500 વર્ષોના અવિરત સંઘર્ષ બાદ 22 જાન્યુઆરી, 2024ના અતિપવિત્ર દિવસે અયોધ્યામાં રામ મંદિર (Ram Mandir Ayodhya) પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ હતી. 500 વર્ષ બાદ ભગવાન શ્રીરામ અયોધ્યામાં પરત ફર્યા હતા. ત્યારે 2024ની દિવાળી (Diwali) પણ રામ મંદિર અયોધ્યા અને અને દેશ-વિદેશના કરોડો હિંદુઓ માટે વિશેષ બની રહેવાની છે. કારણ કે, 5 સદી બાદ પ્રથમ વખત રામ જન્મભૂમિ પર દિવાળીની ઉજવણી થવા જઈ રહી છે. દશાનન રાવણનો સંહાર કરીને અયોધ્યા પરત ફરેલા પ્રભુ શ્રીરામનું જે રીતે ત્રેતાયુગમાં સ્વાગત થયું હતું, તેવી જ રીતે આ વર્ષે પ્રથમ દિવાળી પર સ્વાગત કરવામાં આવશે.
રામ મંદિર અયોધ્યામાં વિશેષ રીતે દિવાળી પર્વનું આયોજન કરવાની યોજના યોગી સરકાર (Yogi Government) દ્વારા બનાવવામાં આવી છે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ આ પહેલી દિવાળીને લઈને અનેક તૈયારીઓ પણ કરવામાં આવી છે. 2024ની આ દિવાળીમાં અયોધ્યામાં એક નવો કીર્તિમાન પણ સ્થાપિત થવા જઈ રહ્યો છે. 500 વર્ષો સુધી દિવાળીની ઉજવણીથી વંચિત રહેલું અયોધ્યા દિવાળીના અવસર પર રોશની અને સત્યના પ્રકાશથી ઝળહળી ઉઠશે.
અયોધ્યાના દીપોત્સવમાં શું હશે વિશેષ?
રામ મંદિર અયોધ્યામાં દિવાળીના પવિત્ર તહેવાર પર સરયૂ ઘાટને સજાવવામાં આવશે. જાણવા મળી રહ્યું છે કે, 55 જેટલા ઘાટોને આકર્ષક બનાવવાની તૈયારીઓ ઘણા સમય પહેલાંથી જ શરૂ કરી દેવામાં આવી હતી. સરયૂ ઘાટો અને મંદિર સહિત અયોધ્યાના અનેક સ્થળોએ 28 લાખ દીવાઓ પ્રજજ્વલિત કરવામાં આવશે. દીવાઓને શણગારવાનું કામ પણ શરૂ થઈ ચૂક્યું હોવાનું સામે આવ્યું છે. આ પહેલાં આટલી ભવ્ય ઉજવણી અયોધ્યામાં ક્યારેય નહોતી થઈ શકી. દીવાઓને સ્થાપિત કરવા માટે સ્વયંસેવકો પણ સતત કાર્યરત છે.
દીવાઓને શણગારવાથી લઈને તેના માટેની તમામ તૈયારીઓ ધનતેરસ પહેલાં પૂર્ણ કરવાની યોજના બનાવવામાં આવી છે. રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ અને યુપી સરકાર પણ તેમાં સહયોગ આપી રહી છે. અયોધ્યાના કુલ 55 સરયૂ ઘાટ પર દીવાઓ પ્રજજ્વલિત કરવામાં આવશે, આ ભવ્ય ઉજવણીને ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળી શકે તે માટે તેની એક ટીમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
30,000 સ્વયંસેવકો સંભાળશે જવાબદારી
અયોધ્યામાં યોજાનાર કાર્યક્રમને આયોજિત કરનારા સ્વયંસેવકોનું કહેવું છે કે, પ્રાણપ્રતિષ્ઠા બાદ પહેલી દિવાળીને ભવ્ય બનાવવામાં કોઈ કચાશ નહીં છોડવામાં આવે. કુલ 30,000 જેટલા સ્વયંસેવકો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે. અયોધ્યામાં પ્રજજ્વલિત થનારા દીવાઓ માટે 92 હજાર લિટર સરસવનું તેલ ઉપયોગમાં લેવામાં આવશે. આ તેલ સ્વયંસેવકો દ્વારા અયોધ્યામાં પહોંચાડી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત દીવાઓના નિરીક્ષણ માટે પોલીસ પ્રશાસન અને સુરક્ષાદળોના જવાનોને પણ અયોધ્યામાં તૈનાત કરવામાં આવશે.
તે સિવાય સરયૂજીના ઘાટો ઉપરાંત રામ મંદિર પરિસરમાં પણ દીવાઓ પ્રજજ્વલિત કરવાની અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્ય પ્રાંગણ માટે વિશેષ દીવાઓ મંગાવવામાં આવ્યા છે. સાથે એ પણ નોંધવા જેવું છે કે, મંદિરની અંદર અને ગર્ભગૃહમાં પ્રજજ્વલિત કરવામાં આવતા દીવાઓ કાળા ડાઘ અને ધુમાડો પણ નહીં છોડે, તેને વિશેષ રીતે બનાવવામાં આવ્યા છે. તે દીવાઓ મીણમાંથી બનાવવામાં આવ્યા છે. ઉપરાંત ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવતા દીવાઓ હાથીના આકારના જોવા મળશે, જેને શુદ્ધ દેશી ઘીથી પ્રજજ્વલિત કરવામાં આવશે.
ગર્ભગૃહ સિવાય મંદિરના પ્રાંગણમાં પણ 1 લાખ દીવાઓથી શણગાર કરવામાં આવશે. તે દીવાઓ સરસવના તેલથી પ્રજજ્વલિત કરવામાં આવશે. દીવાઓ સિવાય મંદિરમાં ફૂલોનો શણગાર પણ કરવામાં આવશે. રામ મંદિરને 50 ક્વિન્ટલ પુષ્પોથી શણગારવામાં આવશે. આ સાથે મંદિરના ચારેય પ્રવેશદ્વાર પર તોરણ પણ બનાવવામાં આવ્યા છે. મંદિરને 29 ઑક્ટોબરથી આગળના 4 દિવસો સુધી સતત ખુલ્લુ રાખવામાં આવશે.