ઉત્તર પ્રદેશના બહરાઈચ (Bahraich Violence) જિલ્લામાં રવિવાર (13 ઑક્ટોબર, 2024)ના રોજ પોલીસની હાજરીમાં મુસ્લિમ ટોળા દ્વારા રામગોપાલ મિશ્રાની હત્યા (Ramgopal Mishra Murder) કરી નાખવામાં આવી હતી. રામગોપાલ મિશ્રા મા દુર્ગાની વિસર્જન યાત્રામાં ગયા હતા. આરોપ છે કે અબ્દુલ હમીદના ઘરમાં રામગોપાલની હત્યા કર્યા બાદ મુસ્લિમ ટોળાએ તેમના શવને ઘરની અંદર ખેંચી લીધું હતું. વાયરલ થયેલા એક વિડીયોમાં જોઈ શકાય છે કે, કેટલાક લોકો પથ્થરો અને ગોળીબાર વચ્ચે રામગોપાલના મૃતદેહને છત પરથી નીચે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઑપઇન્ડિયાએ રામગોપાલના મૃતદેહને બહાર લાવનાર વ્યક્તિ સાથે વાત કરી હતી.
રામગોપાલના મૃતદેહને બહાર લાવનાર યુવકનું નામ કિશન મિશ્રા છે. કિશન રામગોપાલના પિતરાઈ ભાઈ છે. નાનપણથી જ બંને સાથે ભણીગણીને મોટા થયા છે. કિશનને મૃતદેહ બહાર કાઢવામાં રાજન મિશ્રાએ પણ મદદ કરી હતી. કિશન સાથે અમારી મુલાકાત ગુરુવારે (17 ઑક્ટોબર) તેમના ગામ રેહુઆમાં થઈ. તે સમયે સમગ્ર ગામમાં પોલીસનો કડક ચાંપતો બંદોબસ્ત હતો. કિશન પોતે જ જેમતેમ કરીને બહાર આવીને અમારી સાથે વાત કરી શક્યા. કિશનની ઈચ્છા મુજબ અમે અંધારામાં વાત કરી હતી.
એક બાજુ મુસ્લિમો દ્વારા પથ્થરમારો, બીજી બાજુ પોલીસ દ્વારા લાઠીચાર્જ
કિશન મિશ્રાએ અમને જણાવ્યું કે શરૂઆતમાં હોબાળો થયો અને તે જ સમયે પોલીસે વિસર્જન યાત્રા પર લાઠીચાર્જ શરૂ કર્યો. આ લાઠીચાર્જ બાદ એકજૂટ થઈને ચાલી રહેલો હિંદુ સમુદાય વિખેરાઈ ગયો અને મુસ્લિમ ટોળાંએ રામગોપાલ મિશ્રાને ઘરની અંદર ખેંચી લીધા. જ્યારે કિશન મિશ્રા તેમના પિતરાઈ ભાઈને છોડાવવા માટે પરત ફર્યા, ત્યારે તેમને બે બાજુથી પ્રતિકારનો સામનો કરવો પડ્યો. એક તરફ પથ્થર અને ગોળીઓ વરસાવતું મુસ્લિમોનું ટોળું અને બીજી તરફ લાઠીઓ વરસાવતું પોલીસ દળ.
કિશનનો દાવો છે કે તેમણે વારંવાર પોલીસ પાસે રામગોપાલને બહાર કાઢવા માટે મદદ માંગી. તેમણે પોલીસને કહ્યું કે રામ ગોપાલને અંદર ખેંચી લેવામાં આવ્યા છે તેમને બહાર કાઢવા પોલીસે સહકાર કરવો જોઈએ. પરંતુ આ વિનંતીથી કોઈ ફરક પડ્યો નહીં. જ્યારે પોલીસ તરફથી કોઈ સહકાર ન મળ્યો ત્યારે કિશન મિશ્રાએ પોતે તેમના બે સાથીદારો સાથે મળીને રામગોપાલને મુસ્લિમ ટોળાથી બચાવવાનો નિર્ણય કર્યો. આ બે સહયોગીઓમાંથી એક કિશનના પરિવારના સભ્ય રાજન મિશ્રા હતા. કિશનનો દાવો છે કે જો પોલીસે હિંદુઓ પર જોર કરવાને બદલે તેમની મદદ કરી હોત તો કદાચ આજે રામગોપાલ જીવિત હોત.
પાડોશી હિંદુનું ઘર ખોલાવીને અબ્દુલની છત પર પહોંચ્યા
કિશન મિશ્રાએ અમને વધુમાં જણાવ્યું કે રામ ગોપાલની હત્યા અબ્દુલ હમીદના ઘરની અગાસી પર કરવામાં આવી હતી. અગાસી સુધી પહોંચવું સરળ ન હતું. રસ્તામાં લાઠીચાર્જથી બચવા લોકો ભાગી રહ્યા હતા. સામે પોલીસકર્મીઓ ઊભા હતા અને પાછળથી મુસ્લિમ ટોળું પથ્થરો અને ગોળીઓ વરસાવી રહ્યું હતું. આવી સ્થિતિમાં તેમણે રોડના બદલે ધાબા પરથી રામગોપાલ સુધી પહોંચવાનું નક્કી કર્યું. અબ્દુલ હમીદના ઘર પાસે એક હિંદુનું ઘર હતું. ઘણી આજીજી બાદ તે ઘર ખોલાવવામાં તેમને સફળતા મળી. પછી તેમની છત પરથી બીજી છત પર પસાર થતાં, કિશન અને રાજન અબ્દુલની છત પર પહોંચ્યા.
કિશને જણાવ્યું કે આટલા ટૂંકા રસ્તા પર પણ તેમણે અને રાજને ઘણી વખત ગોળીઓ અને પથ્થરોથી બચવું પડ્યું. પરંતુ જ્યારે કિશન અબ્દુલ હમીદના ટેરેસ પર પહોંચ્યા ત્યારે રામગોપાલ ત્યાં બેભાન અવસ્થામાં પડ્યા હતા. તેમણે રાજન મિશ્રા સાથે મળીને રામગોપાલને હાથ-પગ પકડીને ઉપાડ્યા કે તરત જ મુસ્લિમ ટોળાએ તેમના પર હુમલો કરી દીધો. અબ્દુલ હમીદનો પુત્ર સરફરાઝ આ હુમલાનું નેતૃત્વ કરી રહ્યો હતો. તેણે દીવાલ પાછળ સંતાઈને રાજન અને કિશન સાથે રામગોપાલના બેભાન શરીર પર પણ ગોળીઓ ચલાવી હતી.
ઈંટના ઘાથી પાડવામાં આવી સરફરાઝની બંદૂક
કિશન મિશ્રાએ કહ્યું કે સરફરાઝ દ્વારા ચલાવવામાં આવેલી પહેલી ગોળી નિશાન પર ન વાગી નહીં તો કદાચ રામગોપાલની જેમ તેમનો મૃતદેહ પણ અબ્દુલ હમીદના ઘરમાંથી મળી આવ્યો હોત. પ્રથમ ગોળી ચલાવ્યા બાદ કિશન અને રાજને રામગોપાલના બેભાન શરીરને નીચે મૂક્યું અને છત પરથી એક ઈંટ લઈને સરફરાઝ તરફ ફેંકી દીધી. આ ઈંટ નિશાન પર વાગી અને સરફરાઝના હાથમાંથી બંદૂક સરકીને નીચે પડી ગઈ. જ્યાં સુધી સરફરાઝ તેની જાતને સંભાળીને ફરીથી ગોળીબાર કરવાની હાલતમાં આવ્યો ત્યાં સુધી કિશન અને રાજાન મળીને રામગોપાલને બહાર નીકાળી ચૂક્યા હતા.
કિશન મિશ્રાના જણાવ્યા અનુસાર સરફરાઝની સાથે તેના પિતા અબ્દુલ હમીદ, ભાઈઓ તાલિબ અને ફહીમ પણ હિંસામાં સંપૂર્ણ રીતે સક્રિય હતા. જ્યારે સરફરાઝ ગોળીબાર કરી રહ્યો હતો ત્યારે આ બધા અન્ય મુસ્લિમો સાથે મળીને પથ્થરમારો કરી રહ્યા હતા. કિશનના કહેવા પ્રમાણે, ઘરની બહાર હિંદુ ભક્તો દ્વારા થઇ રહેલ ઘોંઘાટના કારણે મુસ્લિમ ટોળાનું ધ્યાન ભટકી રહ્યું હતું, નહીં તો તેમને અને રાજનને પણ રામગોપાલની જેમ અબ્દુલ હમીદ અને તેના સાથીઓએ મારી નાખ્યા હોત.
લાશને ગાયબ કરવાનું ઘડાયું હતું ષડ્યંત્ર
કિશન મિશ્રાનો દાવો છે કે અબ્દુલ હમીદ અને તેની ગેંગ દ્વારા રામ ગોપાલના મૃતદેહને ગાયબ કરવાની તૈયારીઓ પણ કરી લેવામાં આવી હતી. તેમણે કહ્યું કે જો તે અને રાજન સાથે મળીને અબ્દુલ હમીદના ઘરેથી રામગોપાલના બેભાન શરીરને બહાર ન લાવ્યા હોત તો કદાચ આ કેસ હત્યા નહીં પરંતુ ગુમશુદા વ્યક્તિનો હોત. કિશનના કહેવા પ્રમાણે તો પોલીસે પણ એ જ કુતર્ક આપત કે રામ ગોપાલની હત્યા નથી થઈ પણ તે ક્યાંક ગુમ થઈ ગયો છે અને તમામ હત્યારાઓ કાયદાથી બચી જાત.
કિશન મિશ્રા વધુમાં જણાવે છે કે માત્ર અબ્દુલ હમીદ જ નહીં પરંતુ મહારાજગંજમાં રહેતા મુસ્લિમ સમુદાયના તમામ ઘરોમાં માત્ર તીક્ષ્ણ હથિયારો જ નહીં પણ ગેરકાયદેસર બંદૂકોનો પણ ભંડાર છે. તેમને લાગે છે કે રામગોપાલના મૃતદેહના ટુકડા કરીને ક્યાંક ઠેકાણે પાડી દેવામાં આવ્યો હોત. આ પછી રામ ગોપાલ દુનિયા માટે એક રહસ્ય બની જાત અને એવું જાહેર થાત કે હિંસામાં તેનું નામ સામેલ હોવાને કારણે તે ક્યાંક ફરાર થઈ ગયો અને પાછો આવ્યો નહીં.
બેભાન શરીરને લઈને દોડતા રહ્યા લોકો
કિશનનો દાવો છે કે જ્યારે તે રામગોપાલના બેભાન શરીરને બહાર લાવ્યા ત્યારે તેમની લાખ આજીજી છતાં પોલીસે તેમને હોસ્પિટલ લઈ જવા માટે કોઈ વાહન આપ્યું ન હતું. લાઠી ખાધેલ હિંદુ ભક્ત રામગોપાલને લઈને હોસ્પિટલ તરફના રસ્તા પર લાંબા અંતર સુધી દોડતો રહ્યો. ઑપઇન્ડિયા પાસે આ ઘટનાનો વિડીયો છે જેમાં એક પોલીસકર્મી પણ જોવા મળી રહ્યો છે. જેમ-તેમ કરીને તેઓ રામગોપાલને હોસ્પિટલ લઈ જવામાં સફળ રહ્યા પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા.
કિશનનું માનવું છે કે જો પોલીસે તાત્કાલિક તેમનું વાહન સાથે મોકલ્યું હોત તો કદાચ રામગોપાલનો જીવ બચી શક્યો હોત. કિશને અમને એમ પણ કહ્યું કે તેમણે પોલીસકર્મીઓની આ કરતૂતો અંગેની ફરિયાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મોકલી છે. અમારી સાથે વાત કરતાં કિશન મિશ્રા ભાવુક થઈ ગયા. અંતે તેમણે કહ્યું કે હત્યારાઓએ માત્ર તેમનો પિતરાઈ ભાઈ જ નહીં પરંતું એક સાચો મિત્ર પણ આંચકી લીધો. કિશને એમ પણ કહ્યું કે જો રામગોપાલની સાથે તેમણે પણ જીવ ગુમાવ્યો હોત તો તેમને કોઈ અફસોસ ન થાત. રામગોપાલ અને કિશન મિશ્રા સાથે કેટરિંગમાં રસોઈયા તરીકે કામ કરતા હતા.