જામનગરમાં એક 11 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કરવાના કેસમાં કોર્ટે એક ઈસમને ગુનેગાર ઠેરવીને 20 વર્ષની સજા ફટકારી છે. ગુનેગારની ઓળખ 42 વર્ષીય અબ્દુલરહીમ હારુનભાઈ બુખારી તરીકે થઈ છે. ઘટના વર્ષ 2021ની છે. ગત 10 ઑક્ટોબરના રોજ જામનગર સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને ગુનેગાર ઠેરવીને સજા ફટકારી હતી. આ સિવાય તેને દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
આ કિસ્સો જામનગરનો છે. ઘટના 20-1-2021ના રોજ ઘટી હતી. કેસની વિગતો એવી છે કે, પીડિત બાળકી દૂધ ડેરીએ દૂધ લેવા માટે ગઈ હતી. તે સમયે ગુનેગાર અબ્દુલ રહીમ બુખારીએ બાળકીને ‘બેટા તારું કામ છે’ કહીને પોતાની પાસે બોલાવી હતી. ત્યારબાદ તેની સાથે શારીરિક અડપલાં કરીને દુષ્કર્મ આચર્યું હતું.
ગભરાઈ ગયેલી બાળકીનું વર્તન બદલાતાં પરિવારે પૂછપરછ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ માતાપિતાએ જામનગરના પંચકોશી ખાતે આવેલા A ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે અબ્દુલ સામે IPC અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ કેસ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો.
3 વર્ષની સુનાવણી બાદ કોર્ટે FIR, મેડિકલ રિપોર્ટ, સાક્ષીઓની જુબાની અને રેકર્ડ ઉપર ઉપલબ્ધ તથ્યો અને અન્ય સામગ્રીને ધ્યાને લઈ અબ્દુલરહીમને IPCની કલમ 376(AB) અને પોક્સોની કલમ 4,6, 8 અને 12 હેઠળ ગુનેગાર ઠેરવ્યો હતો. આરોપી પક્ષે તેના બચાવમાં કોર્ટમાં વકીલ એમ. આઈ કુરેશીએ દલીલો કરી હતી, પરંતુ કોર્ટે તે ગ્રાહ્ય ન રાખી.
કોર્ટે અબ્દુલને પોક્સોની કલમ 4(2) મુજબ 20 વર્ષની સખત કેદની સજા તથા ₹5000નો દંડ, કલમ 6 મુજબ 20 વર્ષ સખ્ત કેદ તથા ₹5000નો દંડ, કલમ 8 મુજબ પાંચ વર્ષની સજા તથા ₹1000 નો દંડ, તેમજ કલમ 12 મુજબ 3 વર્ષની સજા તથા ₹1000નો દંડ ફટકાર્યો છે. આ તમામ સજાઓ તેણે સાથે ભોગવવાની રહેશે, એટલે 20 વર્ષની કેદ થાય.
આ સિવાય કોર્ટે ભોગ બનનાર બાળકીને વળતર પેટે ₹6 લાખ ચૂકવવા માટે પણ આદેશ કર્યો હતો. ગત 10 ઑક્ટોબરના રોજ સ્પેશિયલ પોક્સો કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો, જેની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.