Friday, November 22, 2024
More

    ‘હિઝ્બ ઉત તહરીર’ આતંકવાદી સંગઠન ઘોષિત: ગૃહ મંત્રાલયની કાર્યવાહી

    ઇસ્લામી સંગઠન હિઝ્બ-ઉત-તહરીરને કેન્દ્રની મોદી સરકારે આતંકવાદી સંગઠન ઘોષિત કર્યું છે. ગુરુવારે (10 ઑક્ટોબર) આ બાબતની ઘોષણા કરવામાં આવી. 

    ગૃહ મંત્રાલયે UAPA હેઠળ સંગઠન પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેથી તે હવે ગતિવિધિઓ ચલાવી શકશે નહીં. 

    મંત્રાલયે કાર્યવાહી અંગે જણાવતાં કહ્યું કે, આ સંગઠન ભારત સહિત દુનિયાભરમાં જેહાદ કરીને લોકતાંત્રિક સરકારને ઉખાડી ફેંકીને ઇસ્લામી શાસન લાવવા માટે કાર્યરત હતું. ઉપરાંત, તે ભારતની આંતરિક સુરક્ષા માટે પણ જોખમરૂપ હોવાનું સરકારે જણાવ્યું છે. 

    આ સંગઠનની સ્થાપના વર્ષ 1953માં જેરૂસલેમમાં થઈ હતી અને તે ભારત સહિત અનેક દેશોમાં પગપેસારો કરી ચૂક્યું છે. 

    સંગઠન અને તેના માણસો વિરુદ્ધ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ એક કેસ પણ દાખલ કર્યો હતો, જેમાં ગત બુધવારે (9 ઑક્ટોબર) જ એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી. ફૈઝુલ રહેમાન નામનો આ ઇસમ તમિલનાડુ અને પોંડિચેરીમાં સંગઠનની ગતિવિધિઓ ચલાવતો હતો. 

    NIAએ જણાવ્યું કે, રહેમાન જૂથના અન્ય માણસો સાથે સરકારને ઉખાડી ફેંકવાનાં કાવતરાં કરી રહ્યો હતો અને એટલું જ નહીં પણ કાશ્મીરમાં સૈન્ય મોકલવા માટે પાકિસ્તાનની મદદ માંગવાનાં પણ સપનાં જોઈ રહ્યો હતો.