Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણહરિયાણા ચૂંટણીમાં મધમીઠું જલેબીનું ગૂંચળું લઈ આવ્યા રાહુલ ગાંધી, પરિણામના દિવસે કોંગ્રેસીઓને...

    હરિયાણા ચૂંટણીમાં મધમીઠું જલેબીનું ગૂંચળું લઈ આવ્યા રાહુલ ગાંધી, પરિણામના દિવસે કોંગ્રેસીઓને લાગ્યું ‘ઝેર’ જેવું: વાંચો કેમ ટ્રેન્ડ થઈ રહી છે મીઠાઈ, ચૂંટણી સાથે શું છે સંબંધ

    જે લોકો રાજકારણના રસિયા હશે, તેમને તો ખબર જ હશે કે આ 'જલેબી પુરાણ' છે શું. પણ કેટલાય લોકો એવા હશે કે તેમને સોશિયલ મીડિયામાં 'જલેબી ટ્રેન્ડ' જોઈ નવાઈ લગતી હશે અને થતું હશે કે આખરે હરિયાણાની ચૂંટણીને અને જલેબીને શું સંબંધ. પ્રશ્ન એવો પણ થતો હશે, કે આખરે લોકો જલેબીના નામે કોંગ્રેસીઓને શા માટે ચીડવી રહ્યા છે.

    - Advertisement -

    હરિયાણા વિધાનસભા ચૂંટણીઓ ખૂબ જ રસપ્રદ રહી. એક્ઝિટ પોલ્સથી માંડીને પરિણામના દિવસે સવારથી આવતાં વલણો ખરેખર પેટમાં વમળો ઊભા કરે તેવાં હતાં. ભાજપ સમર્થકો માટે દિવસ થોડો બિહામણો શરૂ તો થયો, પરંતુ બપોર પડતાં સુધીમાં તો આખી રંગત બદલાઈ ગઈ. ગેલમાં ગમ્મત કરી રહેલા કોંગ્રેસીઓ ધીમે-ધીમે ટાઢા પડવા લાગ્યા અને ભાજપ ખેમામાં ગરમાવો આવવા લાગ્યો ને અંતે સતત ત્રીજી વાર ભાજપે બહુમત મેળવ્યો. પણ આ વખતે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જલેબીએ બહુ મોટો ભાગ ભજવ્યો. પરિણામના દિવસે સવારથી જ આખા દેશમાં જલેબી-જલેબી થઈ રહ્યું હતું અને તે હજુ પણ ચાલુ જ છે. ભાજપ, ભાજપ સમર્થકો, સોશિયલ મીડિયા યુઝર્સ હાલ જલેબીને લઈને કોંગ્રેસની જબરી ઠેકડી ઉડાડી રહ્યા છે.

    હવે જે લોકો રાજકારણના રસિયા હશે, તેમને તો ખબર જ હશે કે આ ‘જલેબી પુરાણ’ છે શું. પણ કેટલાય લોકો એવા હશે કે તેમને સોશિયલ મીડિયામાં ‘જલેબી ટ્રેન્ડ’ જોઈ નવાઈ લગતી હશે અને થતું હશે કે આખરે હરિયાણાની ચૂંટણીને અને જલેબીને શું સંબંધ. પ્રશ્ન એવો પણ થતો હશે, કે આખરે લોકો જલેબીના નામે કોંગ્રેસીઓને શા માટે ચીડવી રહ્યા છે. કેમ ભાજપના મોટા-મોટા કદના નેતાઓ જલેબી લઈને કોંગ્રેસી નેતાઓને શોધતા ફરી રહ્યા છે. અરે લાઈવ ટીવીમાં કેમ જલેબી દેખાડીને કોંગ્રેસના નેતાઓ/પ્રવક્તાઓની ટાંગ ખેંચવામાં આવી રહી છે. આ લેખમાં જાણીશું કે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આખરે શું છે જલેબી પૂરાણ અને કેમ આ મીઠડી વાનગી કોંગ્રેસીઓ અને તેમના સમર્થકોને કડવી વખ જેવી લાગતી હશે.

    રાહુલ ગાંધી ‘ફેક્ટરીમાં બનેલું જલેબીનું ગૂંચળું’ રાજકારણમાં લઈ આવ્યા

    હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જલેબીએ ફેલાવેલી ઝગમગ પાછળનું કારણ જાણવું હોય તો થોડા દિવસ અગાઉના ભૂતકાળમાં ડોકિયું કરવું પડે. વાસ્તવમાં હરિયાણાના રાજકારણમાં જલેબીના ગૂંચળા લાવવાનો શ્રેય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને જાય છે. મતદાન પહેલાં રાહુલ હરિયાણાના ગોહાનામાં એક જનસભાને સંબોધી રહ્યા હતા. આ દરમિયાન તેમણે સ્થાનિક લોકોને આકર્ષવા એક નવો કીમિયો અપનાવ્યો. ગોહાનામાં એક કંદોઇની દુકાન છે, માતુરામ નામની આ દુકાનની જલેબીઓ સ્થાનિક સ્તરે ખૂબ પ્રખ્યાત છે. રાહુલ ગાંધીએ સ્થાનિક મતદારોને આકર્ષવા આ જલેબીનું બોક્સ મંચ પરથી ઊંચું કરીને દેખાડ્યું અને કહ્યું કે આવી જલેબી મેં જીવનમાં ક્યારેય નથી ખાધી.

    - Advertisement -

    રાહુલ આટલે જ ન અટક્યા, તેમણે સભાને સંબોધતાં એમ પણ કહ્યું કે, તેમનાં બહેન પ્રિયંકાને જલેબી ખૂબ જ ભાવે છે. આ જલેબીનો ટેસ્ટ કરતાંની સાથે જ તેમણે તેમને મેસેજ કર્યો અને કહ્યું કે મેં આવી જલેબી ક્યારેય નથી ખાધી. રાહુલે મંચ પરથી ત્યાં સુધી કહી દીધું કે આ જે જલેબી છે, તેને આખા દેશમાં અને વિદેશમાં પહોંચાડવી જોઈએ. તેમણે કહ્યું કે, “આમાં હરિયાણાના એક વ્યક્તિનું લોહી અને પરસેવો છે. આખો કોન્સેપ્ટ તેમણે બનાવ્યો અને વર્ષોથી તેઓ કામ કરી રહ્યા છે. થવું શું જોઈએ? જેમ મેં આજે દીપેન્દર (હુડ્ડા) અને પુનિયાજીને ગાડીમાં કહ્યું કે આ જે જલેબી છે આખા દેશમાં જવી જોઈએ. ત્યારબાદ અમેરિકા, જાપાનમાં અલગ-અલગ રૂપ લઈને તેને જવું જોઈએ. આજે તેમના ત્યાં 100 લોકો કામ કરતા હશે, જો તેમની જલેબી બાકી દુનિયામાં જશે તો તેમની ફેક્ટરીમાં દસ-વીસ-ત્રીસ હજાર લોકો કામ કરતા હશે.”

    ફેક્ટરી નહીં, દુકાનમાં દેશી રીતે બને છે જલેબી, પહેલેથી જ ભારત અને વિદેશમાં છે વિખ્યાત

    હવે રાહુલ ગાંધીએ અહીં ‘જલેબી બનાવવાની ફેક્ટરી’ના કોન્સેપ્ટની વાત કરીને પહેલાં જ લોકોને મોજ કરાવી દીધી હતી. તેવામાં જે દુકાનેથી આ જલેબી લાવવામાં આવી, તે દુકાન માલિકે પોતે સામે આવીને કહ્યું કે, તેમની જલેબી કોઈ ફેક્ટરીમાં નથી બનતી અને તે ખૂબ જ સ્વદેશી રીતે જ તેમની નાની દુકાનમાં બને છે. તેમણે રાહુલ ગાંધીની ફેક્ટરીવાળી વાત નકારતાં કહ્યું કે, “અમારી આઈટમ આયુર્વેદિક છે અને દેશી ઘીમાં બને છે. તમે એક વાર ખાશો તો તમને ખ્યાલ આવશે. આ કોઈ ફેક્ટરીની આઈટમ નથી, આ અમારી દુકાનની આઈટમ છે. વીસ-ત્રીસ હજાર લોકો નહીં, પરનું અમારા ત્યાં દસ-બાર લોકો કામ કરે છે. અમારી ત્રણ દુકાન છે અને તે અમારા જન્મ પહેલેથી જ તે કાર્યરત છે.” અહીં નોંધવું જોઈએ કે લાલા માતુરામ દુકાનના માલિકે પોતે જ કહ્યું કે તેમની જલેબી ભારતમાં તો અલગ-અલગ જગ્યાએ જાય જ છે, પરંતુ ક્યારેક ઓર્ડર મુજબ વિદેશ પણ મોકલવામાં આવે છે. હવે રાહુલ ગાંધીના નિવેદન અને દુકાનદારની સ્પષ્ટતા તમારા પર છોડી.

