Tuesday, October 22, 2024
More
    હોમપેજગુજરાતઅમદાવાદમાં ઊભી કરી નકલી કોર્ટ, સ્ટાફ-વકીલ પણ પોતાના, જાતે જજ બનીને ઝડપી...

    અમદાવાદમાં ઊભી કરી નકલી કોર્ટ, સ્ટાફ-વકીલ પણ પોતાના, જાતે જજ બનીને ઝડપી લીધી 100 એકર સરકારી જમીન: મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચયનની ધરપકડ, જાણો સમગ્ર કૌભાંડ વિશે

    ઓર્ડરની અમલવારી અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં કરાવવા જતાં આરોપીનો ભાંડો ફૂટી ગયો. આરોપીની કરતૂત કોર્ટમાં ઉઘાડી પડી જતાં અમદાવાદ સિટી સિવિલ કોર્ટના જજ જે.એલ ચોવટીયાએ રજિસ્ટ્રારને ફરિયાદ દાખલ કરાવવા માટે હુકમ કર્યો હતો.

    - Advertisement -

    અમદાવાદમાં (Ahmedabad) નકલી કોર્ટ (Fake Court) બનાવીને કરોડોની સરકારી જમીન ઝડપી પાડનાર નકલી આર્બિટ્રેટર જજ (Fake Arbitrator Judge) મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચયનના (Maurice Samuel Christian) કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. કારંજ પોલીસે (Karanj Police) આરોપીની ધરપકડ કરી લીધી છે અને હાલ તે લોકઅપમાં હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને ઑપઇન્ડિયાએ કારંજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ ઘટનાને લઈને માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ આરોપી લોકઅપમાં છે અને પોલીસ તપાસ કરી રહી છે. આરોપીએ પોતાની જાતને આર્બિટ્રેટર જજ ગણાવીને નકલી કોર્ટ ઊભી કરી હતી અને તે માટે તેણે નકલી વકીલ અને સ્ટાફ (Fake lawyer and staff) પણ રાખ્યા હતા.

    આરોપ છે કે, તેણે નકલી કોર્ટ અને ખોટી ઓળખના આધારે 100 એકર સરકારી જમીન ઝડપી પાડી હતી. અમદાવાદ સિટી સિવિલ કોર્ટના રજિસ્ટ્રાર હાર્દિક સાગર દેસાઈએ આરોપી સેમ્યુઅલ વિરુદ્ધ કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે IPCની કલમ 170, 419, 420, 465, 467, 471 અને 120B હેઠળ FIR નોંધી છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ પણ ઉપલબ્ધ છે. ફરિયાદ અનુસાર, તેણે નકલી જજ બનીને અનેક ગુનાઓ આચર્યા હતા અને કરોડોની સરકારી જમીન ઝડપી પાડી હતી.

    સિવિલ કોર્ટમાં ફૂટ્યો ભાંડો

    પોલીસ ફરિયાદ અનુસાર, મોરીસ ક્રિશ્ચયન આર્બિટ્રેટર તરીકે કામ કરતો હતો. અમદાવાદના પાલડીમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરીને જીવનનિર્વાહ કરતાં બાબુજી છનાજી ઠાકોરને પાલડીમાં આવેલી જમીનને લઈને સરકાર સાથે ઘણા વર્ષોથી તતકરાર હતી, દરમિયાન બાબુજી મોરીસના સંપર્કમાં આવ્યા હતા. મોરીસે પોતે આ કેસમાં ઝંપલાવ્યું હતું અને ગેરકાયદેસર રીતે પોતે લવાદ તરીકે રહીને અરજદારને વકીલ પણ રોકી આપ્યો હતો. તેણે બાબુજી અને સરકાર વચ્ચેની તકરારમાં પોતાને મધ્યસ્થ જાહેર કરી દીધો હતો. જોકે, તેની પાસે આર્બિટ્રેશન કોન્ટ્રાક્ટ પણ નહોતો, એટલું જ નહીં, આર્બિટ્રેશન એન્ડ કોન્સિલિએશન એક્ટ 1996 હેઠળ તકરારના નિરાકરણની બાબતો પર નિર્ણય લેવાની કોઈ સત્તા ન હોવા છતાં તેણે પોતાને લવાદ જાહેર કર્યો હતો.

    - Advertisement -

    પોલીસે આ ઘટનાને લઈને જણાવ્યું છે કે, આરોપીએ કથિત રીતે અરજદાર અને અમદાવાદ કલેકટર વચ્ચેની આ તકરારમાં ગેરકાયદેસર રીતે એક એવોર્ડ (આદેશ) જારી કર્યો હતો અને 30 માર્ચ, 2019ના રોજ કોર્ટ સમક્ષ દાવા અને સ્ટેટમેન્ટ પણ રજૂ કર્યા હતા. તેણે કાયદા વિરુદ્ધ જઈને આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ તરીકે કામ કરીને પાલડી ખાતે આવેલી 200 કરોડની સરકારી જમીન બાબુજી પાસેથી ગેરકાયદેસર સંપાદિત કરાયેલ હોવાનું જણાવી ફરીથી બાબુજીના પક્ષમાં એવોર્ડ પાસ કર્યો હતો. આ ઓર્ડરની અમલવારી અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં કરાવવા જતાં આરોપીનો ભાંડો ફૂટી ગયો. આરોપીની કરતૂત કોર્ટમાં ઉઘાડી પડી જતાં અમદાવાદ સિટી સિવિલ કોર્ટના જજ જે.એલ ચોવટીયાએ રજિસ્ટ્રારને ફરિયાદ દાખલ કરાવવા માટે હુકમ કર્યો હતો.

    કરોડોની જમીન પછાવી પાડવા ઊભી કરાઈ નકલી કોર્ટ અને આખો સ્ટાફ

    કોર્ટના હુકમ બાદ સિટી સિવિલ કોર્ટના રજિસ્ટ્રાર હાર્દિક દેસાઈએ કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને તાત્કાલિક ધોરણે ‘જજ’ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચયનની ધરપકડ કરી હતી. પોલીસે ઑપઇન્ડિયાને જણાવ્યું છે કે, આ ઘટનાને લઈને હાલ પણ તપાસ ચાલી રહી છે, આરોપી હાલ પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં હોવાનું તેમણે જણાવ્યું હતું. ઉપરાંત વધુ તપાસ માટે પોલીસ કાર્યવાહી કરી રહી હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. આરોપીએ 2 માર્ચ, 2019થી લઈને 21 ઑક્ટોબર 2024ના રોજ તેની ધરપકડ સુધી આ નાટક ચાલુ રાખ્યું હતું.

    અહીં ખાસ એ નોંધવા જેવું છે કે, આરોપી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચયને અમદાવાદમાં પોતાની જ કોર્ટ શરૂ કરી હતી. અદાલત પરિસરમાં તેણે કોર્ટ જેવો માહોલ ઊભો કર્યો હતો અને વ્યક્તિઓને આકર્ષવા માટે તેણે આખો સ્ટાફ પણ નકલી બનાવ્યો હતો. જેમાં વકીલો, બેલિફ, પટ્ટાવાળા અને ક્લાર્કનો પણ સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે, આરોપીની મોડસ ઓપરેન્ડી એ હતી કે, તે પોતાની નકલી કોર્ટમાં અરજદારોના પક્ષમાં એવોર્ડ જારી કરતો હતો અને ત્યારબાદ પોતાના અરજદારોને ગેરકાયદેસર લાભ પહોંચાડવા માટે આવા ખોટા દાવાઓને કોર્ટમાં રજૂ કરતો હતો.

    અગાઉ પણ નોંધાય છે ગુના, લવાદ તરીકે એક તરફથી એવોર્ડ પાસ કરતો હતો

    ઉલ્લેખનીય છે કે, આરોપી અગાઉ પણ આ પ્રકારની છેતરપિંડી કરી ચૂક્યો છે. આરોપી વિરુદ્ધ વર્ષ 2015માં મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે આરોપી સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી પણ દાખલ કરી હતી. તેના અરજદાર બાબુજીએ આર્બિટ્રેટર કહેવાતા મોરીસ સામે 7/12ના ઉતારામાં સરકારનું નામ દૂર કરીને પોતાને કબજેદાર બનાવવા અરજી કરી હતી. જે અંતર્ગત મોરીસે અમદાવાદની પાલડી ખાતે આવેલ જમીન ઉપર બાબુજીને કબજેદાર ઠેરાવી સરકારને ગેરકાયદેસર કબજેદાર ગણાવી હતી.

    આરોપીએ બાબુજી અને તેના વડવાઓએ આ જમીન પર 50 વર્ષ સુધી કબજો ભોગવ્યો હોવાનો પણ દાવો કર્યો. તે ગેરકાયદેસર રીતે લવાદ બનીને આ કાર્યવાહી કરી રહ્યો હતો. જોકે, આ અંગે કોઈપણ ઓથોરીટી વગર તેણે એક તરફી એવોર્ડ પણ પાસ કરી નાખ્યો હતો. મોરીસે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ આર્બિટ્રેશન અને ગાંધીનગર કોર્ટના પત્રની નકલ અમદાવાદ સિવિલ કોર્ટમાં રજૂ કરી હતી. જોકે, મોરીસે જેના માટે એવોર્ડ પાસ કર્યો હતો તે બાબુજીના જમીન અંગેના દસ્તાવેજો, તેને અરજદારે લવાદ તરીકે નીમ્યો છે તેવો એંગ્રીમેન્ટ, સરકારી પક્ષે એટલે કે કલેકટરે લવાદ તરીકે તેને મંજૂર રાખીને સહી કરી હોય તેવા પુરાવા, આ તમામ તે સિવિલ કોર્ટમાં રજૂ કરી શક્યો નહોતો.

    સરકારી વકીલે કરી ધારદાર દલીલ

    આ કેસ મામલે સિટી સિવિલ કોર્ટમાં સરકારી વકીલે દલીલ કરી હતી કે, બાબુજીએ મોરીસને કાયદેસર રીતે લવાદ તરીકે રોક્યો હોય તેવો કોઈ પુરાવો નથી. વળી કોર્ટે પણ મોરીસને લવાદ તરીકે રોક્યો નથી. વકીલે કહ્યું કે, પોતાના હુકમનો અમલ કરાવવા માટે સિવિલ કોર્ટમાં પણ અરજદાર તરફે મોરીસે જ વકીલને રોક્યો છે. વકીલે વધુમાં દલીલ કરી હતી કે, મોરીસે ષડ્યંત્ર કરીને એક તરફે ચુકાદો આપી દીધો છે. સરકાર તરફથી મોરીસને લવાદ તરીકે રખાયો હોવાની કોઈ મંજૂરી આપવામાં આવી નથી. કોઈ જ કરાર પર સહી પણ નથી. વધુમાં વકીલે કહ્યું કે, જો કરાર થયો જ નથી તો શાના આધારે ઓથોરીટીને મોરીસે નોટિસ આપી? જો ઓથોરીટીએ કોઈ જવાબ જ નથી આપ્યો તો ચુકાદો કઈ રીતે આપ્યો? લવાદ રોકવા અંગે તકરાર હોય તો હાઈકોર્ટ જવું પડે, તેવું પણ આ કેસમાં નથી.

    નોંધનીય છે કે, આવા 10 કેસોમાં મોરીસે ઓર્ડર આપ્યા છે. તેની તપાસ થાય તેવી પૂર્ણ શક્યતાઓ છે. કોર્ટે અરજદાર બાબુજીને 50 હજારનો દંડ ફટકાર્યો છે અને આરોપી મોરીસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે અમદાવાદ સિવિલ કોર્ટના રજિસ્ટ્રારને આદેશ આપવામાં આવ્યો છે. જે આદેશ અનુરૂપ ગુનો પણ દાખલ થયો છે અને આરોપીની ધરપકડ પણ થઈ ચૂકી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં