31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ (Sardar Patel 150th Birth Anniversary) નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi Gujarat Visit) ગુજરાત આવવાના છે. આ વર્ષે સરદાર પટેલની જયંતિ અને દિવાળી (Diwali) બંને એક જ દિવસે છે ત્યારે બંને પર્વ નિમિત્તે PM મોદી નર્મદા જિલ્લાના એકતાનગરની મુલાકાત લેશે અને ₹284 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
ઉલ્લેખનીય છે કે PM મોદી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે બોન્સાઈ ગાર્ડન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ સેન્ટર જેવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ટ્રાફિક સર્કલ્સ, સ્માર્ટ બસ સ્ટોપનું ઉદ્ઘાટન કરશે. ₹22 કરોડના ખર્ચે 50 બેડની ક્ષમતા ધરાવતી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ટ્રોમા સેન્ટર, ગાયનેક ઓટી, સ્પેશિયલ વોર્ડ, ફિઝિયોથેરાપી વોર્ડ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
એકતા નગરમાં બની રહેલ 10 સ્માર્ટ બસ સ્ટોપ અને 10 પિક-અપ સ્ટેન્ડના ફેઝ-1નું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, ટ્રાફિક મેનેજમેન્ટ માટે ₹2.58 કરોડના ખર્ચે એકતાનગર 3 રસ્તા, ગરૂડેશ્વર ચોક, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કની સામે અને સહકાર ભવન પાસે ટ્રાફિક સર્કલ બનાવવામાં આવ્યા છે.
મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ
સ્ટેચ્યુ ઑફ યુનિટી ઓથોરિટીએ SAPTI સંસ્થાના સહયોગથી જુલાઈ-2024માં એકતાનગર ખાતે 20-દિવસીય શિલ્પ સિમ્પોઝિયમનું આયોજન કર્યું હતું જેમાં પ્રખ્યાત શિલ્પકારોએ બનાવેલી 24 શિલ્પાકૃતિઓને 24 સ્થળોએ ઇન્સ્ટોલ કરવામાં આવશે. આ ઉપરાંત PM મોદી ₹23.26 કરોડના ખર્ચે બનાવેલ 4 મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે.
સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત
આ ઉપરાંત PM મોદી ₹75 કરોડના ખર્ચે બનવા જઈ રહેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવાના છે. આ પ્લાન્ટ અંદાજે 4000 ઘરો, સરકારી ક્વાર્ટર્સ અને અન્ય હોસ્પિટાલિટી બિઝનેસમાંથી નીકળતા ગંદા પાણીનો વ્યવસ્થિત નિકાલ કરવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત PM મોદી ફાયર સ્ટાફ રેસિડેન્શિયલ ક્વાર્ટર્સ, સરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ સેન્ટરનું પણ ખાતમુહૂર્ત કરશે. આ સેન્ટરમાં દુરદર્શિતા, નિર્માણ, જ્ઞાન, પ્રભાવ, પ્રગતિ, ઊર્જા એમ 6 ગેલેરી બનાવવામાં આવશે.
બોન્સાઈ ગાર્ડનનું ઉદ્ઘાટન
આ સિવાય PM મોદી વિશ્વ કક્ષાના બોન્સાઈ ગાર્ડનનું ઉદ્ઘાટન કરશે જે બોન્સાઈ કળાને પ્રોત્સાહન આપશે. 2023માં આવેલા પૂરના પ્રભાવને ધ્યાનમાં લેતાં કેક્ટસ ગાર્ડનની નજીક પ્રોટેક્શન વોલનું વિસ્તરણ કરવામાં આવશે. ઉપરાંત ભવિષ્યમાં પૂર સામે આ જમીનને બચાવવા માટે ₹60 કરોડથી વધુના ખર્ચે જમીનનું સ્તર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે PM મોદી સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આ તમામ વિકાસ કર્યોનું ખાતમૂર્હૂત અને લોકાર્પણ કરવાના છે. નોંધનીય છે કે તાજેતરમાં જ કેન્દ્ર સરકારે પટેલની 150મી જયંતિ આગામી 2 વર્ષ સુધી ઉજવવાની જાહેરાત કરી હતી. PM મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વિશેષ આયોજન કરતી હોય છે.