હરિયાણા વિધાનસભા ચૂંટણીનું પરિણામ (Haryana Legislative Election Result) આવ્યા બાદ ગુજરાત ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલની (C R Patil) પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે કહ્યું હતું કે અલગ અલગ પરિણામોની સંભાવનાઓ દર્શાવ્યા છતાં જીત ભાજપની થઇ છે. હરિયાણામાં ભાજપે સતત ત્રીજી વાર વિજય મેળવ્યો હતો. જેના હર્ષની ઉજવણી ગુજરાત ભાજપ મુખ્યાલયે (Gujarat BJP Head Office) જલેબી બનાવીને કરવામાં આવી હતી.
ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર પાટીલે કહ્યું હતું કે, “જનતાનો ભાજપ અને પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં અતૂટ વિશ્વાસ હોવાનું સાબિત થયું છે. ‘વિકાસના કામોને કારણે ભાજપને ત્રીજી વખત સત્તા મળી છે. કોંગ્રેસે નેગેટિવ પ્રચાર કર્યો હતો છતા હરિયાણાના લોકોએ ભાજપ પર વિશ્વાસ મુક્યો છે.” તેમણે હરિયાણાના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
સી.આર પાટીલે આગળ કહ્યું હતું કે, “કોંગ્રેસના જુઠ્ઠાણા વચ્ચે લોકોએ PM નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મુક્યો છે.” આગળ તેમણે કહ્યું કે, હરિયાણાની જીત એ લોકશાહીની જીત છે, બંધારણ પર વિશ્વાસ મુકીને PM મોદી સરકાર બનાવી અને ચલાવી રહ્યા છે. કોંગ્રેસના જુઠ્ઠાણા અને નેગેટીવીટીને લોકોએ જાકારો આપ્યો છે.
લ્યો ત્યારે જલેબી ખાઓ મસ્ત!!
— Sagar Patoliya (@kathiyawadiii) October 8, 2024
હરિયાણા ઇલેક્શનના રિઝલ્ટ બાદ ગુજરાતનાં કમલમ્ ખાતે જલેબી પ્રોગ્રામ!#Gujarat pic.twitter.com/HlSzd14WoB
ઉલ્લેખનીય બાબત છે કે, હરિયાણા વિધાનસભાની જીતની ઉજવણી ગુજરાતમાં પણ ભાજપ મુખ્ય કાર્યાલય ખાતે કરવામાં આવી હતી. ભાજપના મુખ્ય નેતાઓએ મળીને જલેબી બનાવીને અને એકબીજાને જલેબી ખવડાવીને આ જીતની ઉજવણી કરી હતી. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સી.આર પાટીલનો એક વિડીયો ખૂબ વાયરલ થયો હતો, જેમાં તેઓ હરિયાણા વિધાનસભા ચૂંટણીની જીતમાં જલેબી તળતાં જોવા મળી રહ્યા છે. આ સિવાય વિડીયોમાં ઢોલ નગારાનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે જલેબીની પ્લેટ લઈને જોવા મળ્યા હતા. આમ તો જલેબી ખાઈને ઉજવણી રાહુલ ગાંધીએ કરવી જોઈએ પણ તેમનું આ કામ ભાજપના નેતાઓએ પૂર્ણ કરી દીધું હતું.
આમ જોવા જઈએ તો શુભ પ્રસંગે પેંડા અને લાડવા વહેંચવામાં આવે છે પણ આ વખતે તો જલેબીને પણ ઉજવણીમાં ભાગ લેવાનો અવસર મળ્યો. આ માટે જલેબીએ રાહુલ ગાંધીનું આભારી રહેવું જોઈએ. કારણકે જો રાહુલ ગાંધીએ હરિયાણામાં પ્રચાર દરમિયાન માટુરામની પ્રખ્યાત જલેબીના વખાણ કરીને તેની મોટી ફેક્ટરી બનાવી દેશ-વિદેશમાં તેની નિકાસની સંભાવનાઓ ના દર્શાવી હોત તો કદાચ જલેબીને આવો શુભ અવસર પ્રદાન ન થયો હતો.