    હરિયાણા કોંગ્રેસે કરી પહેલી સળી

    રાહુલ ગાંધીની જલેબીની ફેક્ટરીની વાત સાંભળી ફરી એ જ ચાલ્યું જે વર્ષોથી ચાલતું આવ્યું છે. એક તરફ સોશિયલ મીડિયામાં યુઝર્સ રાહુલ ગાંધી અને કોંગ્રેસને ટ્રોલ કરી રહ્યા હતા, તો બીજી તરફ કાયમની જેમ કોંગ્રેસી નેતાઓ રાહુલ ગાંધીના બચાવમાં ઉતરી પડ્યા. દાવા કરવામાં આવ્યા કે જેવી કોંગ્રેસ વિજેતા બનશે કે બધાને જલેબી વેચીને મોં મીઠું કરાવવામાં આવશે. આ બધું માંડ શાંત થયું, ત્યાં આવ્યો પરિણામનો દિવસ. હજુ લોકો ‘જલેબીની ફેક્ટરી’ને લઈને રાહુલ ગાંધી પર મજા લઈ જ રહ્યા હતા કે, રહી જતું હતું કે હરિયાણા કોંગ્રેસે પરિણામના દિવસે સવાર-સવારમાં જ એક પોસ્ટ કરી. હરિયાણા કોંગ્રેસના સત્તાવાર X હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવી કે, “રામ-રામ હરિયાણા, જલેબી દિવસની શુભકામનાઓ.”

    હવે સવારે પરિણામો આવવાનું શરૂ થયું, ત્યારે કોંગ્રેસની જે સ્થિતિ હતી તે અનુસાર આ પોસ્ટ વાજબી અને આત્મવિશ્વાસથી છલોછલ લાગી. પણ જેવો સમય વીતતો ગયો, પરિણામો બદલાતાં ગયાં. કોંગ્રેસનાં સૂપડાં સાફ થતાં સ્પષ્ટ નજરે પડવા લાગ્યાં. સ્વભાવિક છે સવાર-સવારમાં ‘હરખપદુડા’ બનીને કરેલી ‘જલેબી દિવસની પોસ્ટ હવે કોંગ્રેસ માટે મજાકનું એક કારણ બનીને રહી ગઈ. જેમ-જેમ કોંગ્રેસની હાર સુનિશ્ચિત થતી ગઈ તેમ આ પોસ્ટ વાયરલ થતી ગઈ. લોકોએ આ પોસ્ટના કૉમેન્ટ સેક્શનમાં કોંગ્રેસને અવળા હાથે લીધી. લોકો હવે રીતસરના ટ્રોલ કરવા પર ઉતરી આવ્યા હતા. હરિયાણા કોંગ્રેસનું કમેન્ટબોક્સ જાણે મિમ્સ શેર કરવાનું મેદાન બની ગયું અને કોંગ્રેસ હેન્ડલની આ પોસ્ટ ટ્રોલ કરવાનું કારણ.

    જલેબી લાવ્યા રાહુલ ગાંધી, સ્વાદ ભાજપે લીધો

    સાંજ પડતાં સુધીમાં તો પરિણામો સ્પષ્ટ થઇ ગયાં. હરિયાણાની જનતાએ ભાજપને પ્રચંડ બહુમત સાથે વિજેતા બનાવી. બીજી તરફ કોંગ્રેસ પાર્ટી બહુમતથી બહુ છેટે રહી. તેવામાં આ જલેબી પુરાણ કેમનું પાછળ રહે. અત્યાર સુધી તો માત્ર ભાજપ સમર્થકો અને સોશિયલ મીડિયા યુઝર્સ જલેબીને લઈને કોંગ્રેસને ટ્રોલ કરી રહ્યા હતા. પણ હવે વારો ભાજપના નેતૃત્વનો હતો, ને તેમણે તક ઝડપીને કોંગ્રેસનો વારો કાઢ્યો પણ. ઠેકઠેકાણે ભાજપ કાર્યાલયો પર જલેબી પાર્ટીઓ થઈ. મોટા-મોટા મંત્રીઓથી માંડીને જમીન સ્તરના કાર્યકર્તાઓએ એક બીજાને જલેબી ખવડાવીને મો મીઠું કરાવ્યું. ગુજરાત ભાજપમાં તો અલગ જ પ્રકારનો ઉત્સાહ હતો. કેન્દ્ર સરકારમાં મંત્રી અને ગુજરાત પ્રાંતના ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે કમલમ ખાતે પોતે જલેબીઓ પાડીને બધાંનાં મોં મીઠા કરાવ્યાં. રહી જતું હતું તો તેમણે પોતાના સત્તાવાર હેન્ડલ પરથી લખ્યું, “જલેબીની મીઠાશ ફેક્ટરીથી નહીં, દિલથી આવે છે.”

