Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણજમ્મુ-કાશ્મીર વિધાનસભાના પહેલા સત્રમાં જ કલમ-370ને લઈને હોબાળો, PDPએ પુનઃસ્થાપિત કરવાની માંગ...

    જમ્મુ-કાશ્મીર વિધાનસભાના પહેલા સત્રમાં જ કલમ-370ને લઈને હોબાળો, PDPએ પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે રાખ્યો પ્રસ્તાવ: ભાજપનો વિરોધ

    PDPના ધારાસભ્ય વાહીદ પારાએ રાજ્યને વિશેષ અધિકારો પરત આપવા માટેની માંગ સાથે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે જમ્મુ-કાશ્મીરને ફરીથી વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી (Jammu Kashmir) અને ત્યારબાદ સરકારની રચના બાદ હવે વિધાનસભા સત્ર શરૂ થયું છે. દરમ્યાન, સોમવારે (4 નવેમ્બર) સત્રના પહેલા જ દિવસે હોબાળો મચી ગયો. કારણ એ હતું કે મહેબૂબા મુફ્તીની પાર્ટી PDPએ આર્ટિકલ 370 (Article 370) પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેની ઉપર ભાજપ ધારાસભ્યોએ કડક વિરોધ નોંધાવ્યો.

    PDPના ધારાસભ્ય વાહીદ પારાએ રાજ્યને વિશેષ અધિકારો પરત આપવા માટેની માંગ સાથે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં આર્ટિકલ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયની ટીકા કરીને તેને પુનઃસ્થાપિત કરવાની વાત કહેવામાં આવી. તેમને AIP પાર્ટીના ધારાસભ્ય શેખ ખુર્શીદે સમર્થન આપ્યું હતું. આ મામલે સ્પીકરનું કહેવું છે કે હજુ સુધી તેમની સમક્ષ પ્રસ્તાવ આવ્યો નથી. તેનું વાંચન કર્યા બાદ આગળ તેઓ નિર્ણય લેશે.

    પ્રસ્તાવ ઉપર સીએમ ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, “અમને ખબર હતી કે એક સદસ્ય દ્વારા તૈયારી કરવામાં આવી રહી હતી. વાસ્તવિકતા એ છે કે જમ્મુ કાશ્મીરના લોકોએ 5 ઑગસ્ટ, 2019ના રોજ લેવામાં આવેલા નિર્ણયને નથી સ્વીકાર્યો. જો સ્વીકાર્યો હોત તો પરિણામો આજે જુદાં હોત. ગૃહ આ બાબત પર કેવી રીતે વિચાર કરશે અને તેના પર કેવી રીતે ચર્ચા કરશે તે કોઈ એક વ્યક્તિ નક્કી નહીં કરે. આજે લાવવામાં આવેલા પ્રસ્તાવનું કોઈ મહત્વ નથી.”

    - Advertisement -

    ભાજપ આકરા પાણીએ

    બીજી તરફ આ આખા ઘટનાક્રમથી ભારતીય જનતા પાર્ટી આકરા પાણીએ જોવા મળી. પીડીપી ધારાસભ્યે પ્રસ્તાવ રજૂ કર્યા બાદ ભાજપે વિધાનસભામાં તેનો વિરોધ કર્યો. ભાજપે માંગ કરી હતી કે આ પ્રસ્તાવનો અસ્વીકાર કરીને ટિપ્પણીઓને વિધાનસભાના રેકર્ડ પરથી હટાવી લેવામાં આવે.

    આ મામલે નવા સ્પીકર ચૂંટાયેલા નેશનલ કૉન્ફરન્સના ધારાસભ્ય અબ્દુલ રહીમ રાથરે કહ્યું હતું કે, પ્રસ્તાવ મારા સુધી નથી પહોંચ્યો. એક વાર પ્રસ્તાવ મારા સુધી આવે, હું તેની તપાસ કરું, તેને વાંચું અને ત્યારબાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે. દરમ્યાન, વિધાનસભામાં ઉગ્ર ચર્ચા થઈ અને હોબાળો પણ મચી ગયો હતો.

    નોંધનીય છે કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરની વિધાનસભાનું પ્રથમ સત્ર શરૂ થઇ ગયું છે. નેશનલ કોન્ફરન્સ (NC)ના નેતા અને ચરાર-એ-શરીફ બેઠક પરથી સાત વાર ધારાસભ્ય રહી ચૂકેલા અબ્દુલ રહીમ રાથરને વિધાનસભાના અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા છે. વિધાનસભાનું આ પ્રથમ સત્ર પાંચ દિવસ ચાલશે. અબ્દુલ રહીમ રાથર 80 વર્ષના છે અને તેઓ આ પહેલાં ત્રણ વખત વિધાનસભા અધ્યક્ષનું પદ સાંભળી ચૂક્યા છે. તેઓ 2002થી 2008 સુધી વિપક્ષ નેતા પણ રહી ચૂક્યા છે. બીજી તરફ ભાજપના નરેન્દ્રસિંહ રૈનાને વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. વિપક્ષ નેતાની જવાબદારી સુનીલ શર્માને સોંપવામાં આવી છે.

    કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કૉન્ફરન્સને બહુમતી મળી હતી, ત્યારબાદ ઉમર અબ્દુલ્લા મુખ્યમંત્રી બન્યા. જોકે, કોંગ્રેસ પાર્ટી પણ નેશનલ કૉન્ફરન્સ સાથે ગઠબંધનમાં હતી, પરંતુ સરકારમાં સામેલ થઈ નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં