બુધવાર 30 ઓક્ટોબરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાને (Amanatullah Khan) દિલ્હી રમખાણોના (Delhi Riots) પીડિતોને મદદ કરવા માટે ભંડોળ એકત્ર કરવાના બહાને બેન્ક ખાતું ખોલાવ્યું હતું. આ ખાતામાં રાખવામાં આવેલી રકમનો જ એક ભાગ તેમણે ઉપાડી લીધો હતો. આ મામલે EDએ દિલ્હીની વિશેષ PMLA કોર્ટમાં અમાનતુલ્લા ખાન અને તેમની બીજી બીવી મરિયમ સિદ્દીકી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ મામલે સુનાવણી 4 નવેમ્બરે થવાની છે.
ઉલ્લેખનીય છે અમાનતુલ્લા ખાન પર મની લોન્ડરિંગનો આ મામલો તેઓ જયારે દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ હતા તે સમયે કરેલી ગેરરીતિઓ સાથે જોડાયેલો છે. AAP નેતા વર્ષ 2016-21 સુધી દિલ્હી વક્ફ બોર્ડના (Waqf Board) અધ્યક્ષ હતા. આ દરમિયાન તેમણે આચરેલી ગેરરીતિઓના મામલા અંગે અગાઉ પણ ઘણા અહેવાલો આવ્યા હતા. વર્તમાનમાં તેઓ ઓખલા સીટ પરથી દિલ્હી વિધાનસભાના સદસ્ય છે.
EDએ અમાનતુલ્લા ખાન પર આરોપ લગાવ્યો હતો કે તેમણે દિલ્હી વક્ફ બોર્ડની કોઈપણ મંજૂરી લીધા વિના દિલ્હી વક્ફ બોર્ડ રાહત સમિતિની રચના કરી હતી. તપાસ એજન્સીએ AAP ધારાસભ્ય પર તેમના ચૂંટણી એફિડેવિટમાં તેમના આશ્રિતોની સંપૂર્ણ વિગતો ન આપવાનો પણ આરોપ લગાવ્યો હતો.
ખોલાવ્યું અનધિકૃત બેન્ક ખાતું
આ અંગે EDએ કહ્યું હતું કે, “દિલ્હી રમખાણોના પીડિતો માટે ભંડોળ એકત્ર કરવાના બહાને અમાનતુલ્લા ખાને દિલ્હી વક્ફ રાહત સમિતિના નામે એક અનધિકૃત બેન્ક ખાતું ખોલાવ્યું હતું. તથા લોકો પાસેથી મળેલી રકમનો કેટલોક ભાગ અમાનતુલ્લા ખાનની સૂચના પર રોકડમાં ઉપાડી લેવામાં આવ્યો અને તેમને આપવામાં આવ્યો હતો.”
ED અનુસાર અમાનતુલ્લા ખાનની બીજી પત્ની મરિયમ સિદ્દીકી પણ તેમના આ ગુનામાં સામેલ છે. EDએ કહ્યું હતું કે, “મરિયમ સિદ્દીકીએ અમાનતુલ્લા ખાન સાથે લગ્ન કર્યા હતા અને તે સંપૂર્ણપણે ખાન પર નિર્ભર છે. ઉલ્લેખનીય છે કે તેની પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી અને તેણે આવકવેરા રિટર્ન પણ ફાઈલ કર્યું નથી.”
2020માં ખરીદી હતી મિલકત
EDએ જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે ખાને વર્ષ 2020 માં તેની બીજી પત્ની મરિયમના નામે મિલકત ખરીદી હતી અને તેના માટે આંશિક રીતે રોકડમાં ચૂકવણી કરી હતી. તથા બાકીની રકમની ચૂકવણી તેના નજીકના સહયોગી જીશાન હૈદર પાસેથી મળેલી રકમમાંથી કરી હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હી રમખાણો પણ વર્ષ 2020માં જ થયા હતા.
એજન્સીએ આરોપ મૂક્યો હતો કે અમાનતુલ્લા ખાને તેમના ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન હૈદર, દાઉદ નાસિર જેવા તેમના સહયોગીઓ સાથે મળીને ટીટીઆઈ ઓખલા વિસ્તારના ટીકોના પાર્કમાં મિલકત ખરીદી હતી. જેના માટે રોકડમાં ચુકવણી કરી હતી. જાવેદ ઇમામ સિદ્દીકી નામની વ્યક્તિની આ મિલકત ખાને કથિત રીતે તેમના મેનેજર કૌસર ઇમામ સિદ્દીકી મારફતે ખરીદી હતી.
EDએ દાવો કર્યો હતો કે કૌસર ઇમામ સિદ્દીકીની જપ્ત કરેલ હાથે લખાયેલી ડાયરી અનુસાર ટીકોના પાર્કની આ પ્રોપર્ટીની ખરીદી માટે અમાનતુલ્લા ખાનના નજીકના સહયોગીઓ દ્વારા 27 કરોડ રોકડા ચૂકવવામાં આવ્યા હતા. EDએ કહ્યું કે જાવેદ ઇમામ સિદ્દીકી અને ખાનની પત્નીના બેંક ખાતામાંથી શંકાસ્પદ રકમ મળી આવી છે.
ઉલ્લેખનીય છે કે આ મામલે EDએ 29 ઓક્ટોબરના રોજ AAP ધારાસભ્ય વિરુદ્ધ ઓખલા વિસ્તારમાં 36 કરોડની મિલકત ખરીદવા મામલે ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં ED દ્વારા અમાનતુલ્લા ખાન, હૈદર, દાઉદ નાસિર, કૌસર ઇમામ સિદ્દીકી અને જાવેદ ઇમામ સિદ્દીકીની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ હાલ ન્યાયિક કસ્ટડી હેઠળ જેલમાં છે. AAP ધારાસભ્ય ખાન વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ બે એફઆઈઆરના આધારે હાથ ધરવામાં આવી છે.