Saturday, November 2, 2024
More

    X પર લૉરેન્સ બિશ્નોઈ ગેંગને ધમકી આપતા રહ્યા પપ્પુ યાદવ, પત્નીએ કહ્યું- પરિવારને આ નિવેદનો સાથે કંઇ લાગતું-વળગતું નથી

    મહારાષ્ટ્રના નેતા બાબા સિદ્દીકીની હત્યામાં લૉરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યા બાદ બિહારના પૂર્ણિયાથી સાંસદ પપ્પુ યાદવે X પર લખ્યું હતું કે, કાયદો અનુમતિ આપે તો તેઓ 24 કલાકની અંદર લૉરેન્સ ગેંગની ખતમ કરી નાખશે. હવે તેમની પત્નીએ જ તેમના આ નિવેદનથી કિનારો કરી લીધો છે. 

    પપ્પુ યાદવનાં પત્ની અને કોંગ્રેસનાં રાજ્યસભા સાંસદ રંજીત રંજને કહ્યું કે, તેમને કે પરિવારને પપ્પુ યાદવના નિવેદનો સાથે કશું જ લાગતું-વળગતું નથી. 

    તેમણે કહ્યું, “પપ્પુજી અને મારું રાજનીતિક કરિયર અલગ-અલગ છે અને અમારી વચ્ચે મતભેદ પણ છે. છેલ્લાં દોઢ-બે વર્ષથી અમે અલગ પણ રહીએ છીએ. તેમણે જે નિવેદન આપ્યું છે તેનાથી મને કે બાળકોને કશું જ લાગતું-વળગતું નથી.”

    તેમણે આ ઘટનાક્રમને કાયદો-વ્યવસ્થાનો મુદ્દો ગણાવ્યો અને કહ્યું કે, જે કરશે એ સરકારે કરવાનું છે પરંતુ પરિવારને પપ્પુ યાદવના આ નિવેદન સાથે કોઈ સંબંધ નથી. 

    નોંધવું જોઈએ કે પપ્પુ યાદવે ઉત્સાહમાં આવીને આ ફાંકા તો મારી દીધા હતા પરંતુ પછીથી લૉરેન્સ ગેંગમાંથી કથિત રીતે તેમને ધમકીભર્યો ફોન આવતાં તેમણે તરત સરકાર સમક્ષ સુરક્ષાની પણ માંગ કરી દીધી હતી.