આપવા બદલ આભાર માન્યો અને તેમને નવા સ્ટાર ગણાવી અદ્ભુત વ્યક્તિ ગણાવ્યા હતા.
#WATCH | West Palm Beach, Florida | Republican presidential candidate #DonaldTrump says, "This is a political victory that our country has never seen before, nothing like this. I want to thank American people for the extraordinary honour of being elected your 47th President and… pic.twitter.com/1imTQrRpUL
— ANI (@ANI) November 6, 2024
ડોનાલ્ડ ટ્રમ્પે આગળ કહ્યું કે, “આપણે આપણા દેશની મદદ કરવા જઈ રહ્યા છીએ. આપણે દેશને મદદ કરીશું. આપણા દેશને હાલ મદદની ખૂબ જરૂર છે. આપણે આપણી સરહદો ઠીક કરીશું. આપણા દેશમાં બધું ઠીક કરીશું. આપણે આજની રાત્રે ઇતિહાસ રચી દીધો, અને તેનું એકમાત્ર કારણ એ છે કે આપણે એવા અવરોધોને પાર કર્યા જે કોઈએ વિચાર્યું પણ ન હતું. હવે સ્પષ્ટ છે કે આપણે સૌથી અવિશ્વસનીય રાજકીય જીત હાંસલ કરી છે.”
સંબોધનમાં ટ્રમ્પે તેમની હત્યાના થયેલા પ્રયાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. નોંધનીય છે કે જુલાઈ, 2024માં ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેઓ પેન્સિલવેનિયામાં એક સભા સંબોધી રહ્યા હતા ત્યારે એક ઇસમે ગોળીબાર કર્યો હતો, પણ ગોળી ટ્રમ્પના કાનને વીંધીને નીકળી ગઈ હતી.
ટ્રમ્પે આ ઘટનાને ઉલ્લેખીને કહ્યું કે, “ઘણા લોકો કહે છે કે ઈશ્વરે મને નવું જીવન આપ્યું છે તો તે પાછળ કંઇક મકસદ હોવો જોઈએ અને આ મકસદ હતો અમેરિકાને બચાવવાનો અને ફરીથી તેને મહાન દેશ બનાવવાનો. હવે આપણે સૌ સાથે મળીને તેને પૂર્ણ કરીશું અને હાંસલ કરીને રહીશું.”
‘આ અમેરિકાનો સુવર્ણ યુગ’
આગળ તેમણે કહ્યું કે, “આ એક રાજકીય જીત છે જે આપણા દેશે આ પહેલાં ક્યારેય જોઈ નથી, આના જેવી કોઈ જીત નથી. હું 47મા રાષ્ટ્રપતિ અને 45મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવાના અસાધારણ સન્માન માટે અમેરિકન લોકોનો આભાર માનું છું. હું તમારા માટે, તમારા પરિવાર માટે અને તમારા ભવિષ્ય માટે લડીશ. હું દરરોજ મારા શરીરના દરેક શ્વાસ સાથે તમારા માટે લડીશ. આપણાં બાળકો જે અમેરિકાનાં હકદાર છે એવું અમેરિકા જ્યાં સુધી નહીં બનાવી દઉં ત્યાં સુધી હું શાંતિથી નહીં બેસું. આ હકીકતમાં અમેરિકાનો સુવર્ણ યુગ હશે.”
તેમણે આગળ સેનાને મજબૂત બનાવવાની વાત કરતા કહ્યું કે, “હું સેનાને મજબૂત બનાવીશ. અમે યુદ્ધનો અંત લાવવા માંગીએ છીએ. મારી દરેક ક્ષણ અમેરિકા માટે છે. અમે જે વચન આપીએ છીએ તે પાળીએ છીએ. સમગ્ર અમેરિકા આ દિવસને યાદ કરશે. અમે દેશને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જઈશું.” આ ઉપરાંત તેમણે અમેરિકામાં થતી ઘૂસણખોરી રોકવાની પણ વાત કરી હતી.