ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) પ્રયાગરાજમાં યોજાનાર પ્રયાગરાજ મહાકુંભ 2025 મહોત્સવની (Prayagraj Maha Kumbh 2025) તૈયારીઓની સમીક્ષા કરતા કહ્યું કે આ મહાકુંભ સ્વચ્છ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત હશે. આ મહાકુંભ 14 જાન્યુઆરી 2025થી 26 ફેબ્રુઆરી 2025 સુધી યોજાશે, જેમાં સાધુ-સંતોની સાથે લાખો શ્રદ્ધાળુઓનું પણ આગમન થશે.
આ મેળાને દિવ્ય અને ભવ્ય બનાવવા પર ભાર મૂકતા સીએમ યોગીએ કહ્યું કે, 2019માં આયોજિત કુંભની સફળતાએ એક માપદંડ નક્કી કર્યો હતો, અને આ વખતે પ્રયાગરાજ મહાકુંભ 2025 દરમિયાન વધુ સારું આયોજન કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે મહાકુંડનો લોગો, વેબસાઈટ અને મોબાઈલ એપ પણ લોન્ચ કરી હતી.
महाकुम्भ-2025 के प्रतीक चिह्न (Logo) का अनावरण, वेबसाइट एवं ऐप की लॉन्चिंग के अवसर पर… https://t.co/lqLY76151b
— Yogi Adityanath (@myogiadityanath) October 6, 2024
મહાકુંભની તૈયારીઓ પર વિશેષ ધ્યાન
રવિવારે (6 ઓક્ટોબર 2024) યોજાયેલી બેઠકમાં એમ યોગીએ અધિકારીઓને સૂચના આપી છે કે 10 ડિસેમ્બર 2024 સુધીમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવે. મહાકુંભ 2025નું આયોજન 4,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં થશે, જે 2019માં 3,200 હેક્ટર હતું. મેળા વિસ્તારમાં 7000થી વધુ બસોની વ્યવસ્થા કરવામાં આવશે અને દોઢ લાખથી વધુ શૌચાલય બનાવવામાં આવશે. આ મેળામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે 10 હજાર સફાઈ કામદારોને સ્વચ્છતા માટે તૈનાત કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, 6 ખાસ સ્નાન મહોત્સવને બાદ કરતાં કોઈ પણ શ્રદ્ધાળુને 1 કિલોમીટરથી વધુ ચાલવું નહીં પડે.
કુંભના કૂલ 6 પ્રમુખ સ્નાન પર્વ હશે, જેમાં લાખો શ્રદ્ધાળુ પવિત્ર સંગમમાં ડૂબકી લગાવશે. પ્રમુખ સ્નાન પર્વ આ મુજબ છે:
- મકર સંક્રાંતિ: 14 જાન્યુઆરી 2025
- પોષ પૂર્ણિમા: 25 જાન્યુઆરી 2025
- મૌની અમાસ: 29 જાન્યુઆરી 2025
- વસંત પંચમી: 12 ફેબ્રુઆરી 2025
- મહાશિવરાત્રી: 26 ફેબ્રુઆરી 2025
ક્રાઉડ મેનેજમેન્ટ અને સુરક્ષા અંગે મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો હતો કે, મેળા વિસ્તારમાં વીવીઆઇપી કોરિડોર બનાવવામાં આવશે, પરંતુ ખાસ સ્નાન પર્વ પર વીઆઇપી મૂવમેન્ટ ન થવી જોઇએ. તેમણે ફાયર સર્વિસ, હેલ્પ ડેસ્ક, પાર્કિંગ અને સીસીટીવીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. એન્ટી ડ્રોન સિસ્ટમ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ્સનો ઉપયોગ પણ સુરક્ષા માટે કરવામાં આવશે.