    ભાજપ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાતો લાઈવ ટીવી ડિબેટમાં જલેબી લઈને બેઠા અને પોતાના પ્રતિદ્વંદી કોંગ્રેસી પ્રવક્તા અને નેતાઓને ટોણા મારવાનો એક પણ મોકો ન ચૂક્યા.

    હરિયાણા ભાજપે તો તેના કરતા પણ એક ડગલું આગળ કામ કર્યું. તેમણે એક સ્ક્રીનશૉટ શેર કર્યો અને કહ્યું કે, હરિયાણા ભાજપના સમસ્ત કાર્યકર્તાઓ તરફથી રાહુલ ગાંધીના ઘર સુધી જલેબી મોકલી દેવામાં આવી છે. મજાની વાત તો તે છે, કે ફોટામાં જે બિલ દેખાય છે તેના નીચે ‘To Pay Cash’ લખેલું છે. જેનો સીધો અર્થ તે થયો કે આ જલેબી મોકલવામાં તો આવી છે, પરંતુ તેના રૂપિયા રાહુલ ગાંધીએ જ ચૂકવવા પડશે.

    ‘જલેબી થી જલી…બે સુધીનો સફર’ સોશિયલ મીડિયા યુઝરોએ લઈ લીધી મજા

    માત્ર ભાજપ જ નહીં, સોશિયલ મીડિયા યુઝર્સ પણ પરિણામ જોઇને ગેલમાં આવી ગયા અને જલેબીને લઈને કોંગ્રસને ટ્રોલ કરવા લાગ્યા. એક યુવકે પોતાનો એક વિડીયો બનાવીને શેર કર્યો. જેમાં તે કહેતો જણાય છે કે તે છેક ઓસ્ટ્રેલિયા રહે છે અને ભાજપ હરિયાણા જીતી જતા લાંબી સફર ખેડીને જલેબી લેવા આવ્યો છે.

    X યુઝર પ્રાપ્તિએ પણ રાહુલ ગાંધીના ફોટાને શેર કરીને ટ્રોલ કરતા હરિયાણા ચૂંટણીમાં જલેબી મુદ્દો લાવવાનો શ્રેય આપ્યો હતો. તેમણે લખ્યું કે, “હરિયાણા ચૂંટણી દરમિયાન કોંગ્રેસની “જલેબી” અને કોંગ્રસની “જલી ભી” જેનો એક જ વ્યક્તિ જવાબદાર છે.”

    અન્ય એક હર્ષવર્ધન નામના યુઝરે પોતાનો જલેબી ખાતો ફોટો મૂક્યો અને લખ્યું કે, “જલેબી ખાઈ લીધી છે, પણ ફેક્ટરીવાળી નથી.”

    અભિષેક નામના એક યુઝરે રાહુલ ગાંધીની જ વાત પર જલેબી ખાતો ફોટો પોસ્ટ કરી અને લખ્યું કેમ, “આજે ફરી સવાર-સવારમાં જલેબી ખાઈ લીધી, અમેરિકાની ફેક્ટરીથી આવી છે. ગઈકાલે જ આ કંપની બૉમ્બે સ્ટોક એક્સેન્જમાં લિસ્ટ થઈ હતી.”

    રીચા નામના એક યુઝર તો આ જલેબી લઈને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના કાર્યાલયની બહાર પહોંચી ગયાં. તેમણે લખ્યું કે, “આટલી મહેનતથી જલેબી લઈને આવી પણ કોંગ્રેસ અને સપાના કાર્યાલય પર કોઈ નથી. ‘જલેબીથી જલી બે સુધીની સફર'”

    નોંધનીય છે કે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ લાવેલી જલેબીએ કોંગ્રેસ માટે આફત ફેલાવી અને એક પણ કોંગ્રેસી નેતાઓએ નહીં વિચાર્યું હોય કે આ મુદ્દો છેક અહીં પહોંચશે. જે પ્રમાણે કોંગ્રેસને ટ્રોલ કરવામાં આવી રહી છે, તે જોતાં એમ થાય છે કે રાહુલ ગાંધીએ મંગાવેલી જલેબી કોંગ્રેસીઓને કડવી ઝેર જેવી લાગી હશે. અહીં એક સ્ટેન્ડપ કોમેડિયનનું ખૂબ પ્રખ્યાત મિમ કોંગ્રેસને મોકલીને પૂછવાનું મન થાય કે..”હા ભાઈ, કૈસી લગી? આ ગયા સ્વાદ?”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં