છેલ્લા ઘણા સમયથી ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવતા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ (Justin Trudeau) તાજેતરમાં સ્વીકાર્યું હતું કે તેમની પાસે કોઈ ઠોસ પુરાવા ન હતા પણ ઇન્ટેલિજન્સના આધારે જ ભારત પર આરોપ લગાવ્યા હતા.
બુધવારે (16 ઑક્ટોબર) ફોરેન ઇન્ટરફિયરન્સ કમિશન સામે જુબાની આપતાં ટ્રુડોએ સ્વીકાર્યું હતું કે, એક તરફ જ્યાં ભારત પુરાવા માંગતું રહ્યું ત્યાં બીજી તરફ કેનેડાએ એક પણ પુરાવો આપ્યો ન હતો અને માત્ર સાથે મળીને કામ કરવાની વાતો કર્યા કરી હતી.
ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર, 2023માં જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં બોલતી વખતે ભારત પર આતંકવાદીની હત્યાના આરોપ લગાવ્યા અને ગુપ્તચર એજન્સી રૉની સીધી સંડોવણી હોવાનું જણાવ્યું હતું. જોકે, ખાલિસ્તાનીઓનો અડ્ડો બની ગયેલું કેનેડા નિજ્જરને આતંકવાદી નથી ગણાવતું, જ્યારે ભારતમાં તે ઘોષિત આતંકવાદી હતો.
તાજેતરમાં જસ્ટિન ટ્રુડોએ સ્વીકાર્યું કે તેમણે જ્યારે ભારત પર આરોપ લગાવ્યા ત્યારે તેમની પાસે કોઈ ઠોસ અને નક્કર પુરાવા ન હતા, પણ ઇન્ટેલિજન્સ ઇનપુટ જ હતા. તેમણે કહ્યું કે, કેનેડિયન એજન્સીઓએ ભારતને આ મામલે તપાસ કરવા માટે કહ્યું ત્યારે ભારતે પુરાવા માંગ્યા હતા. પરંતુ તે સમયે માત્ર પ્રાથમિક ઇન્ટેલિજન્સની જ માહિતી હતી, કોઈ નક્કર પુરાવા ન હતા.
તેમણે આરોપ એવો પણ લગાવ્યો કે કેનેડામાં ભારતના હાઈકમિશનમાં કામ કરતા અધિકારીઓ રૉ સાથે મળીને કેનેડિયન નાગરિકોની માહિતી લૉરેન્સ બિશ્નોઈ ગેંગને પહોંચાડતા હતા અને તેનો ઉપયોગ પછીથી હત્યા માટે થયો હતો. જોકે, આ આરોપો માટે પણ કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.
ભારતે મધ્ય રાત્રિએ નિવેદન આપ્યું, કહ્યું- આ જ વાત અમે કહી રહ્યા છીએ
બીજી તરફ, આ આરોપોને પગલે ભારતીય વિદેશ મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે. બુધવારે રાત્રે એક નિવેદનમાં સરકારે ફરી ટ્રુડો સરકારને ફટકાર લગાવી હતી.
Our response to media queries regarding PM of Canada's deposition at the Commission of Inquiry: https://t.co/JI4qE3YK39 pic.twitter.com/1W8mel5DJe
— Randhir Jaiswal (@MEAIndia) October 16, 2024
વિદેશ મંત્રાલયે કહ્યું કે, “આજે આપણે જે સાંભળ્યું તે બીજું કશું જ નહીં પણ અમે જે ઘણા સમયથી કહેતા આવ્યા છીએ તેનું જ પુનરાવર્તન કરે છે. ભારત અને ભારતના રાજદ્વારીઓ સામે જે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા તેના સમર્થનમાં કેનેડાએ આજ સુધી કોઈ પુરાવા આપ્યા નથી.”
આગળ કહેવામાં આવ્યું કે, “આ પ્રકારના અવિચારી વર્તનના કારણે ભારત-કેનેડાના સંબંધોમાં જે ખટાશ આવી છે તેની જવાબદારી એકમાત્ર વડાપ્રધાન ટ્રુડોની જ છે.”