દિવાળીના દિવસે એટલે કે ગુરુવારે (31 ઑક્ટોબર, 2024) શિવસેનાએ (Shivsena-UBT) રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને (CEO) એક પત્ર લખ્યો હતો. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, રાજ ઠાકરેના નેતૃત્વવાળી ‘મહારાષ્ટ્ર નવનિર્માણ સેના’એ (MNS) દિવાળીના તહેવાર દરમિયાન મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત દાદર વિસ્તારમાં છત્રપતિ શિવાજી મહારાજ પાર્કમાં (Shivaji Maharaj Park) દીપોત્સવનું (Deepotsav) આયોજન કરીને આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.
શિવસેનાએ (ઉદ્ધવ ઠાકરે જુથ) કહ્યું કે, દીપોત્સવનો તમામ ખર્ચ રાજ ઠાકરેના પુત્ર અને માહિમ મતવિસ્તારના મનસે ઉમેદવાર અમિત ઠાકરેના ચૂંટણી ખર્ચમાં સામેલ કરવામાં આવવો જોઈએ. અહીં નોંધવા જેવું છે કે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દર વર્ષે દીપોત્સવ મનાવે છે, પરંતુ આ વર્ષે શિવસેનાએ તેનો વિરોધ કર્યો છે અને આદર્શ આચારસંહિતા ભંગ થઈ હોવાનું કારણ આપ્યું છે.
શિવસેનાના (UBT) ડેપ્યુટી સેક્રેટરી પારસનાયકે ગુરુવારે (31 ઑક્ટોબર) એક નિવેદન જારી કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, “આખા રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ છે. જોકે, તેમ છતાં બૃહન્મુંબઈ મહાનગરપાલિકાએ મનસેને છત્રપતિ શિવાજી મહારાજ પાર્કમાં દીપોત્સવની ઉજવણી કરવાની મંજૂરી આપી દીધી છે, તે પાર્ક મહાનગરપાકિલાના અધિકાર ક્ષેત્રમાં આવતો હોવા છતાં મંજૂરી આપી દેવાઈ છે. મનસેએ પાર્ટીના બેનરો લગાવ્યા, દરવાજા લગાવ્યા અને વિસ્તારમાં લાલટેન પણ લગાવી હતી. આ આદર્શ આચારસંહિતાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.”
પારસનાયકે વધુમાં કહ્યું કે, દીપોત્સવ દરમિયાન મનસેના ઉમેદવાર અમિત ઠાકરે ત્યાં હાજર હતા. તેમણે દલીલ કરી કે, આ આયોજનના ખર્ચને અમિત ઠાકરેને માહિમ વિધાનસભા ચૂંટણીના ખર્ચમાં ગણવામાં આવવો જોઈએ. આ ઉપરાંત તેમણે ચૂંટણી પંચને પત્ર લખીને ઉજવણીની મંજૂરી આપનારા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી પણ કરી છે.
બાળાસાહેબની વિરાસતનું અપમાન કરી રહ્યા છે ઉદ્ધવ- ભાજપ
બીજી તરફ આ ઘટનાને લઈને ભાજપ પણ મેદાને ઉતરી આવ્યું છે. ભાજપે હિંદુ તહેવારોની ઉજવણીમાં સમસ્યા ઊભી કરવાને લઈને શિવસેના (UBT) પર આકરા પ્રહાર કર્યા છે. મુંબઈ ભાજપના આધિકારિક સોશિયલ મીડિયા હેન્ડલ પર કહેવામાં આવ્યું છે કે, “છત્રપતિ શિવાજી પાર્ક મુંબઈનું એક ઐતિહાસિક સ્થળ છે. જે હિંદુત્વ પર સ્વર્ગીય બાળાસાહેબ ઠાકરેના ઐતિહાસિક ભાષણોની વિરાસતનું પ્રમાણ છે. વારસાનું આવું અપમાન અને પતન તેમના પોતાના પુત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. શું હિંદુ તહેવાર ઔરંગઝેબ ફેન ક્લબને નુકસાન પહોંચાડે છે?”
Chhatrapati Shivaji Park, a historical place in Mumbai a testimony to the legacy of Swargiya Balasaheb Thackeray's historical speeches on Hindutva.
— BJP Mumbai (@BJP4Mumbai) October 31, 2024
Such a downfall to the legacy being tainted by his own son @OfficeofUT as UBT has gone to Election Commission complaining over… pic.twitter.com/K3BeU1W0p1
આ ઉપરાંત મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ ઉદ્ધવ સેના પર આકરા પ્રહાર કર્યા છે. મનસે નેતા બાલા નંદગાંવકરે કહ્યું છે કે, “અમે ઘણા વર્ષોથી અહીં દીપોત્સવ મનાવીએ છીએ. તેનો અમિત ઠાકરેના ચૂંટણી અભિયાન સાથે કોઈ સંબંધ નથી. શિવસેના (ઉદ્ધવ જુથ) એક હિંદુ તહેવાર પર એટલા માટે વાંધો ઉઠાવી રહી છે કારણ કે તેણે હિંદુ વિચારધારાનું પાલન બંધ કરી દીધું છે. હવે તેણે આધિકારિક રીતે પોતાનો ધર્મ બદલી લેવો જોઈએ.”