તાજેતરમાં ખૂબ ચર્ચિત આંધ્ર પ્રદેશના તિરુપતિ (Tirupati) ખાતેની હોટલોને બોમ્બથી ઉડાવી ધમકીઓ (Bomb Blast Threat) આપવામાં આવી હતી. હિંદુઓનો તહેવાર દિવાળી નજીક છે એવા સમયમાં આવી ધમકી મળતા ચિંતાનો માહોલ સર્જાયો હતો. તિરુપતિની ત્રણ હોટલને ઇ-મેઈલના માધ્યમથી બોમ્બ વિસ્ફોટની ધમકી આપવામાં આવી હતી. જોકે પોલીસ તપાસમાં કોઈ શંકાશીલ વસ્તુ મળી આવી નહોતી.
અહેવાલો અનુસાર 24 ઓક્ટોબરે સાંજે લગભગ સાડા 5 વાગે તિરુપતિ ખાતેની 3 હોટલોને એક ઇ-મેઈલ મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે, કે રાત્રે 11 વાગ્યા સુધીમાં હોટેલ ખાલી કરી દેવામાં આવે. પાકિસ્તાની એજન્સી ISI એ તિરુપતિની હોટલનું એક લિસ્ટ બનાવ્યું હતું. ધમકી આપવામાં આવી છે કે આ લિસ્ટમાંની હોટેલો પર શ્રેણીબદ્ધ ધડાકાઓ કરવામાં આવશે, જેમાં અદ્યતન પ્રકારના IED વિષફોટકોનો ઉપયોગ કરાશે.
ઈમેલમાં કથિત રીતે ડ્રગ કિંગ અને DMK કાર્યકર્તા જાફર સિદ્દીકનું નામ હતું, જેની આ વર્ષે ફેબ્રુઆરીમાં ધરપકડ કરવામાં આવી હતી. ઇ-મેઈલના સબજેક્ટમાં લખ્યું હતું કે – ‘TN CM સામેલ’. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ઈમેલ કયા સ્ત્રોતથી મોકલવામાં આવ્યો હતો. જોકે, પોલીસે હોટલોમાં ચેકિંગ કર્યા બાદ કોઈ સંદિગ્ધ વસ્તુ મળી નહોતી.
સુરક્ષાની પુષ્ટિ કર્યા બાદ જ હોટલોમાં ચેક ઇન અને ચેક આઉટની પરવાનગી આપવામાં આવી રહી છે. ઇ-મેઈલમાં કહેવામાં આવ્યું હતું કે જાફર સાદિકની ધરપકડથી આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યું છે અને આ કેસમાં એમ.કે. સ્ટાલિન પરિવારની સંડોવણી પરથી ધ્યાન હટાવવા માટે શાળા-હોટલોમાં આવી ઘટનાઓ જરૂરી છે.
DMKના ભૂતપૂર્વ કાર્યકર્તા જાફર સિદ્દીકીને આ વર્ષે ફેબ્રુઆરીમાં તમિલનાડુમાં ડ્રગ હેરફેરમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ હવે તેની મુક્તિની માંગ કરવામાં આવી રહી છે. તથા બોમ્બ વિસ્ફોટની ખોટી અફવાઓ પણ ઉડાવવામાં આવી રહી છે. તિરુપતિની તિરુપતિની જે ત્રણ હોટલોને બોમ્બની ધમકી મળી છે તેમાં કપિલતીર્થમ, અલીપિરી અને લીલામહાલનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ 85 વિમાનોને ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં એર ઈન્ડિયાના 20 વિમાન સામેલ હતા. જે વિમાનોને ધમકીઓ મળી હતી તેમાં 20 ઈન્ડિગો, 20 વિસ્તારા અને 20 અકાસાની ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ દિલ્હીના રોહિણી વિસ્તારમાં એક બ્લાસ્ટ થયો હતો જે અંગે પોલીસ તપાસ ચાલી રહી છે.