દિલ્હીની AAP સરકાર (Delhi AAP Government) દિલ્હીમાં વિકાસને લઈને મોટા મોટા દાવા કરતી હોય છે. ત્યારે આ જ દરમિયાન AAPમાંથી જ રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) AAP સરકારની પોલ ખોલી રહ્યા છે. તેઓ દિલ્હી ખાતેના વિવિધ વિસ્તારોમાં જઈને જમીનસ્તરની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે દિલ્હીની AAP સરકારની પોલ ખોલતા વિડીયો સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કર્યા હતા.
AAP સાંસદ સ્વાતિ માલીવાલ પશ્ચિમ દિલ્હીના જનકપુરી વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યાં જઈને તેમણે સ્થાનિકો સાથે વાતચીત કરી હતી. જે અંગેનો વિડીયો તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “દિલ્હીના જનકપુરી વિસ્તારનું ઓચિંતું નિરીક્ષણ કર્યું. ખૂબ ખરાબ પરિસ્થિતિ નિર્માણ થઇ છે. લાખો લોકો અહીં આવી ગંદકીમાં રહેવા મજબૂર છે. કચરો રસ્તાઓ પર ફેલાઈ ચૂક્યો છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, લાંબો ટ્રાફિક જામ થાય છે.”
दिल्ली के जनकपुरी इलाक़े का औचक निरीक्षण किया। क्या बुरा हाल कर रखा है। लाखों लोग यहाँ ऐसी गंदगी में रहने को मजबूर हैं।
— Swati Maliwal (@SwatiJaiHind) October 30, 2024
कूड़ा सड़कों तक आ गया है, साँस लेना मुश्किल, लंबे ट्रैफिक जाम।
ख़ुद को राजा समझते हो, अपनी तुलना श्री कृष्ण से करते हो, आपके राज में गौमाता किस हाल में… pic.twitter.com/N5MxCM51WZ
વિડીયોમાં જોઈ શકાય છે સમગ્ર રસ્તાઓ પર કચરો ફેલાયેલો છે. દિલ્હીના રસ્તાઓ જાણે કચરા અને પ્લાસ્ટિકમાં તરબોળ થયા હોય એમ લાગી રહ્યું છે. ગંદા ખાબોચીયાઓ ભરાયેલા છે જ્યાં ઘણી બધી ગાયો રખડી રહી છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ચારે તરફ માત્ર કચરો જ ફેલાયેલો છે. સ્વાતિ માલીવાલ દ્વારા સમગ્ર પરિસ્થિતિનો વિડીયો શેર કરવામાં આવ્યો હતો.
કેજરીવાલને પાડ્યા ઉઘાડા
વિડીયોમાં તેઓ કહી રહ્યા છે કે, “એ (અરવિંદ કેજરીવાલ) કહે છે કે જન્માષ્ટમીના દિવસે તેઓ જન્મ્યા, તો પોતાની તુલના તેઓ શ્રીકૃષ્ણ ભગવાન સાથે કરે છે. શ્રીકૃષ્ણ ભગવાનજી ગાયોને ખૂબ પ્રેમ કરતા હતા. આ જે રાજ્યના રાજા બનીને બેઠા છે ત્યાની ગાયો પ્લાસ્ટિક ખાવા માટે મજબૂર છે.”
તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, “તમે તમારી જાતને રાજા માનો છો, તમારી સરખામણી શ્રીકૃષ્ણ સાથે કરો છો, ક્યારેક તમારા મહેલની બહાર આવો અને જોવો કે તમારા શાસનમાં રસ્તા પર કચરો ખાતી ગાય માતા કેવી હાલતમાં છે.”
દિલ્હીના મેયરને આપ્યો ચેલેન્જ
દિલ્હીના મેયર શૈલી ઓબરોયને ટેગ કરીને તેમણે લખ્યું હતું કે, “દિલ્હીના મેયર શૈલી ઓબરોય સમજી લો, આ કચરો સાફ કરાવડાવો નહીંતર આનાથી વધુ કચરો તમારા ઘર આગળ ફેંકવા આવીશું.”
આ અગાઉ પણ તેમણે દિલ્હીની પરિસ્થિતિ ઉજાગર કરતા વિડીયો મુક્યા હતા. તેમણે X પર પોસ્ટ કરતા લખ્યું હતું કે “દિલ્હીમાં ઘણી જગ્યાએ આવા કચરાના ઢગલાઓને આગ લાગી છે, શું MCDની કોઈ જવાબદારી નથી? દિલ્હી ગેસ ચેમ્બર બની રહી છે પરંતુ પ્રેસ કોન્ફરન્સ સીએમ બ્લેમ ગેમમાં વ્યસ્ત છે. બધો વાંક હરિયાણા અને પંજાબનો છે, શું તમે ક્યારેય તમારા ઘરની હાલત જોઈ છે?”
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં પ્રદૂષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. તેમાં પણ AAP સરકાર વાયુ પ્રદૂષણનો દોષનો ટોપલો ભાજપ શાસિત રાજ્યોમાંથી આવતી બસો પર ઢોળવાનો પ્રયત્ન કરી રહી હતી. જોકે દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ પંજાબમાં બળવામાં આવતી પરાળ છે. આ વર્ષે તો દિલ્હીમાં પણ પરાળ બાળવાની ઘટનાઓમાં 6 ગણો વધારો થયો છે. જોકે સ્વાતિ માલીવાલે વિડીયો પોસ્ટ કર્યા બાદ એમ પણ કહી જ શકાય કે દિલ્હીમાં જે કચરો બાળવામાં આવી રહ્યો છે એ પણ વાયુ પ્રદૂષણ જ કરી રહ્યો છે.