શિમલાની ગેરકાયદેસર સંજૌલી મસ્જિદના (Sanjauli Mosque) ગેરકાયદેસર ભાગને તોડવાનું કામ ફરી એકવાર અટકી ગયું છે. ડિમોલિશન (Demolition) અટકાવવા પાછળ મસ્જિદ સમિતિએ પૈસાની તંગીનું કારણ આપ્યું છે. બીજી તરફ, સ્થાનિક હિંદુ સંગઠનોએ એક પણ રૂપિયો લીધા વગર ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે ‘કારસેવા’ની ઑફર કરી છે.
સંજૌલીની વિવાદિત મસ્જિદના ગેરકાયદેસર ભાગને તોડી પાડવાનું કામ સોમવાર (21 ઑક્ટોબર, 2024)થી શરૂ થયું હતું. ડિમોલિશનમાં મસ્જિદની છત હટાવવામાં આવી રહી હતી પરંતુ હવે આ કામ અટકાવી દેવામાં આવ્યું છે. મંગળવાર આવતાં સુધીમાં આ કામ અટકી ઠપ થઈ ગયું. મંગળવારે ફક્ત બે-ત્રણ મજૂરો મસ્જિદને તોડવાનું કામ કરતા જોવા મળ્યા હતા, જે ઇમારતના કદ અનુસાર સ્વાભાવિક રીતે પૂરતા નથી.
ત્યારબાદ મસ્જિદ તોડવાનું કામ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે મસ્જિદ કમિટીના વડા મોહમ્મદ લતીફે મીડિયાને કહ્યું કે તેઓએ પૈસાના અભાવે કામ બંધ કરી દીધું છે. તેમણે કહ્યું કે જ્યારે ફરીથી ફંડ એકત્ર થશે ત્યારે મસ્જિદનો વિવાદિત ભાગ તોડવાની કાર્યવાહી ફરીથી શરૂ કરવામાં આવશે.
મોહમ્મદ લતીફે કહ્યું કે, જ્યારે મસ્જિદનું ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું હતું ત્યારે તમામ મુસ્લિમોએ આગળ આવીને પૈસા આપ્યા હતા, પરંતુ જ્યારે આ ગેરકાયદે બાંધકામ તોડવાનું કામ શરૂ થયું ત્યારે કોઈ પૈસા આપવા તૈયાર નથી. તેમણે જણાવ્યા અનુસાર, મસ્જિદ તોડવા પાછળ 10-15 લાખ રૂપિયાનો ખર્ચ થશે. તેમણે મજૂરોની અછતને પણ એક કારણ ગણાવ્યું હતું.
સંગઠનોએ કહ્યું- અમે મદદ કરવા તૈયાર
બીજી તરફ, પૈસાની અછત હોવાનું કારણ ધરવામાં આવ્યા બાદ હિમાચલમાં મસ્જિદના અતિક્રમણ મામલે વિરોધ કરી રહેલાં સંગઠનો આગળ આવ્યાં છે. હિમાચલ પ્રદેશમાં ગેરકાયદેસર મસ્જિદો વિરુદ્ધ આંદોલન કરી રહેલાં સંગઠનોએ પૈસા લીધા વિના મસ્જિદ તોડી પાડવાની ઑફર કરી છે. દેવભૂમિ સંઘર્ષ સમિતિના લોકોએ કહ્યું હતું કે મસ્જિદ તોડવાના નામે ખાનાપૂર્તિ કરવામાં આવી રહી છે.
સંજૌલી સિવિલ સોસાયટીએ જણાવ્યું હતું કે, જો મસ્જિદ સમિતિ પાસે પૈસાની તંગી હોય તો તેઓ સહકાર આપવા તૈયાર છે. એમ પણ કહ્યું કે, તેઓ મસ્જિદ તોડવા માટે કારસેવા કરવા તૈયાર છે અને તેના માટે તેઓ એક રૂપિયો નહીં લે. તેમણે કહ્યું કે મસ્જિદ તોડી પાડતી વખતે મજૂરી દરમિયાન તેઓ ભોજન પણ ઘરેથી લાવશે. સ્થાનિક લોકોનો આરોપ છે કે મસ્જિદ કમિટી મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્ટના આદેશનું યોગ્ય રીતે પાલન કરી રહી નથી.
હિમાચલ પ્રદેશ સરકારના મંત્રી અનિરુદ્ધ સિંઘે પણ આ જ ઑફર કરી છે. તેમણે કહ્યું છે કે જો મસ્જિદ કમિટી તેમની પાસે રજૂઆત લઈને આવશે આર્થિક મદદ અને મજૂરી બંને પૂરી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ દરેકને મદદ કરવા માટે જાણીતી છે અને તે આ મામલે પણ મદદ કરશે. હિમાચલ સરકારના મંત્રી વિક્રમાદિત્ય સિંઘે પણ કોર્પોરેશનની મદદ લેવાની વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે મસ્જિદ તોડી પાડવાનો આદેશ મસ્જિદ કમિટીની અરજી પર જ આપવામાં આવ્યો હતો. આ મસ્જિદનું નિર્માણ 2010થી ચાલી રહ્યું હતું. ત્યારથી શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશન તેને સતત નોટિસ મોકલી રહ્યું હતું પરંતુ તેનું બાંધકામ નહીં અટકાવાયું અને પાંચ માળ તાણી બાંધવામાં આવ્યા. સપ્ટેમ્બર, 2024માં મસ્જિદ પર વિવાદ શરૂ થયો ત્યાં સુધીમાં આ મસ્જિદને કુલ 38 નોટિસ મોકલવામાં આવી ચૂકી હતી.
સપ્ટેમ્બર, 2024માં એક સ્થાનિક હિંદુ યુવક પર હુમલાના સમાચાર પછી જ્યારે સંજૌલી મસ્જિદની વિરોધમાં પ્રદર્શનો શરૂ થયાં ત્યારે તમામ પોલ ખુલી અને ત્યારબાદ મોટાપાયે થયેલા વિરોધ પ્રદર્શનો અને હિંદુ સમુદાયના આક્રોશને જોતાં મસ્જિદ સમિતિએ પોતે જ આ ગેરકાયદેસર બાંધકામ હટાવવા માટે અરજી કરી હતી. વાસ્તવમાં મસ્જિદના ઉપરના ત્રણ માળ ગેરકાયદેસર છે, જેને હટાવવામાં આવશે.