નિર્મળ ગંગા-જમના
સીએમ યોગીએ ગંગા-યમુનાને સતત અને સ્વચ્છ બનાવવા પર પણ ભાર મૂક્યો હતો. બિજનોરથી બલિયા સુધી ઝીરો ડીસ્ચાર્જ સુનિશ્ચિત કરવામાં આવશે જેથી કોઈ નક્કર અથવા પ્રવાહી કચરો ગંગા અથવા યમુનામાં ન આવે. તેમણે કહ્યું હતું કે, ગટરોને ટેપ કરવામાં આવશે અને ગંગામાં ફક્ત શુદ્ધ પાણી છોડવામાં આવશે. મહાકુંભમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. પર્યાવરણને સુરક્ષિત રાખીને મહાકુંભ 2025નું આયોજન કરવામાં આવશે. સીએમ યોગીએ કહ્યું કે મહાકુંભ મેળા દરમિયાન સનાતન ભાવનાઓના સન્માનને જોતા પ્રયાગરાજમાં માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ રહેશે.
પ્રયાગરાજમાં અનેક મોટા સ્થાયી નિર્માણકર્યો ચાલુ
સીએમ યોગીએ બેઠકમાં જણાવ્યું હતું કે, પ્રયાગરાજમાં સ્ટીલ બ્રિજ, વીવીઆઇપી કોરિડોર અને પોલીસ સ્ટેશન સહિત અનેક સ્થાયી બાંધકામના કામો ચાલી રહ્યા છે. કાનપુર, લખનઉ, બારાબંકી અને અયોધ્યાથી પ્રયાગરાજ સુધી ડિસેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં સ્ટીલ બ્રિજ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત નવા જીઆરપી પોલીસ સ્ટેશનોની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી રેલવે અને યુપી પોલીસ વચ્ચે વધુ સારું સંકલન સ્થાપિત કરી શકાય.
સંતો સાથે કરી મુખ્યમંત્રીએ બેઠક
મુખ્યમંત્રી યોગીએ સંતો અને અખાડાઓ સાથે પણ બેઠક યોજી તેમની અપેક્ષાઓને ધ્યાનમાં રાખવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે, મહાકુંભ સનાતનીનો સૌથી મોટો મેળો છે અને તેના આયોજનમાં સંત સમાજનું વિશેષ યોગદાન રહેશે. તેમણે સંતોને વિનંતી કરી કે મહાકુંભ દરમિયાન નકારાત્મક વાતોથી બચીને સકારાત્મક વિચાર સાથે આગળ વધો. 2019માં કુંભનો ઉલ્લેખ કરતા સીએમે કહ્યું કે આ કાર્યક્રમે ઉત્તર પ્રદેશને વૈશ્વિક મંચ પર નવી ઓળખ આપી છે. આ વખતે ફરી એકવાર પ્રયાગરાજના આ ભવ્ય આયોજનને વૈશ્વિક સ્તર પર લઈ જવામાં દરેકનું સકારાત્મક યોગદાન હશે.
લેટે હનુમાન કોરીડોરનું નિર્માણકાર્ય
મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રયાગરાજ મહાકુંભ 2025 દરમિયાન આવનારા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. નવા હોમસ્ટે પ્રોગ્રામથી વધુ સારી સુવિધાઓ માટે ઢાબા, હોટલ અને રેસ્ટોરન્ટને સબસિડી આપીને સ્થાનિકોને પણ ફાયદો થશે. ગુલામીના પ્રતિક ગણાતા મહાકુંભના મુખ્ય સ્નાન ઉત્સવો માટે શાહી સ્નાનનું નામ બદલવાનું પણ સૂચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સીએમએ કહ્યું કે સરકાર યુપીના 700થી વધુ મંદિરોનો જીર્ણોદ્ધાર કરી રહી છે અને લેટે હનુમાન કોરિડોર (Lete Hanuman) પણ બની રહ્યો છે.
મહત્વનું છે કે, પ્રયાગરાજ મહાકુંભ 2025ના આયોજન માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સરકારનો ઉદ્દેશ એ છે કે આ કાર્યક્રમ 2019ના કુંભ કરતાં પણ વધુ ભવ્ય, દિવ્ય, સ્વચ્છ અને સુવ્યવસ્થિત હોવો જોઈએ. સરકાર તમામ જરૂરી તૈયારીઓ સમય પહેલા પૂર્ણ કરવા અને ભક્તો માટે વધુ સારી સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે સખત મહેનત કરી રહી છે. સીએમ યોગીએ કહ્યું કે આ મહાકુંભ વૈશ્વિક મંચ પર ભારતની સનાતન સંસ્કૃતિની સ્થાપિત કરવાનો એક મહત્વપૂર્ણ અવસર છે.