મહારાષ્ટ્રના શિવસેના UBTના (Shivsena UBT) નેતા સંજય રાઉત (Sanjay Raut) વિરુદ્ધ મધ્યપ્રદેશમાં FIR દાખલ કરવામાં આવી છે. રાજધાની ભોપાલની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આ મામલામાં FIR નોંધી છે. રાઉત પર મધ્ય પ્રદેશની લાડલી બહના યોજના (Ladali Behna Yojana) વિશે ખોટી માહિતી ફેલાવવાનો આરોપ છે. ભોપાલ ભાજપ મહિલા મોરચા નેતા સુષમા ચૌહાણની ફરિયાદ પર પોલીસે મહારાષ્ટ્રના નેતા વિરુદ્ધ FIR દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સંજય રાઉત વિરુદ્ધ ભ્રમ ફેલાવવા મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બાબતે ભાજપ મહિલા મોરચા જિલ્લા ઉપાધ્યક્ષ સુષ્મા ચૌહાણે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે રાઉતનો એક વિડીયો X પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે મધ્યપ્રદેશ સરકારની લાડલી બહના યોજના અંગે જાણીજોઈને ભ્રમ ફેલાય તેવાં નિવેદનો આપ્યાં હતાં.
Breaking news: Naughty Sanjay Raut is booked by MP Police for spreading fake news regarding Ladli Bahen Yojna…. pic.twitter.com/eg9IgcZf2L
— Mr Sinha (@MrSinha_) October 10, 2024
સંજય રાઉતે મીડિયા સાથેની વાતચીતમાં એવું નિવેદન આપ્યું હતું કે, “આ યોજનાઓ દેશમાં ક્યાંય પણ સફળ નથી થઈ રહી. આ એક સંપૂર્ણ રાજકીય રમત છે. તમે મધ્યપ્રદેશમાં જાઓ અને જુઓ કે યોજના શરૂ થઈ છે કે નહીં. ત્યાં નાણા સચિવનો આદેશ શું છે. આ એક ખૂબ જ ઇનવેલિડ યોજના છે, જે ફળદાયી રહેશે નહીં. સમગ્ર અર્થવ્યવસ્થા પડી ભાંગશે.”
રાઉતે કહ્યું હતું કે મધ્યપ્રદેશ જેવા રાજ્યમાં લાડલી બહના યોજના બંધ થઇ તો મહારાષ્ટ્રમાં પણ બંધ થઈ જશે. ફરિયાદ અનુસાર, આવી ખોટી અફવાઓ ફેલાવીને સંજય રાઉતે બહેનોમાં લોકપ્રિય એવી લાડલી બહના યોજના વિરુદ્ધ ખોટી અફવાઓ ફેલાવી હતી. તેમની ઉપર પોતાના રાજકીય ફાયદા માટે મધ્યપ્રદેશની ભાજપ સરકારના મુખ્યમંત્રી મોહન યાદવની છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે સંજય રાઉત વિરુદ્ધ ભ્રમ ફેલાવવાની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
લાડલી બહના યોજના મામલે રાઉતના નિવેદન પર CM ડો. મોહન યાદવે કહ્યું કે, “જ્યારથી લાડલી બહના યોજના શરૂ કરી છે ત્યારથી અમે રાજ્યની 1 કરોડ 29 લાખ બહેનોને નિયત સમયે દર મહિને સતત નાણાં આપી રહ્યા છીએ. વિરાંગના રાણી દુર્ગાવતીની જન્મજયંતિ નિમિત્તે અમે રાજ્યભરની બહેનોના ખાતામાં ₹5,000ની રકમ જમા કરાવી છે.”
તેમણે રાઉતના નિવેદનને ષડ્યંત્રભર્યું ગણાવતાં કહ્યું હતું કે, “એક પણ મહિનો એવો પસાર થતો નથી કે જ્યારે આ રકમ જમા ન થઈ હોય. પરંતુ હારના ડરથી શિવસેના (UBT)ના લોકો મહારાષ્ટ્ર ચૂંટણીમાં મતદારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું ફરી એકવાર મારા તમામ મતદારોને કહેવા માગું છું કે આવા ખોટા ષડયંત્રમાં વિશ્વાસ ન કરો.”