Friday, November 22, 2024
More
    હોમપેજદેશ‘તમામ ખાનગી સંપત્તિ સામુદાયિક સંસાધન ન ગણી શકાય’: સુપ્રીમ કોર્ટની નવ જજોની...

    ‘તમામ ખાનગી સંપત્તિ સામુદાયિક સંસાધન ન ગણી શકાય’: સુપ્રીમ કોર્ટની નવ જજોની બેન્ચે જે ચુકાદો આપ્યો, તેનો શું અર્થ? શું છે સમગ્ર મામલો- જાણો

    આ ચુકાદામાં કોર્ટે બંધારણના આર્ટિકલ 39(b)નું પણ અર્થઘટન કર્યું અને ઠેરવ્યું કે બંધારણમાં અમુક નિજી સંપત્તિ કે સંસાધનોનો ઉલ્લેખ હોય તોપણ, તમામ પ્રકારની ખાનગી સંપત્તિને ‘સમુદાયના સંસાધન’ તરીકે ગણી શકાય નહીં. 

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે (Supreme Court) મંગળવારે (5 નવેમ્બર) એક ચુકાદામાં ઠેરવ્યું કે સરકાર તમામ પ્રકારની ખાનગી સંપત્તિને ‘સામુદાયિક સંસાધન’ ગણીને અધિગ્રહિત કરી શકે નહીં. CJI ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી 9 જજોની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો હતો. 

    આ ચુકાદામાં કોર્ટે બંધારણના આર્ટિકલ 39(b)નું પણ અર્થઘટન કર્યું અને ઠેરવ્યું કે બંધારણમાં અમુક નિજી સંપત્તિ કે સંસાધનોનો ઉલ્લેખ હોય તોપણ, તમામ પ્રકારની ખાનગી સંપત્તિને ‘સમુદાયના સંસાધન’ તરીકે ગણી શકાય નહીં. 

    ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે સાત ન્યાયાધીશો તરફથી આ ચુકાદો લખ્યો. જેમાં જસ્ટિસ ઋષિકેશ રૉય, જેબી પારડીવાલા, મનોજ મિશ્રા, રાજેશ બિંદલ, સતીશચંદ્ર શર્મા અને ઑગસ્ટિન જ્યોર્જ મસીહનો સમાવેશ થાય છે. જ્યારે જસ્ટિસ બીવી નાગરત્નાએ આંશિક સહમતિ દર્શાવતો અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ અસહમતિ દર્શાવતો ચુકાદો લખ્યો. આખરે 7:2થી ચુકાદો પસાર કરવામાં આવ્યો છે. 

    - Advertisement -

    કોર્ટે શું કહ્યું?

    ચુકાદામાં કોર્ટે કહ્યું કે, “આ બેન્ચ સમક્ષ સીધો પ્રશ્ન એ છે કે બંધારણના આર્ટિકલ 39(b)માં જે ‘મટીરીયલ રિસોર્સિસ ફોર કોમ્યુનિટી’નો (સમુદાયના ઉપયોગ માટેનાં ભૌતિક સંસાધનો) ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં ખાનગી સંસાધનોને પણ સમાવિષ્ટ કરી શકાય કે કેમ? થિયરીની રીતે જોઈએ તો જવાબ હા આવે છે, આ શબ્દસમૂહમાં ખાનગી માલિકીનાં સંસાધનોને પણ આવરી શકાય.”

    પરંતુ કોર્ટ આગળ કહે છે કે, અમે રંગનાથ રેડ્ડી કેસમાં જસ્ટિસ કૃષ્ણા ઐયરે જે અભિપ્રાય રજૂ કર્યો છે તેનાથી સહમત થઈ શકીએ તેમ નથી. ઉપરાંત, તેમના આધારે સંજીવ કોક કેસમાં પણ જે અભિપ્રાય આપવામાં આવ્યા તેનાથી કોર્ટ સહમત નથી. માત્ર એટલા માટે કે તે ‘ભૌતિક રીતે આવશ્યક જરૂરિયાતોને પૂર્ણ કરે છે’ તેનાથી વ્યક્તિની ખાનગી માલિકીનાં તમામ સંસાધનો ‘સમુદાય માટેનાં ભૌતિક સંસાધનો’ ન ગણી શકાય. 

    સુપ્રીમ કોર્ટે આગળ કહ્યું કે, સંસાધનને આ વ્યાખ્યામાં ગણવું જોઈએ કે નહીં તે નક્કી તેના નેચર પરથી કે લાક્ષણિકતાઓ પરથી થવું જોઈએ. અથવા સમુદાયના લાભ માટે તેની અસરો કે તે પ્રાઇવેટ પ્લેયરોના હાથમાં રહે તેનાં પરિણામો કેવાં આવે વગેરે જેવી બાબત પર નિર્ભર રહે છે. કોર્ટ કહે છે કે, ‘ડિસ્ટ્રિબ્યુશન’ શબ્દનો અર્થ બહુ વ્યાપક થાય છે અને વિભિન્ન સ્વરૂપોમાં સંબંધિત સંસાધનોને રાજ્યમાં નિહિત કરીને કે પછી તેનું રાષ્ટ્રીયકરણ કરીને સરકાર વિભિન્ન સ્વરૂપોમાં રહેલાં સંસાધનોની વહેંચણી કરી શકે છે. 

    કોર્ટે એવું પણ નોંધ્યું કે, જસ્ટિસ કૃષ્ણા ઐયર અને જસ્ટિસ ચિનપ્પા રેડ્ડી દ્વારા વ્યક્ત કરવામાં આવેલા વિચારો એક ચોક્કસ આર્થિક વિચારધારાને અનુરૂપ હતા અને એ બાબત સ્પષ્ટ છે કે બંધારણના નિર્માતાઓનો ઉદ્દેશ્ય દેશને કોઈ વિશેષ આર્થિક સિદ્ધાંતમાં જકડી રાખવાનો બિલકુલ ન હતો. 

    શું છે મૂળ મામલો? 

    આ મુદ્દો સૌથી પહેલાં 1992માં ઉઠ્યો હતો અને ન્યાયાલય સમક્ષ પ્રશ્ન એ હતો કે બંધારણના આર્ટિકલ 39(b)ની વ્યાખ્યા કરતી વખતે તેમાં ખાનગી સંસાધનોને પણ ધ્યાને લેવાં જોઈએ કે કેમ. 

    આર્ટિકલ 39(b) ખરેખર રાજ્યોને નીતિ ઘડવા માટે આપવામાં આવેલા નિર્દેશિત સિદ્ધાંતો પૈકીનો એક છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારોએ સમુદાયના લાભ માટે સામુદાયિક સંસાધનોની વહેંચણી માટે નીતિઓ ઘડવી જોઈએ. હવે આ ‘સામુદાયિક સંસાધન’ની વ્યાખ્યામાં ખાનગી સંપત્તિ પણ આવે કે કેમ, તે કોર્ટે નક્કી કરવાનું હતું. 

    આ સમસ્યા 1976ના મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ એક્ટ, 1976માં 1986માં કરવામાં આવેલા સુધારા બાદ ઉદ્ભવી હતી. જેમાં એક પ્રકરણ ઉમેરવામાં આવ્યું હતું, જેમાં અમુક વિશેષ પ્રકારની સંપત્તિઓના અધિગ્રહણની ચર્ચા કરવામાં આવી છે. એકટમાં જણાવવામાં આવ્યું કે, સરકારે જે-તે સંપત્તિના માસિક ભાડાના એકસો ગણી કિંમતે ચૂકવણી કરવી પડશે. આ સિવાય એકટમાં સેક્શન 1A પણ ઉમેરવામાં આવ્યો અને તેમાં કહેવામાં આવ્યું કે કાયદો બંધારણના આર્ટિકલ 39(b) પરથી બનાવવામાં આવ્યો છે. 

    આ મામલે વર્ષ 1978માં કર્ણાટક રાજ્ય વિ. રંગનાથ રેડ્ડી અને અન્યોના કેસમાં બે ચુકાદા આપવામાં આવ્યા હતા. આ કેસમાં જસ્ટિસ કૃષ્ણા ઐયરે કહ્યું હતું કે, ‘ભૌતિક સંસાધનો’માં તમામ પ્રકારનાં સંસાધનો આવી ગયાં- કુદરતી, માનવસર્જિત, જાહેર અને ખાનગી. આ જ કેસમાં એક ચુકાદો જસ્ટિસ ઊંટવાળાએ આપ્યો હતો, જેમણે કહ્યું હતું કે, તેઓ બંધારણના આર્ટિકલ 39(b) પર કોઈ મત વ્યક્ત કરશે નહીં. 

    આ મામલે પછીથી 1982માં સંજીવ કોક મેન્યુફેક્ચરિંગ વિ. ભારત કોકિંગ કોલ લિમિટેડના કેસમાં જસ્ટિસ ઐયરના વિચારો પ્રત્યે સહમતિ દર્શાવવામાં આવી હતી. ઉપરાંત, મફતલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિ. યુનિયન ઑફ ઇન્ડિયા કેસમાં પણ તેને અનુમોદન આપવામાં આવ્યું હતું. 

    ત્યારબાદ કેસ સાત જજની બેંચને મોકલવામાં આવ્યો હતો, જેમણે મોટી ખંડપીઠને કેસ મોકલ્યો હતો. વર્ષ 2022માં કેસ નવ જજની બેન્ચ સમક્ષ ગયો હતો. વીસ વર્ષ કોર્ટમાં રહ્યા બાદ આખરે 2024માં તેની ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મે, 2024માં તેની ઉપર ચુકાદો સુરક્ષિત કર્યા બાદ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં