લોક આસ્થાનું મહાપર્વ છઠ (Chhath Pooja) ભગવાન સૂર્ય અને તેમની પત્નીઓ ઉષા અને પ્રત્યુષાને સમર્પિત છે. ‘છઠ’ નામકરણ પાછળ કારણ એ છે કે પર્વ અમાવસ્યાના છઠ્ઠા દિવસે આવે છે. આ વખતે મંગળવારે (5 નવેમ્બર, 2024) આવે છે. આ દિવસે ‘નહાય-ખાય’ સાથે સૂર્યોપાસનાના મહાપર્વ છઠના ચાર દિવસીય અનુષ્ઠાનની શરૂઆત થઈ ચૂકી છે. 7 નવેમ્બરે ડૂબતા સૂર્યને અર્ધ્ય અપાશે. 8 નવેમ્બરે ઉગતા સૂર્યને અર્ધ્ય આપવાની સાથે 4 દિવસના મહાપર્વનું સમાપન કરવામાં આવશે.
પહેલા દિવસે છઠ વ્રતીઓ વહેલી સવારે નદીઓમાં સ્નાન કરે છે. શનિવારે આખો દિવસ ઉપવાસ કરીને સાંજે સૂર્યદેવની પૂજા કરીને પ્રસાદ ગ્રહણ કરવામાં આવશે. 7 નવેમ્બરના રોજ સાંજે ડૂબતા સૂર્યને અર્ધ્ય આપવામાં આવશે. 8 નવેમ્બરે ઉગતા સૂર્યને અર્ધ્ય આપીને આયુ-આરોગ્યતા, યશ, સંપદાના આશીર્વાદ લઈને પર્વ સંપન્ન કરવામાં આવશે.
સૂર્યદેવ અને છઠી મૈયા (ઉષા દેવી માટે પ્રયુક્ત નામ) આ પર્વના આરાધ્ય છે. તેની તૈયારી ઘણી શ્રમસાધ્ય અને સઘન હોય છે. ઉષા અને પ્રત્યુષા સૂર્યદેવની બે શક્તિઓ માનવામાં આવે છે અને તેમને અર્ધ્ય આપવામાં આવે છે. સંધ્યાકાળે આપવામાં આવતું પર્વનું પ્રથમ અર્ઘ્ય તેમની અંતિમ કિરણ પ્રત્યુષાને આપવામાં આવે છે અને પ્રાતઃ કાળનું અર્ધ્ય સૂર્યની પ્રથમ કિરણ ઉષાને.
છઠ પર્વ અને સૂર્યદેવની પૂજાનો ઉલ્લેખ ભારતનાં બંને મહાકાવ્યો મહાભારત અને રામાયણમાં પણ જોવા મળે છે. પ્રભુ શ્રીરામ વનવાસમાંથી પરત ફર્યા બાદ દેવી સીતા દ્વારા અયોધ્યાના રાજપરિવારના કુળદેવતાના રૂપમાં ભગવાન સૂર્યનારાયણની ઉપાસના તેમજ મહાભારતમાં ઇન્દ્રપ્રસ્થની મહારાણી દ્રૌપદી દ્વારા આ પર્વ મનાવવાનાં લેખિત પ્રમાણ જોવા મળે છે. સૂર્યપુત્ર કારણ મહાભારતનાં મુખ્ય પાત્રો પૈકીના એક છે. એટલું જ નહીં, દેવી ઉષા સ્વયં વૈદિક કાળનાં દેવી માનવામાં આવ્યાં છે, જેમની ઉપાસનામાં અનેક મંત્રો અને ઋચાઓ છે.
સમકાલીન પરંપરાની વાત કરીએ તો દિવાળી સમાપ્ત થતાં જ વિવિધ રાજ્યોમાં વસતા શ્રદ્ધાળુઓ સાથે ખાસ કરીને બિહારના લોકો છઠ પૂજાની તૈયારીમાં લાગી જાય છે. રાજ્યના દરેક ખૂણામાં છઠી મૈયાનાં ગીતો ગવાય છે. સૌથી પ્રચલિત ગીતો બિહારનાં જ પુત્રી અને પદ્મશ્રીથી સન્માનિત શારદા સિન્હાનાં હોય છે.
ગામો-કસ્બામાં સાફસફાઈ ચાલુ થઈ જાય છે, જે એક સામુદાયિક પ્રક્રિયા હોય છે. માત્ર પગાર મેળવતા સફાઈ કર્મચારીઓ નહીં પણ છઠ દરમિયાન સાફસફાઈ આખા બિહારની જવાબદારી હોય છે. ઘરથી લઈને ઘાટ સુધી જ્યાં પાણીના કિનારે અર્ધ્ય આપવાનું હોય ત્યાં કાંકરા-પથ્થર, ગંદકી, ઘાસફૂસ વગેરે તમામ દૂર કરીને આ સ્થાનો સાફ કરી દેવાય છે.
પહેલો દિવસ: નહાય-ખાય
આ દિવસે વ્રત કરનારી મહિલાઓ સવારે સ્નાન કરીને શાકભાજી, ભાત અને દાળનું સેવન કરે છે. દાળમાં ચણા સૌથી પ્રચલિત છે. જ્યારે શાકભાજીમાં દૂધી અને ચણાનું શાક. આ પ્રસાદનું ભોજન મીઠા વગરનું હોય છે. ત્યારબાદ આખો પરિવાર આ પ્રસાદ ગ્રહણ કરે છે.
આ જ દિવસે (કે આગલા દિવસે, સુવિધાનુસાર) વ્રતી મહિલાઓ પોતાના ઘરના અન્ય લોકોની મદદથી સૂર્યદેવતાને ચડાવવામાં આવતા પ્રસાદને બનાવવામાં વપરાતા ઘઉં ધોઈને સૂકવવા માટે નાખી દે છે. ઘરનાં બાળકોની એ જવાબદારી રહે છે કે ઘઉં ગંદા ન થાય તેનું ધ્યાન રાખે. આ દિવસે ચર્ચિત મીઠાઈ ઠેકુઆની પણ તૈયારી થાય છે. ઘઉં કાં તો ઘરે જ દળાય છે અથવા તો નજીકની ઘંટીમાં લઈ જવાય છે. આ જ લોટમાંથી મીઠાઈ, રોટલી અને પૂરી વગેરે બનાવવામાં આવે છે.
બીજો દિવસ: ખરના
વ્રતી મહિલાઓ આખો દિવસ ઉપવાસ કરે છે, એ પણ નિર્જળા. આ ઉપરાંત, તેમણે સ્વચ્છતા, શૌચ-અશૌચના પણ કઠોર નિયમોનું પાલન કરવું પડે છે. સાંજે તેઓ સ્વયં પરિવાર માટે ભોજન બનાવે છે, જેમાં પુરી અને ખીર મુખ્ય હોય છે. ખીરમાં એક પણ ટીપું પાણી વપરાતું નથી અને દૂધ એ જ ગાયનું વાપરવામાં આવે છે, જેનું વાછરડું જીવિત રહે છે.
સાંજે ભોજન બનાવવા પહેલાં વ્રતિન પૂજા માટે બેસે છે. દેવતાઓને (જેમાં ગ્રામ અને કુળના દેવી-દેવતાઓ પણ સામેલ હોય છે) નૈવૈદ્યનો ભોગ લાગે છે. આ નૈવૈદ્યમાં રોટલી, ખીર અને કેળાં હોય છે અને આ ભોગ કેળાનાં પાન પર જ લાગે છે.
વ્રતિન જ્યારે પૂજા કરે ત્યારે ઘરમાં શાંતિનો માહોલ હોય છે, જેથી તેમનું ધ્યાન ભંગ ન થાય. ત્યારબાદ મહિલાઓ પ્રસાદ ગ્રહણ કરીને ઉપવાસનું પારણ કરે છે. તેઓ થાળમાં અમુક ભોજન બાકી રાખે છે, જેને પછીથી ઘટના બાકીના સભ્યો પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે. નૈવૈદ્યના પ્રસાદ બાદ આખું ઘર ખીર અને પૂરી ગ્રહણ કરે છે.
ત્રીજો દિવસ: સંધ્યા અર્ધ્ય
ત્રીજા દિવસે ઉપવાસ ફરી શરૂ થઈ જાય છે અને લગભગ 36 કલાક જેટલો ચાલે છે, જે પણ નિર્જળા હોય છે. આ દિવસે પરિવારના બાળકો કે યુવા એક ટોપલી અને સૂપડું તૈયાર કરે છે. જેમાં ઠેકુઆ, લાડુ અને ઘર પાસે ઉગતો કોઈ પાક હોય છે. પુરુષો આ ટોપલી લઈને ઘાટ સુધી જાય છે અને રસ્તામાં સફાઈ, પાણીનો છંટકાવ વગેરે દ્વારા સ્વચ્છતા જાળવી રાખવામાં આવે છે.
ઘાટ પર ટોપલી ખોલીને મૂકી દેવાય છે. ત્યારબાદ વ્રતિન જળમાં સ્નાન કરીને સૂર્ય અને પ્રત્યુષાની વંદના કરે છે. ત્યારબાદ પરિવાર સાથે અર્ધ્ય અર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ વ્રતિન ફરીથી સ્નાન કરે છે અને ત્યારબાદ ઘાટ પર પૂજા થાય છે. જેમાં આરાધના, પુષ્પાંજલિ, ધૂપ ચડાવવું અને અગરબત્તી સળગાવવું વગેરે સામેલ છે. ટોપલી પુરુષો ફરી ઘરે લઈ આવે છે અને રાત્રિ દરમિયાન એવા સ્થાને સ્થાપિત કરવામાં આવે છે, જ્યાં ભૂલથી પણ સ્પર્શ ન થાય કે કોઈનો પગ ન લાગે.
ચોથો દિવસ: ઉષા અર્ધ્ય
સાંજના અર્ધ્યની જ પ્રક્રિયા અહીં ફરીથી કરવામાં આવે છે. ટોપલી લઈને ઘાટ પર પહોંચે છે, જ્યાં વ્રતિન પાણીમાં ઊતરીને સૂર્યોદયની રાહ જુએ છે. સૂર્યદેવ દેવી ઉષા સાથે પ્રગટ થાય એટલે યુગલને જળ અને દૂધનું અર્ધ્ય અર્પણ કરવામાં આવે છે.
ત્યારબાદ ટોપલી ફરી ઘરે લઈ જઈને પરિવારના લોકો અને પાડોશીઓમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. વ્રતિન જળાશયમાંથી બહાર આવે ત્યાં સુધી આખો પરિવાર પણ તેમની પ્રતીક્ષા કરે છે.
વ્રતિન જળાશયમાંથી આવીને નવાં વસ્ત્રો ધારણ કરે છે અને ઘરની અન્ય મહિલાઓ સાથે પરત ફરે છે. રસ્તામાં ખેતરમાં તેઓ માટીની પણ પૂજા કરે છે. જેને ભૂમિની ઉર્વરા શક્તિ પ્રત્યે કૃતજ્ઞતા જ્ઞાપન માનવામાં આવે છે.
જ્યારે વ્રતિન ઘરે પહોંચે ત્યારે ઘરના તમામ સભ્યો તેમનાં ચરણસ્પર્શ કરીને આશીર્વાદ મેળવે છે. તેમની વાણીમાં તે સમયે માતા ઉષા કે છઠી મૈયાનો નિવાસ હોય છે તેમ માનવામાં આવે છે. પ્રસાદ ઉપરાંત, આ સમયે મુખ્ય ભોજન દૂધી અને ભાત હોય છે.
ટોપલીની સામગ્રીઓનું મહત્વ
દરેક પરિવારમાં ટોપલીની સંખ્યા જુદી-જુદી હોય છે. એક, બે, ત્રણથી લઈને અમુક પરિવારોમાં તો સંખ્યા 10ની પાર પણ જતી રહે છે. આ સંખ્યા એની ઉપર પણ નિર્ભર રહે છે કે ઘરના લોકોએ છઠી મૈયા પાસે કેટલી ટોપલીની માનતા માની હતી.
ઉદાહરણ તરીકે કોઈ ઘરનું વ્યક્તિ ગંભીર રીતે બીમાર હોય તો ઘરની વયોવૃદ્ધ મહિલા અમુક વર્ષો (કે બની શકે કે કાયમ માટે) એક નિશ્ચિત સંખ્યાની માનતા માને છે. ઘણી વખત એવું થાય છે કે લોકો પોતાના જ નહીં, પાડોશીઓ માટે પણ માનતા માને છે.
‘કષ્ટ લેવું’
આ અર્ધ્યના બે દિવસોની સાંજે અને સવારે સમાન્ય બાબત છે. અનેક લોકો, સમાન્ય રીતે પુરુષો, નાના ચપ્પુ કે એવી કોઈ ધાતુવાળી વસ્તુ સાથે સૂર્ય તરફ ચહેરો કરીને દંડ પ્રણામ કરતાં-કરતાં ઘાટ સુધી પહોંચે છે.
તેઓ ખરેખર શું કરતા હોય છે?
તેઓ પોતાના ઘરથી નીકળીને સૂર્યને પ્રણામ કરે છે અને જમીન પર સૂઈને પોતાના શરીરની લંબાઈ જેટલું અંતર કાપે છે. આ અંતરનું તેઓ ખીલી કે ચપ્પુ વડે નિશાન બનાવી દે છે. ત્યારબાદ તેઓ ઉઠીને ફરી સૂર્યને પ્રણામ કરે છે અને નિશાનવાળી જગ્યાએ પગ મૂકીને ફરી દંડવત પ્રણામ કરે છે. ફરી માથાની જગ્યાએ નિશાન લગાવે છે…આ પ્રક્રિયા છેક ઘાટ સુધી ચાલતી રહે છે.
આ માત્ર સાંભળવામાં જ નહીં, પણ કરવામાં પણ બહુ કઠિન પ્રક્રિયા છે. આમ કરનારે કાં પોતે મન્નત માની હોય છે, અથવા તેના માટે તેની મા, દાદી-નાનીએ તેના કલ્યાણ માટે માનતા માની હોય છે. આ આરાધના વિધિને ‘કષ્ટ લેવું’ કહેવાય છે.
આ એટલું જટિલ હોય છે કે આ માનતા બહુ મોટી વિપત્તિના ઉપાય તરીકે જ રાખવામાં આવે છે. જેમકે, કોઈનો અકસ્માત થઈ ગયો હોય કે પછી અન્ય કારણથી કોઈના પ્રાણ સંકટમાં પડી ગયા હોય. ત્યારે જ આ પ્રકારના કષ્ટના અર્પણ બદલે દેવતાઓ પાસે સહાય માંગવામાં આવે છે.
જોકે, ‘કષ્ટ લેવું’વાળી પ્રક્રિયા સામાન્યતઃ પુરુષો જ કરતા હોય છે, પણ તેનાથી જ સંબંધિત એક સંસ્કરણ સ્ત્રીઓ માટે પણ હોય છે. આ માટે તેમણે જળાશયમાં સૌથી પહેલાં પહોંચી જવાનું રહે છે. એટલે કે જે મહિલાઓએ આ માનતા ન રાખી હોય તેમનાથી પહેલાં પહોંચીને અર્ધ્યની પ્રક્રિયા સમાપ્ત કરીને તેમના પછી નીકળવાનું હોય છે. ઑક્ટોબર અંત અને નવેમ્બરના પ્રારંભમાં ઠંડીમાં સૂર્યોદય પહેલાં આવું કરવું ઘણું કઠિન કામ છે.
બિહારમાં છઠી મૈયા પાસે મા, દાદી, નાની હંમેશા પ્રાર્થના કરતાં રહે છે. એવી માન્યતા છે કે મા ઉષા પોતાનાં સંતાનોનું હંમેશા ધ્યાન રાખે છે. આ ‘કષ્ટ મા ઉષાનાં સંતાન હોવા પ્રત્યે આભાર પ્રગટ કરવાનો એક માર્ગ છે.
વિશ્વાસ જ આપણને સૌને એક સૂત્રમાં પરોવે છે. છઠ પૂજા આખા પરિવારને એકસાથે લાવે છે. વ્રતિનને ઘરમાં સૌથી વધુ સન્માન આપવામાં આવે છે અને બાળકોમાં તેમની સેવા કરીને આશીર્વાદ લેવાની જાણે હોડ મચેલી રહે છે.
આ પર્વ પૃથ્વી પર સાક્ષાત દેખાતા એકમાત્ર દેવતાને ધન્યવાદ અર્પિત કરવાનો એક માર્ગ છે, જેમના અનુગ્રહથી પૃથ્વી પર જીવન અને પ્રાણનો સંચાર થાય છે. આ એ સૂર્યદેવ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવાનો એક માર્ગ છે, જેમના કિરણો વગર આખું બ્રહ્માંડ મૃત થઈ જશે. તેઓ માત્ર જીવન નથી આપતા, પણ કિરણોથી વ્યાધિઓનો નાશ કરીને આપણું પાલન પણ કરે છે. છઠ પર તેમને અને તેમની શક્તિઓ ઉષા અને પ્રત્યુષાને આભાર જ્ઞાપિત કરવામાં આવે છે.
(ઑપઇન્ડિયા હિન્દીના પૂર્વ સંપાદક અજીત ભારતીના મૂળ લેખમાં જરૂરી સંપાદકીય ફેરફારો કરીને અહીં પુનઃ પ્રકાશિત કરવામાં આવ્યો છે.)