લદાખના (Ladakh) ન્યોમા ખાતે ભારતનું અત્યાધુનિક એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ (ALG) લગભગ બનીને તૈયાર થઈ ચૂક્યું છે, જે ચીન (China) સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે સ્થિત છે. તેને 13,700 ફૂટની ઉંચાઈ પર બનાવવામાં આવ્યું છે અને તેમાં 3 કિલોમીટર લાંબો રનવે પણ છે, જેનો ઉપયોગ ઇમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક ધોરણે કરી શકાય છે. વાયુસેનાએ (Indian Air Force) બનાવેલું આ એરફીલ્ડ ઘણી રીતે ભારતીય સેનાને મદદ પણ પૂરી પાડી શકે તેમ છે.
આ પ્રોજેક્ટ મોદી સરકારે વર્ષ 2021માં શરૂ કર્યો હતો અને સરકારે તેના માટે ₹214 કરોડનું બજેટ પણ ફાળવ્યું હતું. આ ALGના તૈયાર થવાથી ભારતીય સુરક્ષાદળોને ઝડપથી ઉત્તરીય સરહદ સુધી પહોંચવામાં મદદ કરશે.
ન્યોમા ALGનું સ્ટેટજીક લોકેશન તેને બનાવે છે ખાસ
લદ્દાખમાં ન્યુમા ALGનું સ્થાન તેને વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ બનાવે છે. તે LAC ની સૌથી નજીકનું એરપોર્ટ છે, જે મુશ્કેલ પર્વતીય વિસ્તારોમાં ભારતીય વાયુસેનાને સીધી પહોંચ પ્રદાન કરશે. ભારત-ચીન તણાવ દરમિયાન આવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત વધુ મહત્વપૂર્ણ બની જાય છે. તાજેતરના વર્ષોમાં ગલવાનમાં બનેલી ઘટના બાદ ભારત અને ચીન વચ્ચે વિવાદિત વિસ્તારોમાં ઘણીવાર તણાવ રહે છે. આ નવું એરસ્ટ્રીપ દ્વારા ભારત તેની વ્યૂહાત્મક અને લોજિસ્ટિક ક્ષમતાઓને ઘણી હદ સુધી વધારી શકે છે, કારણ કે LACથી તેનું અંતર માત્ર 30 કિમી છે.
દૌલત બેગ ઓલ્ડી માટે સરકારથી છુપાવીને વાયુસેનાએ કર્યું હતું કામ
અગાઉ અન્ય એરસ્ટ્રીપ દૌલત બેગ ઓલ્ડી (DBO) 2008માં સરકારની પરવાનગી વિના ફરીથી ખોલવામાં આવ્યું હતું. આ એરસ્ટ્રીપ 16,614 ફૂટની ઉંચાઈ પર આવેલું છે અને તેનો ઉપયોગ એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ તરીકે પણ થાય છે. 43 વર્ષ સુધી બંધ રહ્યા બાદ તેને તત્કાલીન વાયુસેનાના ડેપ્યુટી ચીફ એર માર્શલ પીકે બારબોરાએ ફરી શરૂ કર્યું હતું.
વર્ષ 2020માં પીકે બારબોરાએ કહ્યું હતું કે, આ મિશનને સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવ્યું હતું અને તત્કાલિન સંરક્ષણ મંત્રીને પણ મિશન પૂરું થયા બાદ જ તેની જાણકારી આપવામાં આવી હતી. બારબોરાએ કહ્યું કે, જો તેણે સરકાર પાસેથી લેખિત પરવાનગી માંગી હોત, ઘણી વખતની જેમ, તેની યોજના રોકી શકાઈ હોત. તેથી તેણે તેના સમકક્ષ અધિકારીઓ સાથે વાત કર્યા પછી અને કોઈપણ લેખિત આદેશ વિના દૌલત બેગ ઓલ્ડીને ફરીથી શરૂ કરવાનું નક્કી કર્યું હતું.
આ વખતે સરકારે ખૂલીને કર્યું વાયુસેનાનું સમર્થન
આ વખતે ન્યોમા ALGની સ્થાપનાને સરકાર તરફથી સંપૂર્ણ સમર્થન મળ્યું છે. સરકારે ન માત્ર બજેટ ફાળવ્યું પરંતુ સેનાને સંપૂર્ણ સ્વતંત્રતા પણ આપી છે. ભારત અને ચીન વચ્ચેના તાજેતરના તણાવને કારણે ભારતે તેની સરહદો પર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે ઝડપથી કામ કર્યું છે. આ વ્યૂહરચના દર્શાવે છે કે, ભારત પોતાની સરહદોની સુરક્ષાને લઈને ગંભીર છે અને કોઈપણ ઈમરજન્સીમાં તાત્કાલિક પગલાં લેવા માટે તૈયાર છે.
સેનાની સાથે નાગરિકોને પણ થશે લાભ
ન્યોમા ALGના શરૂ થયા બાદ LAC પરની ઓપરેશન ક્ષમતામાં ભારતની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. સેના હવે ઉચ્ચ અને દુર્ગમ વિસ્તારોમાં ઝડપથી પહોંચી શકશે. વધુમાં આ ALG નાગરિક વિસ્તારોમાં કનેક્ટિવિટી પણ સુધારશે, જેનાથી સ્થાનિક રહેવાસીઓના જીવનની ગુણવત્તામાં સુધારો થશે. આ એરસ્ટ્રીપનો ઉપયોગ સ્થાનિક મુસાફરી માટે થઈ શકે છે, જેથી પુરવઠો અને અન્ય જરૂરિયાતો સમયસર પૂરી થઈ શકે.